સંવત ૧૯૭૦ના ફાગણ સુદ-૫ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સત્સંગમાં કોઈ વાતની ખામી નથી; તોપણ કોઈક સંતને એમ રહે જે, ‘મારે ધાબળી નહિ, પત્તર નહિ’; ને ગૃહસ્થને એમ રહે જે, ‘મને કોઈ બોલાવે નહિ’. એમ ન સમજે જે, ‘આ બ્રહ્મસભામાં બેસવા મળે છે તે ક્યાંથી મળે?’ મોટા સદ્ગુરુને તથા નાના સાધુને ખાવા-પીવાનું સરખું ને વસ્ત્ર સરખાં, તોપણ દુઃખ માને તે મનનું દુઃખ કહેવાય. મહાપ્રભુજી અક્ષરધામનું જેટલું સુખ છે એટલું બધુંય આપણા સારુ લાવ્યા છે અને પામરને પણ એ સુખ સરખું આપ્યું છે; માટે દુઃખિયા થાવું નહિ. આ તો રાજાના કુંવરને પોતાના વૈભવની ખબર નથી.”
“દેહ ભેળા ભળવું નહિ ને પરભાવનું સુખ લેવું. દેહ તો બહુરૂપી છે, તે એક દિવસ સાજો ને એક દિવસ માંદો. જો આપણે એના સામી દૃષ્ટિ રાખીએ તો ભગવાન ભુલાવે એવો છે; માટે દેહનો અનાદર રાખવો.”
“બીજા કોઈનાં સ્વભાવ-પ્રકૃતિ ઠીક ન હોય તો તેનો અવગુણ લેવો નહિ, પણ જો પંચ વર્તમાનમાં ફેર હોય તો તેને નાક વિનાનો જાણીને તેનો ત્યાગ કરવો. મહારાજની પ્રાર્થના કરવી જે, ‘કુસંગનો જોગ થાવા દેશો નહિ, ને કોઈ મોટા એકાંતિકનો દ્રોહ થાય તે થકી રક્ષા કરજો.’”
“પુરુષપ્રયત્ન કરવો ને મૂર્તિ ઉપાર તાન રાખવું. પરચા-ચમત્કારની તથા ઐશ્વર્યની ઇચ્છા ન રાખવી. એ સર્વે સકામ છે. મૂર્તિથી ઓરું જે જે સુખ છે તે ગુંદાના ઠળિયા જેવું છે. તેમાં ચોંટીને વખત ગુમાવે ને પછી માખોની પેઠે હાથ ઘસવા પડે, નવ મહિનાની કેદ માથે આવે (ગર્ભવાસમાં રહેવું પડે) ને બહુ ખોટ આવે. જ્યારે જીવમાંથી રાગમાત્ર ટળી જાય ત્યારે સુખિયું થવાય.”
“અમારે તો સર્વેને મુક્ત કરવા છે. આ સભા અક્ષરધામથી પણ પરની છે એટલે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની આ સભા છે અને મહારાજ પણ મધ્યે વિરાજમાન છે. જે અનાદિની સાથે જોડાણા તેને અનાદિની હારે જાણવા. આવા મોટા મુક્ત સત્સંગમાં છે એવું સમજાય તો સત્સંગ સર્વે દિવ્ય થઈ જાય અને અનાદિના જેવી ગતિ થાય. ભુજનો રાજા આવે તો તેનો મહિમા જાણે, પણ મુક્તનો મહિમા ન સમજાય. અત્યારે અમારી પાસે બેઠા છો તે વખતે તમારા ઘાટ ટળી ગયા છે; તેમ સદા સંભારો તો ઘાટ-સંકલ્પ ટળી જાય. મોટાને દર્શને કરીને શાંતિ થાય. આટલું સુખ તો બહાર બેઠાં આવે છે, તો જ્યારે જીવમાં સાક્ષાત્કાર થાય ત્યારે તો સુખનો પાર જ ન રહે. આ તો બહુ લાભની વાત થાય છે.”
