સંવત ૧૯૭૫ના વૈશાખ સુદ-૩ને રોજ અમદાવાદ તથા મુળીના સંત તથા હરિજનો કચ્છમાં ગયા હતા, તે ભુજમાં દર્શન કરી વૈશાખ સુદ-૧૫ને રોજ વૃષપુર ગયા.
વૈશાખ વદ-૧ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૩૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં ઘાટ-સંકલ્પ ટાળવાની વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા અનાદિમુક્તનો પ્રસંગ રાખે ને તેમને અંતર્યામી જાણીને સદા સમીપે રાખે તો ઘાટ-સંકલ્પ ટાળી નાખે. જો ‘ગુરુ ગયા ગોકળ ને ચેલાને થઈ મોકળ’ એમ જાણે તો સંકલ્પ ટળે નહિ; માટે મોટાને સદા સર્વત્ર ને અંતર્યામી જાણવા. આ ટાણે જો આચાર્ય બોલાવીને ધોળકા કે જેતલપુરની કે હરકોઈ ધામની મહંતાઈ આપે તો આવો સમાગમ મૂકીને ચાલી નીકળે, એવા જીવના સ્વભાવ છે; માટે તેમાં લોભાવું નહિ. અને માન, મોટપ, વિદ્યા, અધિકાર, એમાં મોટપ માનવી નહિ; એક મહારાજની મૂર્તિમાં જોડાવું ને તે સુખમાં મોટપ માનવી.”
“આ લાભ ને આ જગ્યાની ખબર ન મળે. આ તો અક્ષરધામ છે, પણ વૃષપુરના મંદિરની ઓસરીમાં બેઠા છીએ એમ ન જાણવું. આ ઠેકાણે જે કરો તે થાય તેમ છે, તોપણ જેને નિશ્ચય ન હોય તે એમ કહે જે, ‘આ સભામાં મુક્ત આવે જ નહિ’; તે નાસ્તિક છે અને તેને આ સભાનું સુખ ન આવે ને કલ્યાણ પણ થાય નહિ. જીવ એવા છે જે જીવને, માયાને, ઈશ્વરને, બ્રહ્મને, અક્ષરને એ સર્વેને અનાદિ કહે; પણ જે અનાદિમુક્ત હોય તેમને અનાદિ કહીએ તો ન કહેવા દે.”
“કરમશી કોઠારી અને બીજા સાધુઓ હતા, તે ગુજરાતમાંથી નિર્ગુણાનંદજી બ્રહ્મચારીને કાગળમાં અનાદિમુક્ત લખ્યા હતા તે વાંચે અને હસે. પછી કરમશી ભક્તે તે કાગળ દોડીને સ્વામી મહાપુરુષદાસજીને બતાવ્યો. પછી સ્વામી મહાપુરુષદાસજીએ કહ્યું જે, ‘બરાબર છે, એમાં શું ખોટું છે? એ એવી સ્થિતિના છે.’ પછી તો અમારી પાસે આવીને કહ્યું જે, ‘જુઓ.’ ત્યારે અમે કહ્યું જે, ‘એ બ્રહ્મચારીને તમે દીઠા છે, તે કોણ છે? એ બ્રહ્મચારી તો શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા છે. જ્યારે એને અનાદિ નહિ કહો ત્યારે તમે મુંડાવા આ સત્સંગમાં આવીને બેઠા છો? જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર એ સર્વેને અનાદિ કહેવાય અને જે અનાદિ છે તેને ન કહેવાય, તેનું શું કારણ છે? તું આમાં શું લઈને આવ્યો છે? આ તમારી સમજણ કેવી રીતની છે?’ પછી તે ચાલ્યો ગયો.”
