સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૭ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “એક સમયને વિષે પર્વતભાઈ આદિ સંઘ સર્વે જૂનાગઢ શ્રીજીમહારાજનાં દર્શન કરવા જતા હતા. પર્વતભાઈ તો પૃથ્વીથી આકાશમાર્ગે ઊંચા ચાલી નીસર્યા ને મહારાજનાં દર્શન કર્યાં. પછી પાછળથી મયારામ ભટ્ટ, જેઠાભાઈ, કલ્યાણ ભક્ત તથા ભીમભાઈ આદિક સંઘ સર્વે ગયો. તેમને શ્રીજીમહારાજે પોતાનું શરીર બતાવીને કહ્યું જે, ‘આ અમારે શરીરે ઉઝરડા બહુ થયા છે.’ ત્યારે હરિજનોએ પૂછ્યું જે, ‘હે મહારાજ! આવડા બધા ઉઝરડા શાથી થયા છે?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘તમે પર્વતભાઈને એકલા આવવા દીધા તે અમારી મૂર્તિમાં રહીને ઊડ્યા, તે જાળાં-ઝાંખરાંમાં અથડાવાથી ઉઝરડા થયા છે. માટે તમે પર્વતભાઈને સાથે રાખ્યા હોત તો આવું દુઃખ અમને થાત નહિ.’ ત્યારે હરિજનોએ કહ્યું જે, ‘મહારાજ, હવે અમે પર્વતભાઈને સૂના નહિ મૂકીએ ને સેવા કરીશું.’ ત્યારથી હરિજનો મહિમા જાણીને સેવા બહુ કરતા.”
“એક વાર પર્વતભાઈ માંદા થયા તેમની સેવા હરિજનો મહિમા જાણીને કરતા. તેમને કોઈક ગામથી કંકોત્રી આવી જે વસંતપંચમીને દિવસે મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત છે, માટે તમે સર્વે પધારજો. પછી હરિજનો ભાઈશ્રીને પૂછવા ગયા જે, ‘કંકોત્રી આવી છે ત્યાં અમો જઈએ?’ ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, ‘રાજસી યજ્ઞમાં જાઓ, કાં સાત્ત્વિક યજ્ઞમાં રહો. જેમ તમારી મરજી હોય તેમ કરો.’ એમ બોલ્યા, પણ હરિજનો સમજી શક્યા નહિ તેથી બે-ત્રણ વાર પૂછ્યું તોપણ એવો જ જવાબ દીધો. તેને સમજ્યા નહિ ને કંકોત્રી આવી હતી ત્યાં ગયા.”
“તે દિવસે પર્વતભાઈએ ગામના સર્વે માણસોને બોલાવરાવ્યા ને કહ્યું જે, ‘આજ મારે દેહ મૂકવો છે, માટે જેને આ ટાણે મારાં દર્શન થાય તેને હું અંત વખતે આવીને ધામમાં તેડી જઈશ.’ પછી સર્વે લોકોએ દર્શન કર્યાં. અને બાળક, પશુ, પક્ષી, સર્વેને પર્વતભાઈનાં દર્શન કરાવ્યાં. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, ‘જેટલા આ વખતે મારી દૃષ્ટિએ ચઢ્યા તે સર્વે જીવોને હું તેડવા આવીશ.’ એમ કહીને પોતે દેહોત્સવ કર્યો. તે સમયે લાખો-કરોડો વિમાન અને મુક્તોએ સહિત શ્રીજીમહારાજનાં દર્શન સર્વેને થાતાં હવાં. એમ અન્યથાકર્તાપણું વાપર્યું. આવી સામર્થી અનાદિમુક્તમાં હોય.”
“એવા મુક્ત તમને મળ્યા છે. જેમ પીરસનાર વિના ભોજન જમાતું નથી તેમ મુક્ત વિના મહારાજની વાત સમજાતી નથી. આવા મહારાજ ને આવા મુક્ત, જેના મહિમાનો કોઈ પાર પામી શકતા નથી, તે દયા કરીને પધાર્યા છે તેને પામીને જે એમ જાણે જે, ‘મને મહારાજ કેમ દર્શન નહિ દેતા હોય? મારા ઉપર રાજી હશે કે નહિ હોય?’ તે મહારાજમાં દોષ પરઠે છે, પણ પોતાની આળસ છે એ ખોટ નથી જાણતો. મોટા મુક્ત વાત નથી કરતા તે આપણા ઉપર રાજી હશે કે નહિ હોય એમ જે જાણે તે મુક્તમાં દોષ પરઠે છે, પણ પોતાના પાત્રપણાની તારતમ્યતાની ભૂલ જાણતો નથી. એ નાસ્તિકપણું છે. મોટા ને મહારાજ મળ્યા છે તે પ્રસાદ આપે છે, લીલા કરે છે, વાતો કરે છે, પ્રશ્ન પૂછે છે, તેનો ઉત્તર પોતે કરે છે, મળે છે, હાર આપે છે, તે બહુ રાજી છે. અને મોટા ઓળખાણા તે પણ એમના રાજીપાથી ઓળખાણા છે. એમાં જીવનું કાંઈ સાધન નથી. માટે મોટા રાજી છે ને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે.” ।।૧૧।।