સંવત ૧૯૮૧ના વૈશાખ વદ-૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ ગામના રત્નો ભક્ત નાનાં રામબાઈના ભાઈ હતા, તેમની ઉપર ગામલોકોને બહુ દ્વેષ હતો. તેથી તેનાં વાડી-ઓરડા ખેંચી લીધાં ને ધૂળ નાખતા ને દંડ કરતા, જેમાં ગામધણી પણ ભેળો ભળ્યો હતો. એક વખતે ગઢડે એ રત્ના ભક્ત શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા, તેમનો નખ શ્રીજીમહારાજને વાગ્યો. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ‘કોઈ ધખશો નહિ, રામબાઈનો ભાઈ તે મારો ભાઈ છે.’ વળી એક વખતે તેમણે કાચ કાઢીને મહારાજની મૂર્તિને ચંદન ચર્ચ્યું તે લેપો થઈ ગયું, ત્યારે અમે કહ્યું જે, ‘આ શું કર્યું?’ ત્યારે તે કહે જે, ‘લૂક બહુ હતી તે મહારાજને તાપ લાગતો હતો તેથી ચર્ચ્યું!’ એવા હતા; જેને આ લોકનું ભાન નહોતું.”
પછી બહેચરભાઈને માથે હાથ મૂકીને બોલ્યા જે, “તમને શરદી હોય એમ લાગે છે.”
પછી તે કહે જે, “ફેર ચઢે છે.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “મને ફેર તો ચઢે છે, પણ વહાણમાં કે આગબોટમાં નથી ચઢતા.”
પછી બાપાશ્રી બોલ્યા જે, “તમારો દેહ ઉપરથી ભારે છે ને નીચેથી પાતળો છે તેથી આમ ચાલતાં આમ જવાય ને આમ ચાલતાં આમ જવાય એ વાંકડું પ્રશ્ન કહેવાય. વાંકડું એટલે ટીખળવાળું જાણવું.”
પછી બહેચરભાઈને કહ્યું જે, “અમને સંભારો છો?”
ત્યારે તે કહે જે, “બાપા, મૂર્તિ ખપે.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઘરાક થાશો તો જડશે અને કિંમત કરીને નાસવા માંડશો તો થઈ રહ્યું. મુમુક્ષુઓને ભેખ ભગાવે છે એટલે તેને અમારા અભાવ ઘાલે છે.”
એમ કહીને પછી વાત કરી જેઃ “જેમ રાજાને પોતાનો દીકરો મરી જાય તો શોક થાય છે, તેમ મહારાજની મૂર્તિમાંથી નોખું પડાય તો કેટલો બધો શોક થવો જોઈએ? તે વસ્તુ માયિક છે અને મહારાજની મૂર્તિ તો દિવ્ય છે; માટે નોખું પડાય તો બહુ નુકસાન થાય. ચાર દિવસ રહેવું છે. મૃત્યુ આડી એક ઘડી રહી હોય ને એવામાં પણ આવા મોટાને વિષે જોડાય તો આત્યંતિક મોક્ષ થાય. મોટા તો જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિથી પર વર્તતા હોય તેમને કોણ ઓળખે? તો જે ગરજુ હોય તે ઓળખે. આજ મૂર્તિમાં જોડાઈ બેઠા હોય અને કલેવરને ગમે તેમ થાતું હોય એવા સત્સંગમાં છે. એવી સ્થિતિમાં સદાય રહેવું. સુખ આવે કે દુઃખ આવે તોપણ કોઈનો અભાવ આવવા દેવો નહિ. કળિ ખરેખરો આવ્યો છે તેમાં સતયુગ સ્થાપવો. આજ સિદ્ધિઓનું જોર વધ્યું છે. આવો ભા, આવો સ્વામી, આવું માન વધ્યું છે.” ।।૨૨૭।।