એમ કહીને પછી વાત કરી જે, “આજ અનાદિમુક્ત મનુષ્યરૂપે દર્શન આપે છે, માટે ખરેખરી શરદઋતુ આવી છે. આ ઋતુમાં જેવાં ફળ પકવવાં હોય તેવાં પાકે તેમ છે. આગળ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુક સ્વામી ભેગા બેસીને સમાગમ કરતા; તેના વંશના આપણે છીએ, માટે આ સમાગમ કરી લેવો. આ રસનું પાન કરે તો રસ મળે, તે રસ મોટા અનાદિ તથા પરમ એકાંતિક ભોગવે છે ને સત્સંગમાં પ્રવર્તાવે છે તે સુખ લેવું જોઈએ. આ સભામાં અનાદિ તથા પરમ એકાંતિક તથા એકાંતિક છે અને શ્રીજીમહારાજ માંહે વિરાજે છે, માટે આ ને આ દેહે કરીને મૂર્તિના સુખના ભોક્તા થાવું ને મૂર્તિમાં જોડાવું. જે મૂર્તિથી ને આ સભાથી નોખા પડશે તેને સુખ નહિ આવે, માટે અનાદિનો વિશ્વાસ રાખવો. આ બોલીએ છીએ તે સાચું છે, પણ ‘આ મુક્ત ક્યાંથી હોય?’ એવો તર્ક ન કરવો; કરશો તો ખોટ આવશે. ‘પંડિતથી ગાઉ પચાસ, જ્ઞાનીથી ગાઉ વીસ, પ્રેમીને આસપાસ, ને વિશ્વાસીને શીશ.’ કલ્યાણસંગજીને વિશ્વાસ આવ્યો તો પૂરું થઈ ગયું.”
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, “વાસનાવાળા ત્યાગીને સાક્ષાત્ ભગવાન મળ્યા હોય તો તેને જન્મ ધરવો પડે કે નહિ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જડભરતનું વિચારો.”
એમ કહીને પછી બોલ્યા જે, “આ સાધુ શ્રીજીમહારાજના બાળક છે. તેમની સેવા કરે તો શ્રીજીમહારાજ ઘણા રાજી થાય અને તે સેવા કરનારની કસર એક જન્મે ટાળી નાખે.”
તે સમયે એક બ્રાહ્મણ હતો તેને પૂછ્યું જે, “આ સંત કેવડા મોટા છે?”
ત્યારે તેણે કહ્યું જે, “બહુ મોટા છે.”
પછી બાપાશ્રી બોલ્યા જે, “અક્ષરધામ સુધી મોટા છે. આવા કોઈ અવતાર તથા મૂળઅક્ષરાદિક કોઈ નથી. એવા આ સંત મોટા છે. જે મોટાં ભાગ્યવાળો હોય તે આ સંતને ઓળખે, જેવા-તેવાના ઓળખ્યામાં આવે તેમ નથી.”
“અમે મુળીમાં શ્રી નિર્ગુણદાસજી સ્વામીના આસને બેઠા હતા, ત્યાં કોઈક અધિકારીએ કહ્યું જે, ‘આપ સ્વામિનારાયણને ભગવાન કહો છો તે તો હિંદુસ્તાની બાવો હતા ને તેમણે ઘણાં સાધન કર્યાં હતાં ને યોગ સિદ્ધ કર્યો હતો તેથી મોટા પુરુષ તો ખરા, પણ ભગવાન કહો છો તે સમજાતું નથી.’ તેને સ્વામીએ કહ્યું જે, ‘તમારા હાથમાં એ વસ્તુ ન આવે અને આ નાના લોકો કામ કાઢી જાય છે.’ એમ કહીને દૃષ્ટાંત દીધું જે, ‘એક વેપારી રેલમાં હિંદુસ્તાનમાંથી ખાંડ ભરીને લાવતો હતો, તે વેરાતી વેરાતી અહીં સુધી આવી તે કીડીઓ પહોંચી તે બધી જમી ગઈ ને ખૂબ સુખી થઈ. તેમ કીડી જેવા જે જીવ હતા તે મુક્તના જોગથી ભગવાનને ઓળખીને મહાસુખિયા થઈ ગયા છે અને જે મોટાં મોટાં પશુ હતાં તેમનાથી ખાંડ ખવાણી નહિ; તેમ બહારવૃત્તિવાળા જીવને આ ભગવાન ને આ મુક્ત ઓળખાય નહિ ને એમનું સુખ ન આવે.’ પછી તેને સ્વામીનો ગુણ આવ્યો ને આશ્રિત થયો.” ।।૧૯૯।।