સંવત ૧૯૭૨ના ફાગણ સુદ-૩ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૬૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં નિયમ, નિશ્ચય ને પક્ષની વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભગવાનના ભક્તનો પક્ષ ઘવાઈ પડીએ એટલો અથવા જરૂર પડે તો છેવટે મરણ થાય ત્યાં સુધી પણ રાખવો. ગુંદાળી ગામના કાઠીએ મરણ સુધી પક્ષ રાખ્યો તો મોક્ષ થયો. પક્ષ, નિયમ ને નિશ્ચય એ ત્રણે સરખા છે. માટે ભગવાનના ભક્તને દુઃખ પડે તો રક્ષા કરવી અને ભગવાનના ભક્તને પાપી દુઃખ દે તો એના ઉપર દાઝ કરવી ને સત્સંગીને પોતાના ગોત્રી જાણીને પક્ષ રાખવો. પક્ષ રાખતાં થકા મરણ થાય એવો પક્ષ રાખે તો નિયમ ને નિશ્ચયથી પણ પક્ષ વધી જાય એવો છે. આપણે એક બાપના દીકરા છીએ, માટે બધા સત્સંગનો પક્ષ રાખવો. તેમાંયે જે શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાયેલા હોય તેમનો પક્ષ શિર સાટે રાખે તો આત્યંતિક મોક્ષ થાય.”
“શબને શણગારવું નહિ; એટલે વર્તમાનમાં ફેર હોય તો મા, બાપ, દીકરા, દીકરી તે કોઈનો પક્ષ રાખવો નહિ. એક હરિભક્તે દીકરાનો પક્ષ રાખ્યો તો કેદ ભોગવવી પડી. માટે વર્તમાન ન હોય તેને ભેળો રાખવો નહિ ને એનો સંગ પણ ન રાખવો. ભક્તનો પક્ષ રાખવાથી બહુ જ કામ થાય છે. માટે વાણિયાની પેઠે જાગું છું, જાગું છું એમ ન કરવું. મોટેરાઓએ તો ધર્મ પાળવો ને પળાવવો ને ધર્મવાળાનો પક્ષ રાખવો. પક્ષ રાખવામાં શ્રીજી બહુ રાજી છે.”
“ભગવાનના ભક્ત સાથે કોઈ પ્રકારની આંટી ન રાખવી. વંટોળિયાને છોકરાં ધૂળ ઉડાડે ને ખાસડે મારે ત્યારે આંટી મેલી દે છે, તેમ આપણે આંટી ન મેલીએ તો શ્રીજીમહારાજ ખાસડે મારે; માટે કોઈ પ્રકારની આંટી રાખવી નહિ. શ્રીજી કે એમના ભક્ત મુકાવે તો તરત આંટી મૂકી દેવી, પણ દક્ષને બકરાનું મોઢું થયું ત્યારે આંટી મૂકી એમ ન કરવું.”
“જો નિર્ગુણ થઈને શ્રીજીમહારાજને પધરાવી દે તો દોષ રવાના થઈ જાય. એ બધા માયાના ગુણ છે. તે માયાથી નોખા થાવું; તો ભક્ત ખરા. જ્યાં સુધી પ્રકૃતિની છાયામાં રહેશે ત્યાં સુધી રાગ ટળવાના નથી. મૂર્તિ પધરાવી દે તો માયા નાશ પામે. જેમ વૃક્ષની છાયામાં તાપ ટળી જાય છે તેમ મૂર્તિને જોગે માયા નાશ પામી જાય છે ને શીતળ ને શાંત એવું મૂર્તિનું સુખ મળે છે. શ્રીજીમહારાજને અને મોટા મુક્તને સાથે રાખે તો જેમ બાપ પોતાના દીકરાને પોતાનો ખજીનો આપે છે, તેમ શ્રીજી ને મુક્ત તે પોતાના સુખરૂપી ખજીનો ભક્તને આપે છે.”
વાર્તાની સમાપ્તિ કરી.
પછી વચનામૃત વાંચવા માંડ્યું, તે મધ્ય પ્રકરણનું ૬૨મું વચનામૃત આવ્યું. તેમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે તથા શ્રી રઘુવીરજી મહારાજે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યા એ વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે ને શ્રી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યા તે એવું મોટા સદ્ગુરુઓએ એમને શીખવાડ્યું હતું. આજના આચાર્યોને સંતો કેવો ઉપદેશ આપે છે તે કહો.”
ત્યારે સંતોએ કહ્યું જે, “આજના એવી રુચિવાળા નથી, માટે શી રીતે શીખવાડાય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજે આદિ આચાર્ય જે બે ગાદીએ બેસાર્યા હતા તે તો પોતાના ધામમાંથી પોતાની સાથે લાવેલા હતા, તેમણે શ્રીજીમહારાજની પેઠે જ સર્વે સત્સંગને સુખિયો કર્યો. હવે તો એવાં સુખ આવે તેમ નથી.” ।।૧૫૭।।