“આવા મોટાના ભેળા રહેતા થકા પણ કેટલાક દુઃખિયા થઈ જાય છે. તે વિશ્વાસમાં, મહિમામાં ને નિશ્ચયમાં કસર છે તેથી દુઃખિયા થાય છે. જેટલી બીજે પ્રતીતિ આવે તેટલો મહારાજનો ને મોટાનો વિશ્વાસ ઓછો છે. આ સભામાં ને આ સ્થાનમાં બેઠેલા કેટલાએ ગયા તે હજુ આવ્યા નથી. તે સંગદોષે ગયા; માટે સ્વભાવ કરતાં પણ સંગદોષ વધારે નડે એવો છે. બ્રહ્મચારી, સાધુ, ગૃહસ્થ એ આશ્રમ સર્વે ખોટા છે ને મૂકવાના છે. આ લોકનું ડહાપણ તો બ્રહ્મરાક્ષસના વળગાડ જેવું છે.”
“મહારાજની ને મોટાની સાથે તમારે હેત છે તો અંત વખતે મહારાજનું સુખ જેવું છે તેવું તમને બતાવી દેશું. ખરેખરી દિશ હાથ આવી છે ને દોરનારા ખરા મળ્યા છે; માટે કોઈ વિઘ્ન આવવા દેશું નહિ. આ સભા માંહેના કોઈને જુદા રહેવા દેશું નહિ.”
એ વર આપીને પછી બોલ્યા જે, “આ સત્સંગ ઘર મનાય તો નાસ્તિક ભાવ ટળી જાય, ને આ સત્સંગને વિષે દોષદૃષ્ટિ થાય કે નબળો ઘાટ થઈ જાય તો વજ્રલેપ થાય ને સત્સંગથી બહાર જવું પડે.”
“જ્યાં સુધી જીવને ભગવાનનો કે મુક્તનો સંબંધ ન હોય ત્યાં સુધી જીવ કહેવાય. જ્યારે ભગવાનનો કે મુક્તનો સંબંધ થાય ત્યારે સૂક્ષ્મ બ્રહ્મસ્વરૂપ એટલે શ્રીજીમહારાજના તેજરૂપ થયો.”
“મોટા બેરિસ્ટરને તથા રાજાને પણ આ સભામાં બેસતાં ન આવડે, તો જ્ઞાન તો આવડે જ ક્યાંથી? એવું જ્ઞાન આજના સત્સંગીઓમાં છે.”
“પિંડનું આવરણ આઠ આવરણથી મોટું છે. તે ભેદાણું એટલે બધાંય આવરણ ઠેઠ મૂળઅક્ષરકોટિ સુધીનાં ભેદાઈ ગયાં જાણવાં. મહારાજનો ને મોટાનો મહિમા જાણવાથી તે ભેદાય છે.”
“ભગવાનનું આવું સુખ મૂકીને કેટલાક અજ્ઞાની જીવ સાધુ થયા હોય, બ્રહ્મચારી થયા હોય, સત્સંગી થયા હોય, તોપણ આ નાશવંત કલેવરને માટે આજ્ઞા વિરુદ્ધ ઔષધ કરાવે છે. મોટા મોટા તો ઔષધ કરતા જ નહિ. શ્રી પરમાનંદ સ્વામીને ગરમીનો મંદવાડ હતો. તેમને સંત ચંદન ઘસીને ચોપડવા આવ્યા ત્યારે ના પાડી જે, ‘પાપરૂપ દેહને રાખીને શું કરવો છે? મહારાજના સુખમાં જવું છે, પણ આ પાપરૂપ દેહમાં રહેવું નથી. આ દેહ તો નર્કના કુંડ જેવો છે તેમાં શા પાપે રહેવું પડે?’ એમ બોલ્યા. તાવ આવે, માથું દુઃખે અથવા ગમે તેવો રોગ થાય તોપણ કોઈને જણાવા દે નહિ. મુળીના સંતદાસજીને તાવ આવતો ત્યારે તે એવા ઊંડા ઊતરી જાતા તે જાણે કાંઈ દુઃખ જ નથી. મહારાજના સુખમાં ઊંડા ઊતરી જાય એટલે બધી ઇંદ્રિયો સંકોચાઈ જાય. આ સત્સંગમાં એવા પાકા સંત પડ્યા છે. તે લાગે ગરીબડા જેવા! એવા સંત હોય તેમની મંદિરમાં જે મોટેરા થઈને બેઠા હોય તેમણે ખબર રાખવી જોઈએ, પણ દુઃખવવા નહિ. જો દુઃખવે તો બહુ પાપ લાગે.” ।।૧૨૯।।