સંવત ૧૯૭૨ના ફાગણ સુદ-૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ હીરેથી હીરો વીંધાય છે અને અગ્નિને પ્રસંગે કાષ્ટ અગ્નિરૂપ થાય છે; તેમ જીવ મહારાજને ભજી ભજીને દિવ્ય થઈ જાય છે. શ્રીજીમહારાજના મહિમાનો પાર નથી, માટે સંત શ્રીજીમહારાજનો ને મુક્તનો મહિમા કહે તે સાચો માનવો. કોઈ પોતે શ્રીજીમહારાજ થાય તેની વાત ન સાંભળવી; પણ દાસપણું રાખીને સ્વામી-સેવકને ભાવે શ્રીજીમહારાજનો મહિમા ઘણો કહે તે માનવો. શ્રીજીમહારાજનો મહિમા તો અનાદિમુક્તો મૂર્તિમાં રહ્યા છે તેમનાથી પણ પૂરો કહેવાય તેમ નથી. માટે શાસ્ત્રની સાખ ન લેવી; કેમ જે મુક્ત તો દેખીને કહે છે.”
“મૂર્તિ વિના તેજ નથી; માટે શ્રીજીમહારાજ નિરાકાર નથી. બ્રહ્મજ્ઞાનીનો માર્ગ ખોટો છે ને તે નર્કમાં પડે છે. મહારાજ ને મુક્ત અહીં દર્શન આપીને પોતાનો આશરો કરાવે છે ને મહિમા સમજાવે છે ત્યારે જીવનું કલ્યાણ થાય છે, પણ પ્રકાશ આવીને કોઈને ઉપદેશ કરતો નથી. માટે તેજથી કલ્યાણ ન થાય. મહારાજ ને મુક્ત સદા દિવ્ય ને સાકાર છે તે કલ્યાણ કરે છે.”
“જેમ ક્ષય રોગ વાસના ટાળે છે તેમ જેને માણસાઈએ સાધુને એટલે મુક્તને રાખતાં આવડે એટલે મુક્તની સાથે આત્મબુદ્ધિ કરે તો સાધુ એટલે મુક્ત રાજીપેથી તેની સાથે રહે અને તેની વાસના ટાળીને મોક્ષ કરે; માટે સાધુને એટલે મુક્તને રાખવા. આ પરભાવનો અર્થ છે. અમે છપનામાં (૧૯૫૬) છપૈયે ગયા હતા ત્યારે ભગવાનપ્રસાદજીએ એક ચાકર રાખ્યો તેને હવેલીમાં સુવાર્યો તે બીન્યો ને કહ્યું જે, ‘મોકું મેરે ઘર પુગાઓ, ઓ પડે તો દટાઈ મરું’. પછી તેને બહાર ચોકમાં સુવાર્યો ત્યારે ઊંઘ આવી. માટે જ્યારે સાધુ ભેળું એટલે મુક્ત ભેળું રહેવાય ત્યારે વાસના બળે ને મૂર્તિના સુખે સુખિયા થવાય.”
“જે જીવના હાથમાં રામપાત્ર હોય તેને બીજાના વૈભવ જોઈને એના જેવું થવાનો સંકલ્પ થાય, પણ મોટા ભક્તને જોઈને તેમના જેવું થવાનો સંકલ્પ ન થાય અને ‘તેમના જેવું આપણે થાવું પરવડે નહિ’ એમ કહે. ત્યાગી થયા હોય તે પણ બીજાનાં પદાર્થ જોઈને પોતે ભેળાં કરવાની ઇચ્છા કરે, પણ કોઈક ધ્યાન-ભજન ઝાઝું કરતા હોય તેનો વાદ ન લે. એવા જીવના અવળા સ્વભાવ છે; તે ઊતરી જાય, પણ ચઢતો રંગ ન રાખે.” ।।૧૫૫।।