સંવત ૧૯૭૦ના ફાગણ સુદ-૬ને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ પૂછ્યું જે, “મહારાજને અને મોટાને રાખવાનો શો ઉપાય હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેણે મહારાજને અને મોટાને રાખવા હોય તેણે અંતઃકરણ શુદ્ધ રાખવું. જેવા માંહી તેવા બહાર રહેવું, પણ કોઈ પ્રકારનું કપટ કે યુક્તિ રાખવાં નહિ. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નહિ રાખે ત્યાં સુધી મોટા સુખની પ્રાપ્તિ નહિ થાય ને મહારાજના ને મુક્તના ભેગું નહિ રહેવાય. મહારાજે પણ જેતલપુરના ૪થા વચનામૃતમાં એમ જ કહ્યું છે.”
“જ્યારે મહારાજના ધામમાં રહેવાય નહિ ત્યારે મહારાજ અને મોટા પણ એના અંતરને વિષેથી ઊઠી જાય એટલે એ મડદું કહેવાય અને તેને જે અડે તે અભડાય; માટે તપાસ રાખવો. ગુરુએ જડ-ચૈતન્ય માયામાં હેતવાળા શિષ્યનો ત્યાગ કરવો, ને શિષ્યે એવા ગુરુનો ત્યાગ કરવો. એક મૂર્તિના સુખનો જ ખપ કરવો. વિષયના સુખની ઇચ્છા રાખે તો સુખના સમુદ્રમાંથી ઊઠીને નર્કમાં જવું પડે.”
“મહારાજે ને મોટાએ તેમાંથી તમને ઉગાર્યા છે. આજ મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે ને ગરીબનિવાજ છે, પણ હીરા-મોતીમાં કોઈ ભાગ રાખતા નથી અને લસણ-ડુંગળીમાં એટલે પ્રકૃતિના કાર્યમાં ખેંચાય છે. હીરા-મોતીમાં ભાગ રાખે તેમાં એક નંગ મળે તો કરોડોપતિ થઈ જાય; માટે ખરેખરું મોટાને વિષે મન જોડવું.”
“‘ચમક દેખી લોહા ચળે’ એવી રીતે શ્રીજીમહારાજ આ મુક્તમાં રહ્યા છે, તેથી મુમુક્ષુ આ મુક્તમાં ખેંચાય છે. જેને વચન ઉપર વિશ્વાસ છે તે પોતાનું કામ કરીને ચાલ્યા જાય છે. મુળીના સંતદાસજીને વિશ્વાસ હતો તો જ્યારે તેમને તાવ આવ્યો હતો ને તડકે બેઠા હતા, ત્યારે અમે કહ્યું જે, ‘કેમ છે?’ ત્યારે તે બોલ્યા જે, ‘તાવ આવ્યો છે; હવે તો મૂર્તિમાં પહોંચાડી દો.’ પછી દિવ્યભાવ આવ્યો ને મહારાજ અને મુક્ત તેજમાં દેખાણા ને હજારો પ્રદક્ષિણાઓ કરીને મહારાજને અને મુક્તને મળ્યા ને સુખિયા થઈ ગયા.”
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “મોટા રાજી થાય ત્યારે આવરદા પૂરી કરાવે કે નહિ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા બહુ રાજી થાય તો આવરદા પડી રહે ને મૂર્તિમાં લઈ જાય, અને કોઈકને રાખવા હોય તો આવરદા ન હોય તોપણ રાખે. મોટાને વિષે જીવ જોડે તો દેહ છતાં જ કૃતાર્થપણું મનાઈ જાય છે. કરોડ જન્મ સુધી ને કોટિ કલ્પ સુધી સાધન કરીએ તે હાડકાં સુકાઈ જાય, પણ ધામ મળતું નથી; એ તો મુક્તદ્વારે જ મળે છે. મોટા તો ચહાય તે કરવા સમર્થ છે. જીવના ઘાટ-સંકલ્પને મોટા જાણે છે.” ।।૧૩૧।।