સંવત ૧૯૭૨ના ફાગણ સુદ-૭ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ રાજાનો દ્રોહ કરે તો કેદમાં નાખે, તેમ ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો બહુ માર કરે; બીજા જીવનો દ્રોહ એવો માર ન કરે. શ્રીજીમહારાજે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહિ એમ કહ્યું છે, માટે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો જીવ નાશ પામે. સાધુનો ને સત્સંગીનો દ્રોહ થાય તો ભગવાનનો પણ થાય; કેમ જે દ્રોહ કરવા માંડે તો ઠેકાણું ન રહે. જેને ગુણ લેવાનો અભ્યાસ હોય તેને સર્વેનો ગુણ આવે ને સર્વે દિવ્ય જણાય; તેથી બધાયનાં દર્શન વિવેકે સહિત કરે. માટે અવગુણને માર્ગે તો ચાલવું જ નહિ. કલ્યાણને ઇચ્છે તેને આ વાત અવશ્ય સમજવાની છે. જેને પોતાના દોષ ઓળખાય ને પસ્તાવો કરે ને માફી માગે તેને ધન્ય છે. એક સંતે અમારી પાસે આવીને કહ્યું કે, ‘આપ મારા ઉપર રાજી થાઓ અને જાણે-અજાણે ભૂલો થઈ હોય તે સર્વે માફ કરો.’ એવાને શું બાકી રહે? તે સાધુ નિર્માની હતા માટે એવું માગ્યું.”
પછી મધ્ય પ્રકરણના બાવનમાં વચનામૃતમાં ત્યાગીએ દાઢી-મૂછ ન રાખવાં ને ભગવાં વસ્ત્ર રાખવાં એ વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજે વસ્ત્ર રાખવાનું કહ્યું તે જાડું-મોટું જે સહેજે મળે તે રાખવું, પણ જગન્નાથી કે મલમલ ન રાખવું. ધન-સ્ત્રીનો ત્યાગ રાખવો ને એકવાર પ્રસાદી જમવી, તે સાધુનો ધર્મ છે. ઢગલામાંથી ઉથલાવીને મનગમતાં લેવાય તો રાગ ભળ્યો એમ જાણવું. ઝીણું લૂગડું ન પહેરવું; અંગ ન દેખાય તેવું પહેરવું. નાનું-મોટું જોઈતું હોય તો તે લેવું તે તો ઠીક, પણ ઝીણું ન લેવું. જેમ નાનું છોકરું ચોરી કરવા શીખે તે રાજાનો ખજીનો પણ ફાડે, એમ જીવને છૂટો મૂકીએ તો ચટણો થઈ જાય. માટે ચટણો થવા દેવો નહિ એ સાધુનો ધર્મ છે. ગૃહસ્થને ઘરેણાં, વસ્ત્ર, વાહન, સ્ત્રી, છોકરાં, એ બધું હોય, પણ તેમાં હેત ન રાખવું તો કલ્યાણ થાય.”
“આજ મહારાજ ને મુક્ત કથા-વાર્તારૂપી અભયપદ આપે છે. આજ્ઞા પાળે નહિ ને વાસના ટાળે નહિ તેને નવ મહિનાની કેદ મળે ને નીચે જઠરાગ્નિ બળે ને હેરાન થાવું પડે. એ મોટું લાંછન છે, તે સર્વેએ પોતપોતાનું તપાસવું.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “દેહ મૂકીને ધામમાં અથવા મૂર્તિમાં ગયા કેડે જે સ્થળમાં સાધન કર્યું હોય તે સાંભરતું હશે કે નહિ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ધામમાં અથવા મૂર્તિમાં ગયા કેડે ‘હું અનાદિનો અહીં જ છું’ એમ જણાય છે; પણ બીજું કાંઈ સાંભરતું નથી.”
પછી વાત કરી જે, “માળા ને માનસી પૂજામાં, કથા-વાર્તામાં, ધ્યાન-ભજનમાં લગની લગાડવી તે ખાટલો શોભાડવો. ચક્રવર્તી રાજ્ય મળે ત્યારે લાકડાના ભારા ઉપાડવાની ઇચ્છા ન રાખવી; એટલે મહારાજ તેડવા આવે ત્યારે અહીં રહેવાનો સંકલ્પ ન રાખવો. અણદા ભક્તને તેડવા શ્રીજીમહારાજ ને મુક્ત આવ્યા ત્યારે તે બોલ્યા જે, ‘મહારાજ ને મુક્ત આવ્યા છે તે મુક્ત વડે બધું બ્રહ્માંડ ભરાઈ ગયું છે, તે માર્ગ નથી તો મહારાજ પાસે કઈ જગ્યાએ થઈને જવું?’ એમ બોલ્યા.”
