સંવત ૧૯૭૩ના જેઠ સુદ બીજને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “ગઈ કાલે આપે કહ્યું હતું કે ચૌદ લોકના સુખથી લૂખા થવું તે ચૌદ લોક કિયા જાણવા?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાત પાતાળ ને સાત સ્વર્ગ તે ચૌદ લોક કહેવાય છે, પણ તેમાંથી લૂખા થવે કરીને કાંઈ કલ્યાણ થાય તેમ નથી; કેમ જે તેના ઉપર તો ઘણા લોક રહ્યા, માટે દસ ઇંદ્રિયો ને ચાર અંતઃકરણ તેમાંથી પ્રીતિ ટાળવી તો ચૌદ લોક જીતાણા. માટે એ ચૌદ લોક જાણવા. એ ચૌદ ઇંદ્રિયોમાંથી વાસના ટાળવી તો આગળ કાંઈ આડું નહિ આવે; માટે ચૌદ ઇંદ્રિયોને જીતવી.”
એમ કહીને પછી બોલ્યા જે, “જીવ બિચારા સાધન શું કરશે? આજ તો એક એરંડાકાકડી રાજાને ભેટ મૂકે તો રાજ્ય આપી દે એવી કૃપા છે. સાધન ક્યાં સુધી પૂગે એવાં છે! શ્રીજીમહારાજે અમદાવાદના ૭મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘ગરુડ ઊડી શક્યો નહિ, પછી અમે એકલા જ ઊડ્યા.’ એમાં સમજવાનું એ છે જે ગરુડની ગતિ ગોલોકથી આગળ ન ચાલી, તેમ સાધનની ગતિ ગોલોકથી આગળ નથી. ગોલોકથી આગળ તો કૃપાએ ચલાય છે. ગોલોક સુધી સાધન ચાલે; ત્યાંથી સાધન તૂટ્યાં. પછી તો શ્રીજીમહારાજ અથવા મુક્ત કૃપા કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે ત્યારે પરમ એકાંતિક થાય. પછી શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન છૂટે છે, તે મૂર્તિમાં લઈ જાય છે. જેમ સમુદ્રમાંથી વેળ આવે તે વેળ પાછી વળે ત્યારે જીવજંતુને પાછાં લઈ જાય છે, તેમ અનુભવજ્ઞાન મૂર્તિમાં લઈ જાય છે ત્યારે તે મુક્ત અનાદિ કહેવાય છે. તે અનુભવજ્ઞાન તે અનાદિમુક્ત જાણવા.”
“આજ તો કૃપાસાધ્ય મહારાજ ને કૃપાસાધ્ય મુક્ત છે. આવા મહારાજ ને આવા મુક્ત કૃપા કરીને પધાર્યા છે, ને કૃપા કરીને મહિમાની વાત કરે છે, તેમાં કોઈને એમ થાય જે, ‘આ તો પોતાનો મહિમા કહે છે’; પણ અમે તો ધણીનો ને ધણીના લાડીલા મુક્તનો મહિમા કૃપા કરીને કહીએ છીએ. તે જે માનશે તેને અમે જ્યાંથી આવ્યા છીએ ને જ્યાં રહીએ છીએ ત્યાં લઈ જઈને રાખીશું ને જેટલું છે તે સર્વે સુખ આપીશું. જેને વિશ્વાસ નહિ હોય ને ‘આગળ થઈ ગયા તેવા આજ નથી’, એમ સમજતા હશે, તેને ખોટ બહુ જ આવશે. અમારે તો સર્વેને લઈ જવા છે ને સર્વેને સમજાવી દેવા છે; પછી માનો કે ન માનો, પણ જેમ છે તેમ કહેવું છે. માટે અમારો દાખડો ભલા થઈને સુફળ કરજો, એટલે વાતો સાચી માનજો તો અમે તમામ પૂરું કરી દઈશું.”
