સંવત ૧૯૭૩ના જેઠ સુદ-૧૫ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો છત્રીએ નાહવા ગયા. ત્યાં નાહીને માનસી પૂજા કરી.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ મહારાજનો ને મોટા મુક્તનો જોગ મળ્યો છે, તેમનો વિશ્વાસ રાખીને તથા પોતાના ડહાપણનો તથા વિદ્યાદિકનો ડોડ મૂકીને જોગ કરે ને મહિમા જાણે તો આજ એવો લાભ મળે જે, જેવા અમે સુખિયા છીએ તેવો સુખિયો થાય. આ શબ્દ નીકળે છે તે સ્વામિનારાયણની મૂર્તિમાંથી નાદ નીકળે છે. આ મહિમા સમજાય તો કાંઈ બાકી રહે જ નહિ. આવા કહેનારા ને વાત કરનારા ને પૂરું કરનારા બીજે ક્યાંય સત્સંગમાં પણ નથી. તે જુઓ, હોય તો જોઈ જોજો, ક્યાંયે નહિ જડે.”
“મુળીના પુરાણી સ્વામી ત્યાગવલ્લભદાસજીને કોઠારી વલ્લભજીભાઈએ પૂછ્યું જે, ‘તમે બાપાશ્રી સાથે હેત કર્યું છે તે સમજીને કર્યું છે કે સૌનું દેખાદેખી કર્યું છે?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘મેં તો પ્રતાપ જાણીને હેત બાંધ્યું છે; કેમ કે હું બાપાશ્રી પાસે ગયો ત્યારે મારા તમામ ઘાટમાત્ર બંધ થઈ ગયા. તેથી મેં તેમની મોટપ જાણી લીધી જે આ જેવા તો આ એક જ છે; કેમ જે બીજે ઘણે ઠેકાણે તપાસ કર્યો તો કોઈથી મારા ઘાટ-સંકલ્પ ટળ્યા નહિ, ને ત્યાં ગયો કે તરત જ ટળી ગયા અને ધ્યાન વખતે પણ કાંઈ વિક્ષેપ આવતો નથી, ને મૂર્તિનું સુખ આવે છે.’”
ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા! અમે પણ બધે જોઈને પછી આપની પાસેની આવ્યા છીએ ને આપના જોગથી સુખ આવે છે, એવું બીજેથી આવ્યું નહિ.”
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ વાત કરી જે, “બાસઠ (૧૯૬૨)ની સાલમાં વલ્લભજીભાઈએ મને કહ્યું હતું કે, ‘જ્યારે હું સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયો હતો ત્યારે જેવું સુખ અને શાંતિ આવતી એવું જ સુખ અને શાંતિ મને અહીં આવે છે.’”
પછી બાપાશ્રી બોલ્યા જે, “આમ ને આમ હેત ને એકતા રાખજો ને આત્મબુદ્ધિ રાખજો તો શ્રીજીમહારાજની મૂર્તિમાં નિમગ્ન કરીશું ને સુખિયા કરીશું. કોઈ આઘાપાછા થાશો નહિ એટલે અણવિશ્વાસ લાવશો નહિ. આ તો સ્વામિનારાયણની સાખે કહીએ છીએ.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “અમને કેવા કર્યા છે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને અનાદિમુક્ત કરી મેલ્યા છે, ને બીજા જીવોનો ઉદ્ધાર કરો એવા કર્યા છે એમાં અમે ખોટું કહેતા હોઈએ તો તેનો જોખો એટલે ગુનો અમને છે. આ ફેરે તો પાત્ર-કુપાત્ર જેને જેને આ જોગ થયો છે તે સર્વેને લઈ જવા છે. આ ચૌદ ઇંદ્રિયરૂપી ચૌદ લોકમાંથી જુદા થાવું તે તમારે કરવાનું છે ને પછી ક્લ્યાણ કરવું તે અમે કરીશું.”
પછી વળી સ્વામીએ કહ્યું જે, “શ્રીજીમહારાજ વિના બીજેથી પ્રીતિ પણ તોડાવો ને મૂર્તિનું સુખ પણ આપો એવી અમારી પ્રાર્થના છે.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ તો કૃપાસાધ્ય છે માટે બધું પૂરું કરીશું. અમે તો જીવને નિર્વાસનિક કરીને દેહ છતાં મૂર્તિનું દર્શન પોતાના આત્માને વિષે કરાવીએ છીએ, અને દેહ મુકાવીને મૂર્તિમાં લઈ જઈએ છીએ, એવો દૃઢ વિશ્વાસ રાખશો તો જેવા મહારાજ ને અનાદિમુક્ત છે તેવા અંતર્યામી ને સુખિયા કરીશું. આ ટાણે જે જે બેઠા છે તે સર્વેને એવા જ કર્યા છે, પણ તમારી સામર્થી અમે ઢાંકી રાખી છે ને તે પણ તમારા સુખને માટે છે.”
