સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૯ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં શ્રીજીમહારાજનું ગોલોક ધામ ને તેને વિષે બ્રહ્મજ્યોતિ છે, તે અક્ષરબ્રહ્મથી પર છે એમ આવ્યું; ત્યારે સંતોને માંહોમાંહી સંવાદ થયો. તેમાં કેટલાક અક્ષરબ્રહ્મને પર કહેવા લાગ્યા ને કેટલાક અક્ષરબ્રહ્મથી ગોલોકને પર કહેવા લાગ્યા.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કોઈ વાતમાં વાદવિવાદ કરવો નહિ. વાદવિવાદમાં તમોગુણ આવે. કદાપિ કોઈકનું પ્રતિપાદન થાય તો તેનું માન આવે. માટે એ માર્ગે ચાલવું નહિ. વાતચીત કરતાં તથા પ્રશ્ન-ઉત્તર કરતાં રજ-તમનો ભાવ લાવવો નહિ, તો આ જોગમાં મોટો લાભ છે. ઊનું નહિ, ટાઢું નહિ, મંદમંદપણું, શીતળ ને શાંત એવું મહારાજનું સુખ છે, તે સુખ જેને રજ-તમ ન ભળે તેને આવે છે. માટે રજ-તમ આવવા દેવો નહિ; કેમ જે તેમાં માયા ભળે છે ને પરાભવ કરે છે. પ્રશ્ન-ઉત્તરમાં ધડાકો મારે તેના ઉપર મહારાજ ને મોટા રાજી ન થાય. વાદવિવાદ કરતાં તમોગુણ આવે તો શબ્દ સર્વે વ્યર્થ થઈ જાય, ને મહારાજને ભૂલી જવાય; એવી ખોટ આવે અને કોઈને સમાસ ન કરે. માટે સાધુ થાવું; એટલે મહારાજ તથા એમના મુક્ત જેવું થાવું, તો સાધુ થયા જાણવું.”
“આપણને સર્વોપરી શ્રી પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, તે પુરુષોત્તમનો સંબંધ રાખે તો પુરુષોત્તમરૂપ થવાય અને અવગુણ આવે તો જીવનો નાશ થઈ જાય. ત્યાં દૃષ્ટાંત, જેમ અગ્નિમાં કાષ્ટ પડ્યું તે અગ્નિરૂપ થયું, અને અગ્નિમાંથી નોખું પડે તો રાખ થઈ જાય; તેમ આ વાત સાધનિકની છે.”
“વચનામૃતમાં કેટલાક શબ્દ શ્રીજીમહારાજ પોતે ભગવાનરૂપે બોલ્યા છે અને કેટલાક શબ્દ અનાદિમુક્તરૂપે બોલ્યા છે, અને કેટલાક શબ્દ સાધનિકરૂપે બોલ્યા છે. બે પ્રકારની સમજણવાળાને અર્થે શ્રીજીમહારાજે વચનામૃત દ્વિઅર્થી કર્યાં છે. તે નરનારાયણ અને શ્રી પુરુષોત્તમને ભેળા કહ્યા, એમ દ્વિઅર્થી જાણવા.”
“વચલું કારખાનું એકવાર જાણીને પછી ખોટું કરી નાખવું અને પોતે શ્રીજીમહારાજના તેજરૂપ થઈને અથવા અનાદિમુક્તરૂપ થઈને મૂર્તિમાં જોડાઈ જાવું. તમારો વિવાદ ચાલતો હતો, તેમાં ઈશ્વર બાવાનું કહેવું સત્ય હતું. તેમાં શ્રીજીમહારાજે મૂર્તિમાન અક્ષરબ્રહ્મથી પોતાના તેજની કિરણોરૂપ ગોલોક અને તેમાં બ્રહ્મજ્યોતિ છે તેને પર કહ્યું છે. તેમાં શ્રીજીમહારાજ પોતાના પરમ એકાંતિક મુક્તોએ સહિત રહ્યા છે અને જે અનાદિમુક્ત છે તે તો મૂર્તિમાં રહ્યા છે તે સત્ય વાત છે.”
એમ વાત કરીને પછી બોલ્યા જે, “અમે એક હરિભક્તને પૂછ્યું જે, ‘તમે દેહ મૂકીને ક્યાં રહેશો?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘અક્ષરધામમાં, તમે હશો ત્યાં રહીશું.’ ત્યારે અમે કહ્યું જે, ‘અમારાં ઠેકાણાં કેવાં! અમે તો જ્યાં મહારાજ મોકલે ત્યાં હોઈએ.’ પછી એ હરિભક્ત બોલ્યા નહિ. ત્યારે અમે કહ્યું જે, ‘તમને સ્વામી ઈશ્વરચરણદાસજીના જેવું કહેતાં ન આવડ્યું.’ અમે એમને પૂછ્યું હતું જે, ‘તમે દેહ ત્યાગ કરશો ત્યારે ક્યાં રહેશો?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘જ્યાં તમે હશો ત્યાં રહીશું.’ પછી અમે કહ્યું જે, ‘અમને તો જ્યાં મહારાજ મોકલે ત્યાં જઈએ.’ ત્યારે તે કહે જે, ‘તમે તો સદાય મહારાજની મૂર્તિમાં છો, ને મૂર્તિમાં રહ્યા થકા જ્યાં દેખાવું હોય ત્યાં દેખાઓ છો; પણ તમારે મહારાજને મૂકીને ક્યાંયે જવું પડે નહિ.’ એમ જવાબ આપ્યો. પછી તે હરિજને કહ્યું જે, ‘અમને એવું ક્યાંથી આવડે?’ માટે અધ્યાત્મ વાર્તા મોટાના સમાગમ વિના પોતાની બુદ્ધિએ સમજાય તેમ નથી.” ।।૧૦૯।।