સંવત ૧૯૭૨ના મહા વદ-૧૩ને રોજ સવારે સભામાં સારંગપુરનું ૬ઠ્ઠું વચનામૃત વંચાતુ હતું. તેમાં વેદની ઉત્પત્તિની વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વેદ વૈરાજમાંથી થયા છે ને તેમાં એક બ્રહ્માંડની વાત છે, પણ ઝાઝી નથી. માટે સૌ-સૌનાં સ્થાનમાં એમને મૂકી દઈને શ્રીજીમહારાજના સમીપમાં આપણે જાવું. એ કોઈનું આપણે કામ નથી. એમને બાઝી રહીએ તો તે આવરણ કરે; માટે તે કોઈને વીંટાઈ રહેવું નહિ. હનુમાન આદિ કોઈ દેવને પણ વીંટાવું નહિ. એક મૂર્તિ ને મુક્ત તેમને બાઝવું. શ્રીજીના ભક્તની તો મોટા મોટા અક્ષરકોટિ પણ પ્રાર્થના કરે છે. પ્રગટનો એવો પ્રતાપ છે. શ્રીજીના ભક્ત તો રાજાની રાણીઓને ઠેકાણે છે. જેમ ગૃહસ્થની પંક્તિમાં સાધુથી બેસાય નહિ અને સાધુની પંક્તિમાં ગૃહસ્થથી બેસાય નહિ; તેમ શ્રીજીના એકાંતિક ભક્તમાં અને મૂળઅક્ષરાદિક અવતારોમાં ભેદ છે; માટે મહારાજ અને મુક્ત વિના બીજે વૃત્તિ ન રાખવી.”
“આવા સંત ને હરિજન કોઈ બ્રહ્માંડમાં નથી; માટે સુરત રાખવી. મહાપ્રભુજી વિના ને તેમના મુક્ત વિના બીજાને રખવાળા લઈએ તો તે સર્વે લૂંટનારા છે અને શ્રીજી અથવા મુક્ત સાથે હોય તો અક્ષરકોટિ સુધી કોઈ લૂંટી શકે નહિ. જેમ સોળે થયા હોય તેને ચીંથરાનો દોરો અડી જાય તો બોળે થઈ જાય; તેમ ઘાટ, સંકલ્પ, ઊંઘ, માયા, કાળ, અન્ય દેવ તે આ સભામાંથી ઉઠાડીને લઈ જાય એવા છે. જેમ અયોધ્યાના વાંદરા જે વસ્તુ હાથ આવે તે લઈ જાય તેમ. આજ સંવત ૧૮૩૭થી મોક્ષનો માર્ગ શ્રીજીમહારાજે ચલાવ્યો છે; માટે બીજે ભટકાવું નહિ. ને હરકોઈ ક્રિયામાં શ્રીજીને ને મુક્તને ધણી રાખવા, પણ પોતે ધણી થાવું નહિ.”
એમ વાત કરીને પછી બોલ્યા જે, “આપણાં ધામોમાં જે જે મૂર્તિઓ પધરાવી છે તે શ્રીજીમહારાજ છે એમ જાણીને દર્શન કરવાં; કેમ જે શ્રીજીમહારાજ સંકલ્પે કરીને એવે એવે રૂપે દેખાય છે, પણ પરોક્ષ અવતારો છે તે આપણાં મંદિરોમાં નથી.”
“એક ગરાસિયે એક સત્સંગીને રામ રામ કહ્યા ત્યારે તે સત્સંગી બોલ્યા જે, ‘એકવીશ લાખ વર્ષના ઘરડા પટેલિયાને શું સંભારે છે? સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ, સર્વોપરી, સર્વકર્તા, સર્વનિયંતા તે આજ દયા કરીને જીવોનાં કલ્યાણ કરવા સારુ પ્રગટ થયા છે, એમને જય શ્રી સ્વામિનારાયણ કહેને; તો તે તારું કલ્યાણ કરે. તખ્ત ઉપર રાજા બેઠા હોય તેમને અરજ કરવી મૂકીને એકવીશ લાખ વર્ષના પટેલિયાને રામ રામ કરતો આવે છે તે શું સારું કરશે?’ એમ બોલ્યા.”
“માટે પોતાના ઇષ્ટદેવના જય સ્વામિનારાયણ કહેવા. પણ કોઈની મહોબતમાં લેવાઈને પરોક્ષના નારાયણ કહેવા નહિ. જય સ્વામિનારાયણ કહેવા અને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજે હેત કરવું જ નહિ.”
“મોટાના જોગની વાત બહુ જબરી છે. આજ જોગે કરીને નાનાં નાનાં છોકરાં પણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરે છે. આવો જોગ મૂકીને કોઈ પોતાની મેળે સાધન કરે તો મૂર્તિની એકતા ન થાય. જોગ પણ અંતર્વૃત્તિ રાખીને કરવો; પણ ઉપરથી ન કરવો. વાણિયાની પેઠે આવી ફસ્યા એમ થાય તો જોગ કાંઈ કામમાં ન આવે.”
“જડ-ચૈતન્ય એ બે માયાનો ત્યાગ કરવો; કેમ જે એ વિના પણ પત્તર સરખાં ભરાય છે ને લૂગડાં તથા રહેવાનું સરખું મળે છે. માટે એ બે વાતના હરામ ખાઈને તેનો ત્યાગ રાખવો. એ બે વાતમાં ફેર પડે તો કલ્યાણની કલમ નીકળી જાય. ગૃહસ્થને પણ પંચવિષય ત્યાગ કરવાના છે. ત્યાગીએ જડ-ચૈતન્ય એ બેનો ત્યાગ દૃઢપણે રાખવો. સંત-હરિજનોએ સુખિયા થવાનો ઉપાય કરવો.”
“તમે સંત છો તે ગાયો છો, માટે ગોવાળ વિના ક્યાંયનું ક્યાંય ચાલ્યું જવાય; એમ ગોવાળનો ખપ પડે છે. આ તમારા સુખને માટે કહીએ છીએ. કોઈ કોઈ જગ્યાએ મહિમા થોડો છે, તેથી લૂખાપણું રહે છે. માટે પહેલું જ્ઞાન, પછી મહિમા એ બેય જોઈએ; પછી સાધન જોઈએ. એકલા વૈરાગ્યાદિક સાધને કરીને સુખિયા ને નિર્વાસનિક થવાય નહિ. જેમ રાજાનો મહિમા જાણે છે તો આજ્ઞા પળે છે, તેમ શ્રીજીનો અને મોટાનો મહિમા જાણે તો આજ્ઞા પળે અને લૂખાપણું ટળે. માટે મહિમા સમજવો; મહિમા વિના લૂખાપણું જાય નહિ.” ।।૧૫૨।।