સંવત ૧૯૭૫ના વૈશાખ વદ-૬ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં કોઈને દીકરો દેવો કે ધન દેવું કે રાજ્ય દેવું કે કોઈ મૂઆને જીવતો કરવો તે અમને આવડતું નથી એમ વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને અમે ક્લ્યાણ કરવાનું આપ્યું તે કલ્યાણ કરવામાં અમે તમારા ભેગા છીએ, પણ આ લોકની માયિક વસ્તુ આપવામાં અમે ભળતા નથી. માટે માયિક વસ્તુ માગે તો કહેવું જે, ‘એ કામ અમારું નથી.’ અહીં ધનબાઈ ડોશીએ અમને વાત કરી જે, ‘હું જે જે વચન આપું છું તે સત્ય થાય છે. કોઈકને દીકરો કે દ્રવ્ય કે જે જે માગે તે આપું છું, પણ મારું વચન એકેય ખાલી ગયું નથી.’ પછી અમે કહ્યું જે, ‘એ તો બ્રહ્માનું કામ કરો છો, તેમાં શું કરો છો?’ પછી તે સમજી ગયાં જે બાપાશ્રીની મરજી તો એક કલ્યાણ કરવું એવી છે. માટે અમારી દૃષ્ટિ તો જીવોનો ઉદ્ધાર કરી જન્મ-મરણથી રહિત કરવા, ને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આપવું એ જ છે. અને તમારે પણ કલ્યાણ કરવું તેમાં અમે તમારા ભેગા છીએ, પણ જો માયિક વસ્તુ કોઈક માગે તો કહેવું જે, ‘કલ્યાણ ખપતું હોય તો અમારી પાસે છે, બાકી માયિક વસ્તુ જે કાળી વસ્તુ તે અમારી ઝોળીમાં નથી; તમારું પ્રારબ્ધ હશે તેમ થશે.’”
પછી વાત કરી જે, “ભગવાનનો આશરો કર્યો હોય, પણ જો મહારાજને કે મુક્તને ઓળખ્યા ન હોય ત્યાં સુધી નિવૃત્તિ કર્મ ને પ્રવૃત્તિ કર્મ કરે તોપણ માયા તરાય નહિ, એટલે જન્મ-મરણ ટળે નહિ; તે સુષુપ્તિમાં લીન થયો જાણવો. મહારાજ ને મોટા મુક્ત સત્સંગમાં હોય તેમને ઓળખ્યા ન હોય તે આંધળો કહેવાય અને સ્વામિનારાયણ તો સર્વ કહેતા હોય, પણ આવા મુક્તને ને આ પ્રતિમાને દિવ્ય ન જાણે ત્યાં સુધી જન્મ-મરણ માથે રહે.”
પછી બીજી વાત કરી જે, “શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામ-શુદ્ધિ તે વાંચવાં ને પાળવાં. તે ન વાંચે કે ન પાળે તો જીવ બાળકિયા થઈ જાય. ગૃહસ્થ હોય તે જો શિક્ષાપત્રી વાંચે તો દેવની કે રાજાની કોઈની આજ્ઞા લોપાય નહિ. અને ત્યાગી નિષ્કામશુદ્ધિ વાંચે તો નાગના જેટલી સ્ત્રીની બીક લાગે; પણ પચાસ પચાસ વર્ષ સત્સંગમાં થયાં હોય તોપણ નિષ્કામશુદ્ધિ કે ધર્મામૃત વાંચ્યું ન હોય તો પોતે શું પાળે? ભુજમાં જેઠ મહિનામાં ધર્મામૃત વંચાય છે ને મુળીમાં ભાદરવામાં વંચાય છે.”
“એ ધર્મામૃતમાં જે પાપનું પ્રાયશ્ચિત્ત આવે તે કરવું ને ઝીણા જીવ -માખ, મગતરું, માંકડ, ચાંચડ, કીડી, મંકોડી- મરે તો સ્વામિનારાયણ નામનો મહામંત્ર જપવો; અને વીંછી, ભમરો, દેડકું, ચરકલું એવા જીવ મરે તો એક ઉપવાસ કરવો; અને તેથી મોટા જીવ મરે તો પાદકૃચ્છ વ્રત કરવું. જો નિષ્કામ, નિર્લોભમાં ચૂક પડે તો મહિનો, બે મહિના, ત્રણ મહિના, પંદર દિવસ, વીસ દિવસ ધારણા-પારણા અથવા ચાંદ્રાયણ વ્રત કરવું. એવી રીતે પાપનું પ્રાયશ્ચિત્ત કરે તો પછી માળા, માનસી પૂજા આદિક સાધન કરે તે ખજીને પડે ને મહારાજની મૂર્તિનું સુખ મળે. માટે પ્રાયશ્ચિત્ત કર્યા વિના ચલવવું નહિ, અને પ્રાયશ્ચિત્ત ન કરે એવા પાપી ભેળા ભળવું નહિ. જે અમારા હોય તેમણે એવા પાપમાં પાંતી ન લેવી. તે ધર્મવાળાએ બહુ વિચાર રાખવો.”
