સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૭ને રોજ સાંજે સરસપુરના જેઠાભાઈએ પૂછ્યું જે, “જેને મહારાજને અને મુક્તને રાજી કરવાની ઇચ્છા હોય, પણ આવડત ન હોય તે શું કરે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને આવડત ન હોય તો તે મોટાને પૂછીને કરે તો ઘણા પ્રસન્ન થાય. મોટાની અનુવૃત્તિમાં રહીને થોડી સેવા કરે તોપણ રાજી થાય અને અનુવૃત્તિમાં ન રહે ને તે ઘણી સેવા કરે તોપણ રાજી થાય નહિ. જીવના સ્વભાવ મહારાજની અને મોટાની અનુવૃતિમાં રહેવા દે એવા નથી. પોતાનું ધાર્યું મહારાજ પાસે અને મોટા પાસે કરાવે એવા અવળા છે.”
“સ્વામી અચ્યુતદાસજી આદિ મંડળ ગામ ચાંદ્રાયણીથી અર્ધી રાત્રે ચાલ્યા, તે માર્ગમાં રાત્રિએ સૂતા અને ઊઠીને ચાલવા માંડ્યા. તે પાછા વળ્યા ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘સંતો! જે ગામથી આવ્યા ત્યાં જવાશે.’ તોપણ દિશભૂલ થવાથી સાધુએ માન્યું નહિ. સવારે ચાંદ્રાયણી આવ્યા ત્યારે સ્વામીને વિનંતી કરી જે, ‘અમોએ તમને બે-ચાર ગાઉ પાછા ચલાવ્યા.’ સ્વામી બોલ્યા જે, ‘આપણે સર્વેને ચાલવું પડ્યું છે.’”
“મોટા એવા સરળ હોય અને જીવ પોતાનું ધાર્યું કરે. મોટાને ગુણ ઘાલવા છે, પણ જીવ ગ્રહણ કરતા નથી. ગુરુ હોય તથા મોટા હોય તેમની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું; કેમ જે તેમાં આપણે શું જાણીએ જે કેમ થશે?”
“શ્રી ગોપાળાનંદ સ્વામી એક ગામથી બીજે ગામ ચાલ્યા ત્યારે પોતાના શિષ્યોને કહ્યું જે, ‘પુસ્તકે મીણિયાં બાંધજો.’ પણ વાદળું નહિ હોવાથી એ વચન માન્યું નહિ. પછી માર્ગમાં વરસાદ થયો ને પુસ્તક પલળી ગયાં. વળી કોઈક સમયે કહ્યું જે, ‘આ ટાણે દિવસ છે.’ ત્યારે શિષ્યોએ કહ્યું જે, ‘રાત્રિ છે.’ પણ મોટાને તો રાત્રિ કે દિવસ છે જ નહિ; કેમ જે એ તો સદાય મૂર્તિમાં જ હોય તે નાહ્યા-ધોયા વિના જમે તોપણ એમને બાધ નહિ. જેમ આપણ દિવસે સૂઈએ છીએ, પણ જાગીને નાહ્યા-ધોયા વિના જમીએ છીએ તેમ મોટાને રાત્રિ છે જ નહિ. માટે મોટાની ક્રિયામાં દોષ જોવા નહિ. જ્યારે પંચ વર્તમાનમાં ફેર હોય ત્યારે દોષ જાણવો.” ।।૧૨।।