“ને નહિ માનો તો અમારે ફેર દાખડો કરવો પડશે ને તમારે પણ ફેર જન્મ ધરવો પડશે ને નવ મહિનાની કેદ મળશે. તે દિવસે પણ આ વાત સમજશો તો જ પૂરું થશે, ને તે દિવસે પણ નહિ માનો તો વળી અધૂરું રહેશે. અમે તો છીએ કે નથી, માટે આ અવસર મળ્યો છે તેનો લાભ લઈ લ્યો. જો શ્રીજીમહારાજને જેવા છે તેવા સમજો ને આજ્ઞા પાળો તો અમે સહાય કરીને મૂર્તિના સુખમાં મૂકી દઈશું, અને જો મહિમા નહિ સમજો ને આજ્ઞા નહિ પાળો તો પછી પસ્તાવો ઘણો જ થશે. આવા કહેનારા સદાય ન હોય; માટે આજ કરી લ્યો.”
“અહીં મહારાજ ને મુક્ત બેઠા તો હોય, પણ તેમનો મહિમા ન સમજાય ને બીજે ખોળે જે, ‘અક્ષરધામમાં મહારાજ ને મુક્ત રહ્યા છે, પણ અહીં નથી.’ મહારાજ ને મુક્ત અહીં જ છે, પણ જીવને નાસ્તિકપણું ટળતું નથી એટલે માયાનાં પડળ ફરી વળ્યાં છે તેથી દેખાતું નથી ને સમજાતું નથી; તેને ખોટનો પાર નહિ રહે, બહુ જ ખોટ આવશે. માટે આ સંતનો મહિમા જાણીને તેમનો વિશ્વાસ લાવીને આ વાત સાચી માને તો આસ્તિકપણું આવે ને આ સભા દિવ્ય જણાય અને એ જીવ પોતે દિવ્ય થઈ જાય અને મહાસુખિયો થઈ જાય.”
ઇત્યાદિક ઘણીક વાતો કરી.
જેઠ સુદ-૩ને રોજ પારાયણની સમાપ્તિ કરીને કુંભારિયાના તળાવ ઉપર પ્રસાદીને ઠેકાણે મિસ્ત્રી ગોવાભાઈ જીવણભાઈએ છત્રી કરાવીને તેમાં ચરણારવિંદ પધરાવ્યાં તથા હનુમાનજી પધરાવ્યા, તે વખતે બાપાશ્રીએ વર આપ્યો જે, “આ છત્રીનાં ને હનુમાનજીનાં જે દર્શન કરશે તેને તેડવા અમે આવીશું ને મૂર્તિમાં રાખીશું.”
પછી કુંભારિયેથી ચાલ્યા તે વખતે ઘણા સંતો ને હરિજનો બાપાશ્રીને વળાવવા આવ્યા, તેમને સર્વેને મળીને બોલ્યા જે, “સૌ મહારાજને સંભારજો, અને સેવાભક્તિ ઓછી કરીને મૂર્તિમાં જોડાજો; એમાં અમારો ઘણો રાજીપો છે. શ્રીજીમહારાજે મધ્ય પ્રકરણના ૨૨મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘કાંકરિયાની ચોરાસીની પ્રવૃત્તિ વિસારવા માટે અમે ચાલી નીકળ્યા.’ તે પોતાના ભક્તને શીખવ્યું છે જે બધી ઉપાધિ ટાળીને અમારી મૂર્તિમાં જોડાવું; માટે મૂર્તિમાં જોડાવું ને મહારાજની આજ્ઞા પાળવી. એ કરશો તો અમે તમને સર્વેને તેડી જાશું ને સુખિયા કરીશું. અમે તો છીએ કે નથી, માટે મહારાજની મૂર્તિમાં જોડાજો ને આજ્ઞા પાળજો.”
એવી રીતે સર્વેને શિક્ષાનાં વચન કહીને બાપાશ્રી વૃષપુર પધાર્યા. અને અમદાવાદ, મુળી, ભુજ વગેરેના સંતો તથા સૌ હરિજનો પોતપોતાને સ્થાને ગયા, અને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો મિસ્ત્રી ડાહ્યાભાઈના આગ્રહથી સિનોગ્રે ગયા ને ત્યાંથી જેઠ સુદ-૧૪ને રોજ શ્રી વૃષપુર ગયા. ।।૧૮૩।।