“સૌ સરત રાખજો અને જેને ભગવાનના ધામમાં જાવું હોય તે બરાબર વર્તજો. ધર્મ-નિયમે યુક્ત એવા સાધુની સેવા કરવી અને એવા સાધુ-સત્સંગી સાથે હેત રાખવું; નહિ તો ક્યાંય રખડવું પડશે. આ તો સૌનું સારું થાય એટલા સારુ કહીએ છીએ. જે પાપીનો પક્ષ રાખે તેને દક્ષિણને દરવાજે એટલે યમપુરીમાં જાવું પડે. જે મહારાજની આજ્ઞા પાળતા ન હોય તે પાપી જાણવા ને તેમનો પક્ષ રાખવો નહિ.”
“અમારે તો જેમ જેતલપુરમાં તથા અગત્રાઈમાં આશજીભાઈએ ને પર્વતભાઈએ કોઈને યમપુરીમાં જાવા દીધા નહિ, તેમ કોઈને યમપુરીમાં જવા દેવા નથી, પણ જીવ છેટા છેટા ભાગે છે. અમે તો આખા ગામમાં કોઈ માંદું-સાજું હોય તેને ઘરોઘર જઈને દર્શન ને પ્રસાદી આપીએ છીએ. ગયે વર્ષે રોગ હતો તે આખા ગામમાં પ્રસાદી લઈને અગિયાર વાગ્યા સુધી ફરતા. અમે નહિ હોઈએ તો પછી હાથ ઘસવા પડશે. જેમ પર્વતભાઈના સેવકોને કંકોત્રી આવી ત્યાં મૂર્તિ પધરાવવા ગયા, પણ સાત્ત્વિક યજ્ઞમાં રહ્યા નહિ ને પર્વતભાઈ દેહોત્સવ કરી ગયા તે વખતે મનુષ્ય, પશુ, પક્ષી, સર્વેને દર્શન આપીને વર આપ્યો જે, ‘અમે આ સર્વેને તેડી જાશું’; એ વાત જાણીને જે મૂર્તિ પધરાવવા ગયા હતા તેમને પસ્તાવો થયો તેમ. અમે પણ સર્વેને તેડી જાશું, માટે તમે ત્યાગી-ગૃહી સર્વે એવો મહિમા સમજીને મોટાની અનુવૃત્તિમાં વર્તજો.”
“જેની સર્વે ઇંદ્રિયોને વિષે શ્રીજીમહારાજ રહ્યા હોય એવા ગુરુની આજ્ઞા તે શ્રીજીમહારાજની જાણવી. એવા ગુરુ કહે જે, ‘આ કામ કરવા જાઓ’, તો શરીરને કારસો આવે એવું વચન હોય તોપણ તે પ્રમાણે વર્તવું; પણ ‘ફલાણાને કહે તો ઠીક’ એવો ઘાટ ન કરવો. તે જેને મહિમા હોય તેનાથી વચન મનાય ને શત્રુ ભેળો મૂકે તોપણ જાય, અને જેને મહિમા ન હોય તેને સારો દેશ ન આવે તો નિરાશ થઈ જાય. જોગ-સમાગમ સારો હોય એવો દેશ ઇચ્છે તો તો સારું, પણ સારું ખાવાનું કે વસ્ત્રની ઇચ્છાથી સારો દેશ ઇચ્છે તે તો નહિ સારું. તમારે પદાર્થની ઇચ્છા નથી તો અહીં આવ્યા છો ને કથા-વાર્તા, દર્શન-સમાગમનું સુખ લ્યો છો. તે સુખ શ્રીજીમહારાજે મેળવ્યું છે માટે જોગ-સમાગમની ઇચ્છા રાખવી, પણ વસ્ત્રાદિક પદાર્થની ઇચ્છા ન રાખવી, ને સારું સારું ખાવાની ઇચ્છા રહે તો બાપો ચામડી કાઢે એવા છે. મન તો એવું છે કે જેટલું બ્રહ્માંડમાં હોય તેટલું બધુંય મને લાવો એમ ઇચ્છે, માટે મનનો વિશ્વાસ ન રાખવો.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આ બ્રાહ્મણ બાલકૃષ્ણ તમારા ખાખરિયામાં મણિપરામાં ભાઈઓના મંદિરમાં સેવા કરે છે તેને અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની મદદમાં ઠાકોરજીની સેવામાં ભુજમાં આપો.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “એને સાટે મહારાજ તથા આપ મારા ભેળા સદાય રહો તો આપું. કદાપિ એ અહીંથી જતો રહે તોપણ તમારે ભેળા રહેવું જોઈશે.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બ્રાહ્મણ અહીંથી જતો રહેશે તોપણ અમે તમારા ભેળા રહીશું, અને જીવોનાં કલ્યાણ કરશો તેમાં અમે તમારા ભેળા છીએ, પણ કોઈને ધન કે દીકરા દેવા તેમાં અમે ભેગા નહિ ભળીએ; માટે એવું કામ ન કરશો. અને કલ્યાણ તો પામર અને અધમ જીવનું પણ કરશો તેમાં અમે તમારા ભેળા છીએ.”
