સંવત ૧૯૮૧ના વૈશાખ સુદ-૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “નૃસિંહ ચૌદશ તે પરોક્ષવાળા માટે છે. આપણે તો સર્વોપરી પુરુષોત્તમ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તે એક જ રાખવા. શિક્ષાપત્રીમાં કહ્યું છે જે કિયા પુરુષોત્તમ? તો પરબ્રહ્મ જે શ્રી સ્વામિનારાયણ તે. એ ભગવાનની ઉપાસના રાખો તો બધું થાય. આ શ્રીજીમહારાજથી નીચે જેટલા જેટલા ભેદ છે તેને અક્ષર સાચવે છે તે અક્ષરની મોટાઈ છે.”
પછી બોલ્યા જે, “હરે, વાંચો.”
પછી સંતે વાંચવા માંડ્યું તે પ્રથમ પ્રકરણનું ૯મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધામને વિષે મૂર્તિઓ તથા ઐશ્વર્ય દેખાડે છે એમ આવ્યું.
પછી ભુજના સોની મોતીભાઈએ પૂછ્યું જે, “મૂર્તિઓ અને ઐશ્વર્ય કિયાં જાણવાં?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિઓ તે અનાદિમુક્ત મૂર્તિમાં રહ્યા છે તે સમજવા અને મૂર્તિમાંથી સુખ આવે તે ઐશ્વર્ય જાણવાં.”
પછી ત્રીજે દિવસે એટલે વૈશાખ વદ-૧ને રોજ બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો નારાયણપુર પધાર્યા. ।।૨૧૬।।