સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૮ને રોજ સવારે મુળીવાળા સ્વામી બાળકૃષ્ણદાસજીએ પૂછ્યું જે, “એક સાધુ ધ્યાન કરે છે ને ધ્યાન કરતાં કરતાં રોવા માંડે છે તે શું સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ સાધુનો અવગુણિયો સ્વભાવ છે માટે પ્રથમ પણ શ્રીજીમહારાજનું સુખ નહોતું ને હાલ પણ નથી. અને જે રૂવે છે તે તો સિદ્ધિઓ છેટે દેખાય છે ને પાછી અદૃશ્ય થાય છે એટલે રડવું આવે છે અને તેને પામવાને માટે રુદન થાય છે. જેને મહારાજનું સુખ કે મૂર્તિ દેખાય તેને તો અતિશય આનંદ પ્રાપ્ત થાય અને અદૃશ્ય થાય તોપણ રોવરાવે નહિ. અને જે રોવરાવે તે તો માયા હોય એમ જાણવું. માટે જેને મોટા મળ્યા ન હોય, ને મોટાનો જોગ ન હોય તેને ધ્યાનમાર્ગમાં વિઘ્ન ઘણાં આવે છે અને સિદ્ધિઓ તથા ઐશ્વર્ય દેખાય તેને ઓળખે નહિ. એ તો જ્યારે મોટા મળે ત્યારે એ વિઘ્નને આવવા દે નહિ ને જ્ઞાન આપીને પાત્ર કરીને ધ્યાન કરાવીને મૂર્તિ સિદ્ધ કરાવે. માટે પાત્ર થવાય એવા મોટાનો જોગ કરવો.”
“આ લોકમાં સાધનદશાવાળા ભક્ત ઓળખાય, પણ સિદ્ધ મુક્તને ઓળખવા તે કઠણ છે. કોની પેઠે? તો જેમ એક તો સદાયનો બહુ જ ધનાઢ્ય હોય અને તેનો ખજાનો ભરેલો હોય ને કાંઈ ઉદ્યમ પણ ન કરતો હોય તેથી બહાર એનો ઉદ્ઘોષ ન જણાય. અને એક તો ઘણા ઉદ્યમ કરતો હોય ને મોટાં મોટાં શહેરોમાં દુકાનો ચાલતી હોય, તેનો ઉદ્ઘોષ બહુ જણાય. તેમ એક તો જપ, તપ, કથા, કીર્તન, સેવા, ધ્યાન બહુ જ કરે તેને જોઈને એમ જાણે જે આ તો રાત્રિ-દિવસ મંડ્યા રહે છે. એમ ઉદ્ઘોષ બહુ જણાય અને સિદ્ધદશાવાળા તો મૂર્તિમાં જ રમૂજ કર્યા કરે ને મૂર્તિના સુખમાં જ ગુલતાન હોય ને સુખમાં જ ડૂબ્યા હોય તેથી કથા, વાર્તા, જપ, તપાદિક બહુ કરતા ન દેખાય તે ક્યાંથી ઓળખાય? માટે મુક્ત ઓળખવા તે કલમ કઠણ છે.”
“અને જેને પૂરું જ્ઞાન ન હોય તે કોઈકને સમાધિ દેખે તો અહોહો થઈ જાય. પણ તે તો વિષયરૂપી વાયુ લાગે તો હોલવાઈ જાય. વાસના છે તે સમાધિમાં બ્રહ્મનું સુખ આવતું હોય ત્યાંથી પાછો ખેંચી લાવે એવી છે. અને સમાધિમાં સકામ ભાવ છે ને તેમાં નુકસાન છે. માટે સમાધિ કરતાં અખંડ સ્મૃતિ તે શ્રેષ્ઠ છે. અને એથી મૂર્તિનો સાક્ષાત્કાર થાય તે શ્રેષ્ઠ છે. અને તેથી પણ મૂર્તિમાં રસબસ થઈ જવાય તે શ્રેષ્ઠ છે. સમાધિવાળો સકામ છે અને અખંડ સ્મૃતિવાળો નિષ્કામ છે. આ સભાથી બીજી જુદી દિવ્ય સભા જોવા ઇચ્છે તેના મુખની વાણી ન સાંભળવી. આ સભામાં સુખ ને તેજ ને શીતળતા રહી છે. તેથી સુખપરના લક્ષ્મણ ભક્તને ગોપીઓની પેઠે ‘લ્યો કાન, લ્યો કાન’ એની પેઠે આનંદના ફુવારા બહાર નીકળી ગયા.” ।।૧૪।।