“બહારવૃત્તિવાળાને ધ્યાન કરતાં સિદ્ધિઓ દેખાય છે અને સમાધિમાં પણ સિદ્ધિઓ દેખાય છે ને દેહ મૂકીને પણ સિદ્ધિઓ મૂર્તિમાન દેખાય છે, તેમ અંતર્વૃત્તિવાળાને અહીં દેહ છતાં માન, મોટપ, યશ, પ્રસિદ્ધિ આદિક સિદ્ધિઓ આવે છે. માટે લક્ષાવધિ માણસો માને અને માન, સન્માન, પૂજા, પ્રતિષ્ઠા જે થાય, તે સર્વે મહાપ્રભુજીને થાય છે, એમ માનવું; પણ મને થાય છે એમ ન માનવું. શ્રીજીમહારાજ વડે મોટપ છે, પણ કોઈ જાણે જે હું મોટો છું તો એનું તો થઈ જ રહ્યું. એમાં રૂડા ગુણ પણ ન આવે.”
“એક સમયે શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા ત્યારે કોઈને એમ થયું જે, ‘આ પૂજા આદિ આપણને થાય છે માટે આપણે પણ કાંઈક છીએ ખરા.’ પછી શ્રીજીમહારાજે એમના મસ્તક ઉપર બીજી દિવ્ય તેજોમય સભા કરીને પૂજા કરી. તે જોઈને તે સંતે કહ્યું જે, ‘આ અમારા મસ્તક ઉપર તેજોમય સભા છે તે કોણ છે?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘તમે અમને મૂકી દઈને નોખા પડ્યા, ત્યારે અમે અક્ષરધામની સભા કરી.’ માટે માન-સન્માન આદિના ધણી શ્રીજીને અને મોટાને કરવા, પણ પોતાને માથે લઈને ધણી થાવું નહિ.”
“અને આ સભાથી બીજે સ્થળે કલ્યાણ માનવું નહિ, તેમ જ આથી બીજી સભા અક્ષરધામમાં જુદી છે એમ પણ ન માનવું. જ્યારે ઉપશમ થાય ત્યારે માયાના ગુણ બધાયે જાય ને ઠરાવ જાય, ને મૂળઅક્ષર પર્યંત કોઈ રોકે નહિ. આગળ તો સાઠ હજાર વર્ષના તપવાળાને ને રાફડા થઈ જનારાઓને પણ માયાના ગુણ ગયા નહોતા; માટે ધણીના થઈ રહેવું. સત્કાર થાય છે તે ધણીને થાય છે અને અપકાર થાય છે તે દેહને થાય છે એમ જાણે તો તે કરોડો જીવને સુખિયા કરે એવો થાય. મહાપ્રભુજી બોલતા જાય છે તોય વિશ્વાસ ન આવે ત્યારે હવે તો છડી ઝાલવી પડે કે નહિ?”
“શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘જેવા અમને જાણે તેવો થાય.’ માટે સમજવાનું બહુ છે, પણ પોતાને સમજાય નહિ ને બીજાનું મનાય નહિ, તે ઘાંટી જબરી છે; માટે આગળનું સમજેલું મૂકી દઈને મોટા કહે તેમ માનવું. તર્ક મૂકી દેવા ને જ્ઞાનમાર્ગમાં કોઈ આઘા લઈ જાય તો આઘા ચાલવું, પણ અઠે દ્વારિકા માનીને બેસી રહેવું નહિ; તત્કાળ સમજીને ચાલ્યા જવું. આ વસ્તુનો પાર પમાય તેવો નથી; અપાર વસ્તુ છે. માટે બીજું મૂકી દઈને મોટા પુરુષ શ્રીજીમહારાજનો મહિમા કહે તે સાચો માનવો. આ તો મૂળઅક્ષરથી પર એકાંતિક મુક્ત ને તેથી પર પરમ એકાંતિક મુક્ત અને તેથી પર અનાદિમુક્ત મૂર્તિમાં રહ્યા છે તે મળ્યા છે ને તેમના ભેળું મૂર્તિમાં રહેવું છે; તેમાં શંકા થાશે તો અધૂરું રહેશે ને નવ મહિનાની કેદ મળશે.”
“મૂળઅક્ષરકોટિ તથા તેથી નીચે બ્રહ્મકોટિ તથા તેથી નીચે કૃષ્ણાદિક બીજા અવતારો તે સર્વે અન્વય સ્વરૂપમાંથી થયા છે અને વ્યતિરેક સ્વરૂપ તો મુક્તને મળ્યા છે, પણ મૂળઅક્ષરાદિકને કોઈને મળ્યા નથી; એમાં તો અન્વય એટલે શ્રીજીમહારાજના તેજરૂપી ઐશ્વર્ય રહ્યું છે. સત્સંગમાં ચાલોચાલ ભક્તોમાં અંદર પડદે રહ્યા છે અને એકાંતિકમાં વ્યતિરેક એટલે મૂર્તિમાન રહ્યા છે, અને પરમ એકાંતિકને સન્મુખ રહ્યા છે, ને અનાદિ તો મૂર્તિમાં જ રહ્યા છે; એ તો બહુ સુખિયા છે ને એમની વાત જુદી છે. તે ભગવાન અહીં સાક્ષાત્ વિરાજે છે.” ।।૧૬૨।।