પછી બોલ્યા જે, “એક ડોશી હતી. તેને ચાર દીકરા હતા અને તેની પાસે ચાર રોટલા હતા. ત્યારે ડોશી બોલી જે, ‘તમે તમારા ભાગમાંથી અર્ધો-અર્ધો રોટલો મને આપો.’ પછી એ છોકરાઓએ અર્ધો-અર્ધો આપ્યો, તેથી ડોશીને બે રોટલા થયા. તે અર્ધમાં ડોશી ને અર્ધમાં છોકરા થયા, એવું તમે માગ્યું.”
પછી બાપાશ્રી બોલ્યા જે, “જેણે મન અર્પ્યું હોય તે દેશ-કાળમાં ખબર પડે. દેશ-કાળમાં પડખે તરી જાય તેણે અમને મન અર્પ્યું નથી ને આત્મબુદ્ધિ કરી નથી ને મહિમા પણ જાણ્યો નથી.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “પ્રથમ પ્રકરણના ૫૧મા વચનામૃતમાં હીરે હીરો વીંધાય એમ કહ્યું છે તે વેંધનારો હીરો કિયો જાણવો ને વેંધવાનો હીરો કિયો જાણવો?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત તે વેંધનાર હીરો જાણવો ને વેંધવાનો હીરો તે મુમુક્ષુ જીવ જાણવા. તે શ્રીજીમહારાજ અથવા મુક્ત મળે તે જીવને મુક્ત કરે તે હીરો વીંધ્યો કહેવાય. શ્રીજીમહારાજ પોતે મળે અથવા મુક્ત મળે તો શ્રીજીમહારાજનું સર્વોપરીપણું ને સદા દિવ્ય સાકારપણું સમજાવીને મુક્ત કરે; માટે જીવને મુક્ત કરવા તેમાં જેવા શ્રીજીમહારાજ છે તેવા જ તેમના મુક્ત સમર્થ છે; પણ મુક્ત સેવક છે ને મહારાજ સ્વામી છે, અને મુક્ત સુખના ભોક્તા છે ને મહારાજ સુખના દાતા છે; પણ જીવનાં કલ્યાણ કરવામાં તો મહારાજ ને મુક્ત બેય સરખા છે.”
“એવા ભગવાન કે મુક્ત મળે ત્યારે એમની અનુવૃત્તિમાં રહેવું, પણ મહારાજ કે મુક્ત બોલાવે-ચલાવે નહિ તથા અપમાન કરે ત્યારે ‘આપણે ઘેર બેઠા ભગવાન ભજશું’ એમ ન કરવું. એમ સમજે તેનાથી ભગવાન ભજાય નહિ. ને ‘આ સાધુ આમ કરે છે, આ હરિભક્ત આમ કરે છે, માટે આપણે એમની શી ગરજ?’ એમ અવગુણ લેવાય. જીવા ખાચરની પેઠે ‘ભાવનગર જાઉં ને આ સાધુને ને આ સત્સંગીને આવું દુઃખ દઉં’, એવા ઘાટ થાય ને સત્સંગમાં હોય ને સત્સંગી કહેવાતા હોય, પણ કુસંગીનો પક્ષ લે, ને કોઈને ભૂત મૂકે, ને કોઈને ભેંસ દહોવા ન દે, ને કોઈને તાવ લાવે, ને નાક કપાવે એવાં કર્મ કરવા શીખે, ને પોતાનું કલ્યાણ બગાડે; માટે સત્સંગથી બેપરવાઈ ન થાવું.” ।।૨૦૪।।