“સાધને કાંઈ થાતું નથી. જેમ દહાડી કરી કરીને રૂપિયા ભેળા કરીને રાજા સાથે લઢીને રાજ્ય લેવું હોય તો કોઈ દિવસ ન મળે, પણ એક ચીભડું ભેટ મૂકીએ તો રાજા રાજ્ય આપી દે; તેમ સાધને કરીને કલ્યાણ લેવું તે દહાડી કર્યા જેવું છે ને આશરે આવીને દેહ, મન ને જીવ તે સોંપી દે તો કલ્યાણ થાય. તેમાં કાંઈ વાર લાગે નહિ. એવા આજ મહારાજ ને મુક્ત કૃપાસાધ્ય છે.” એમ વાત કરી ને પછી વશરામ ભક્ત બાજરાનો પોંક લાવ્યા હતા તે સંત-હરિજનોને વહેંચી આપ્યો ને બોલ્યા જે, “આ પોંકનો અકેકો દાણો જમશે તેનું આત્યંતિક કલ્યાણ થાશે.”
એમ વાત કરીને પછી છત્રીએથી ચાલ્યા તે માર્ગમાં આવતાં અશ્લાલીના રાવસાહેબ બાલુભાઈને કહ્યું જે, “તમે આ છત્રીએ આવ્યા હતા કે નહિ?”
ત્યારે તે બોલ્યા જે, “ના બાપા, હું નથી આવ્યો.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે ઈકોતેરની સાલમાં છત્રી કરાવીને યજ્ઞ કર્યો હતો, ત્યારે આખો સત્સંગ તેડાવ્યો હતો અને ચારસો-પાંચસો સંત આવ્યા હતા અને હરિજનો તો ઘણાક આવ્યા હતા, ત્યારે તમે ક્યાં ગયા હતા? જૂનાગઢ, વરતાલ, ગઢડા, ધોલેરા, ત્યાં સુધીના તો આવ્યા હતા. ને અમદાવાદ, મુળી, ભુજના સંતો તો પાંચ-દસ દિવસ આગળથી આવ્યા હતા. અને કરાંચી, મુંબઈ, કલકત્તા, કટક, ઝરીઆ, હૈદ્રાબાદ, બિલાસપુર, ખડકપુર, મનહરપુર એ કારખાનામાંથી પણ ઘણા હરિભક્તો આવ્યા હતા અને તમે કેમ રહી ગયા?”
ત્યારે તે બોલ્યા જે, “તે દિવસે મને આપશ્રીની ઓળખાણ નહોતી.”
પછી બાપાશ્રી બોલ્યા જે, “આ કાળી તળાવડી ઉપર છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં તે અમારું જન્મસ્થાન કર્યું છે.”
ત્યારે બાલુભાઈએ પૂછ્યું જે, “આપ તો ગામમાં જન્મ્યા હશો અને તળાવ ઉપર જન્મસ્થાન કેમ કહો છો?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારાં માતુશ્રી દેવબાઈ નામે હતાં, તે તળાવમાં નાહીને તળાવમાંથી બહાર નીકળ્યાં અને જ્યાં છત્રી છે ત્યાં આવ્યાં. તે ઠેકાણે ડુંગરી હતી, તેના ઉપર શ્રીજીમહારાજે દર્શન આપ્યાં ને કહ્યું જે, ‘બાઈ, તમારા ઉપર અમે પ્રસન્ન થયા છીએ તે જે માગો તે આપીએ.’ ત્યારે અમારાં માતુશ્રી મહારાજને બહુ રૂપાળા જોઈને એમ બોલ્યાં જે, ‘મહારાજ! તમ જેવા પુત્ર મને આપો.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘અમારા જેવા તો અમે એક જ છીએ અને અમારા અનાદિમુક્ત પણ અમારા જેવા કહેવાય. તે અનાદિમુક્ત તમારે ત્યાં પ્રગટ થશે અને અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરશે અને અબ પ્રગટ થશે માટે અબજી એવું નામ ધારજ્યો.’ એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થયા.”
“પછી અમારાં માતુશ્રી ઘેર ચાલ્યાં, ત્યારે એમને વિશ્વાસ લાવવાને માટે માર્ગમાં ચાલતાં બે બાજુએ મુક્તની પંક્તિ દેખાઈ. તે સર્વે મુક્ત એમ બોલ્યા જે, ‘બાઈ, તમારે પુત્ર થાશે, પુત્ર થાશે.’ આ વાત અમારાં માતુશ્રીએ ઘેર આવીને અમારા પિતાશ્રીને સર્વે કહી. જ્યાં શ્રીજીમહારાજે વર આપ્યો તે જ ઠેકાણે અમારું જન્મસ્થાન છે, ત્યાં અમે છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં છે. જે વખતે ચરણારવિંદ પધરાવ્યાં તે વખતે આ બાવે (સ્વામી ઈશ્વરચરણદાસજીએ) અમને કહ્યું જે, ‘વર આપો’, ત્યારે અમે વર આપ્યો જે, ‘આ છત્રીનાં દર્શન જે કરશે તેનું અમે આત્યંતિક કલ્યાણ કરીશું ને મહારાજના સુખમાં લઈ જઈશું.’”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “આપ પ્રગટ થયા તે કઈ તિથિ અને કયું વરસ તે કહો?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સંવત ૧૯૦૧ના કાર્તિક સુદ-૧૧ને રોજ પ્રગટ થયા હતા.” ।।૧૮૫।।