સંવત ૧૯૭૨ના મહા વદ-૦)) અમાસને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત જે, “આ સભાના સંકલ્પ ચાલે છે ને ભક્તને તેડીને અક્ષરધામમાં લઈ જાય એવી સામર્થી છે; પણ શ્રીજીમહારાજે રોકી રાખી છે. દાસપણું રહે એટલા માટે તમને જાણવા દેતા નથી. આવા સંતને વિષે દિવ્યભાવ રાખીને દાસાનુદાસ થઈ રહે તો શ્રીજીમહારાજની હજૂરમાં રહેવાય. ‘દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર એ વર માગું છું’ એમ દાસનો દાસ થાય તેને મહારાજ હજૂરમાં રાખે છે. માટે સર્વેના દાસ થાવું, પણ મોટા થાવું નહિ.”
“વળી પોતાપણું લાવવું નહિ, અવગુણ લેવો નહિ ને જેમ ભૂંડા ભૂંડાઈ ન મૂકે તેમ આપણે ભલાઈ ન મૂકવી. શ્રીજીમહારાજે વચનામૃતમાં અડધોઅડધ એ વાત લખી છે જે કોઈ મોટાનો અવગુણ ન લેવો, ને અડધમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ, માહાત્મ્ય આદિકની વાત લખી છે. માટે દ્રોહથી બીતા રહેવું, પણ પોતાનું ડહાપણ કે બુદ્ધિનો ડોડ ન રાખવો. આ સભામાં અવગુણ લે તે તો ખોખા જેવો થઈ જાય છે; જેમ હિમ પડે તો બીજ બળી જાય છે ને ફોતરાં રહે છે તેમ. આ સત્સંગમાં સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજી જેવા સત્પુરુષનો અવગુણ લઈને કેટલાએ જતા રહ્યા.”
“ખારેક આદિના ઝાડમાં પાણી છાંટીએ તો ફળ આવે છે, પણ તે વિના આવતાં નથી; તેમ મૂર્તિ રાખી હોય તો સુખ આવે, પણ એકલે સાધને સુખ ન આવે. શ્રીજીમહારાજે માંચી ઉપર કુલ્લું મૂકી દીધું તેમાંથી ઘી નીકળ્યા જ કરતું; તેમ મુક્ત અનાદિ કાળથી મૂર્તિમાં રહ્યા છે તેમને પણ મૂર્તિનો કે સુખનો પાર નથી આવતો. જેમ બાળક ધાઈમાંથી ધાવીને સુખિયું રહે છે, તેમ મહારાજના સુખમાં મુક્ત સુખિયા રહે છે.”
“જેમ મહારાજ ને મુક્ત દિવ્ય છે તેમ જ તેમની સેવા પણ દિવ્ય છે. માટે સત્સંગીઓએ ધર્માદો પૂરો આપવો, પણ દેવના લાભને અર્થે સરકારમાં જતો હોય તો ‘સરકારમાં જાય છે કે પહાણા ખડકે છે કે કૂવા કરે છે’ એમ ન જાણવું; એ તો શ્રીજીમહારાજને જ અર્પણ થાય છે. શ્રીજીમહારાજ જડ વસ્તુને બદલે દિવ્ય સુખ આપે છે, માટે એમાં શંકાઓ કરવી નહિ.” ।।૧૫૪।।