સંવત ૧૯૭૦ના ફાગણ સુદ-૬ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સ્વામિનારાયણનું સુખ જે લે તેના કામનું છે; બીજાના કામનું નથી. જેમ બાપના ઘરમાં લાખો રૂપિયા હોય, પણ બાળકને ખબર ન પડે; તેમ જેને શ્રીજીમહારાજનું સુખ સમજાણું હોય તે તો એ સુખમાં જે કોઈ જતો હોય તેને અહીં રાખવાનો સંકલ્પ ન કરે. માટે ભગવાનના ભક્ત ધામમાં ગયા હોય તેમને સંભારીએ ત્યારે ‘ભગવાન ભજવામાં કામ આવતા’ એવા ભાવથી સંભારવા; પણ વ્યાવહારિક કામમાં ઉપયોગી હતા એવા ભાવથી ન સંભારવા.”
“આવું સર્વોપરી સુખ પામવા સારુ મોટા મોટા સંત હતા તે જડ માયાનો ને ચૈતન્ય માયાનો ત્યાગ કરીને વનમાં રહેતા ને સાગનાં પાંદડાં પહેરતા અને ગોળા જમતા. આજ તો પત્તરમાં પાણી નાખતાં ‘રખે વધારે પડી જાય નહિ’ એવા ઘાટ કરે છે; તે બહુ મોટી ખોટ કહેવાય.”
“આ લોકનું કોઈ જતું રહે તો ધડાપીટ થઈ પડે, પણ જો શ્રીજીમહારાજનો મહિમા વિચારે તો કાંઈ દુઃખ જ થાય નહિ અને લૌકિક ઘાટ પણ થાય નહિ. માટે ઘાટ બંધ કરવાનો ઉપાય કરવો ને સદા બ્રહ્મયજ્ઞ કરવો. જો ઘાટ થાય તો ધર્મામૃત પ્રમાણે દંડ દેવો અને ગૃહસ્થને પણ સંકલ્પ થઈ જાય તો ધર્મશાસ્ત્ર પ્રમાણે દંડ દેવો, પણ હારી બેસવું નહિ; કેમ કે દંડ દીધા વિના સુખી થવાય નહિ. માટે મહારાજને વિષે હેત કરવું ને એક મહારાજને અને સંતને રાખવા.” ।।૧૩૦।।