સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મોટા મુક્તની દૃષ્ટિ આગળ પામર જીવ દેહ મેલે તે અવિનાશી મહાપ્રભુજીનું સુખ પામે છે, તો જેને મહિમા સમજાણો છે ને હેત છે તે તો જ્યાં દેહ મૂકે ત્યાં મહારાજ ને મોટા સાથે જ છે, ને તે તો દેહ છતાં જ સુખ પામેલા છે; માટે સંશય કરવો નહિ.”
“મોટાની દયા તો સર્વ સત્સંગ ઉપર અપાર છે, પણ જે મોટાની સાથે ભાવથી જોડાય તેના ઉપર વિશેષ દયા છે. જીવના ગુના સામું મોટા જોતા નથી. જે મન, કર્મ, વચને મોટાના થઈ રહ્યા છે તેનો છેલ્લો જન્મ થઈ રહ્યો છે. જો લાંબી અવધિએ મોક્ષ થાય, તો મોટા મળ્યા તેનું ફળ શું? માટે મોટા મળ્યા તેને જન્મ ધરવો પડતો નથી. જેમ જેમ અમે ઘણાક જીવને મહારાજ પાસે લઈ જઈએ તેમ તેમ મહારાજનો રાજીપો ઘણો થાય છે. જેમ તમે ઘણા ગામનો ધર્માદો મંદિરમાં લાવો તો મોટેરા ઘણા રાજી થાય તેમ. તથા જેમ માસ્તર નિશાળ ભણાવે તેને એમ રહે જે હું ઘણાને ભણાવું તો ઉપરી રાજી થાય ને ઈનામ મળે તેમ.”
એટલી વાર્તા કરીને કથાની સમાપ્તિ કરી. ।।૧૧૩।।