સંવત ૧૯૮૧ના જેઠ સુદ-૪ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “ગુરુનો દ્રોહ કરે તેનું મુખ ન જોવું તેમ લખ્યું છે તેનું કેમ સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો સેવકનો ધર્મ છે તે પ્રમાણે સેવકે વર્તવું.”
પછી બહેચરભાઈને પૂછ્યું કે, “કેનું ધ્યાન કરો છો? જડનું, આત્માનું કે પરમાત્માનું?”
ત્યારે તે કહે કે, “પરમાત્માનું.”
ત્યારે બાપાશ્રી કહે જે, “અનાત્મા કોને કહીએ?”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, “જેમ જીવ આગળ દેહ અનાત્મા; તેમ જ શ્રીજીમહારાજ આગળ અક્ષર સુધી અનાત્મા કહેવાય.”
ત્યારે બાપાશ્રી કહે કે, “ભલે મહારાજ.”
પછી બહેચરભાઈએ પૂછ્યું જે, “એવી કઈ પ્રાર્થના છે કે જે પ્રાર્થના ન કરીએ તો ખોટ કહેવાય? અને પ્રાર્થના કરીએ તો અંતર્યામી જાણ્યામાં ફેર કહેવાય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભગવાન નહિ જાણતા હોય? ‘તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી, ઈનકી પાસે ક્યા છુપાઈએ, જીનકે હાથમેં દોરી.’ પ્રાર્થના કરે તે સકામ કહેવાય. આપણે પાત્ર થાશું તો એની મેળે સુખ આવશે. આપણે માગીએ તો ગઢડાવાળી ડોશી માફક થાય. દાદા ખાચરને કહે કે, ‘છાણાં આપું, પણ ગઢડાનાં ચારે નાકાંનું ગોબર હું મેળવું.’ એ વસ્તુ આપણે મોટા પાસે માગીએ, તે આપણાથી તો મંગાય જ નહિ. ઝવેરી હીરાનું પારખું કરે. અક્ષરધામની, મૂર્તિના સુખની ને મોટાની ગતિની શું ખબર પડે? માગતાં માગતાં અધૂરું મંગાઈ જાય. માગવામાં ફળની પ્રાપ્તિ થઈ જાય, તે ફળ તો અક્ષરધામમાં છે જ નહિ. ફળ તો આપણે જોઈએ નહિ. મોટા મોટા કહી ગયા કે મૂર્તિનું સુખ પણ ન માગવું, કાંઈ ન માગવું. આ વખતે ભૂલ્યા ત્યારે ભૂલ ક્યાં કાઢશો? માટે ભગવાન પાસે શું માગવું?”
“એક રાજાના કુંવરને કાષ્ટનું પારણિયું જોઈતું હતું, તે બીજાં સોનાનાં આવ્યાં તે ન લીધાં ને એક વહોરાને ત્યાંથી તે લાવી આપ્યું તેણે રમવા મંડ્યા. તેમ માગી માગીને કાષ્ટનું પારણ્યું માગીએ ને સોનાનું રહી જાય; માટે માગવું નહિ. માગતાં આવડે નહિ. અપાર સુખ મહારાજનું છે તે કોણ લે? હાથ જોડીને વિનંતી કરવી ને પાત્ર થાવું, પણ માગવું તો નહિ જ. મહારાજ કેમ પ્રસન્ન થાય તે તપાસી પ્રસન્નતાનાં સાધન કરવાં. મૂર્તિનું સુખ માગવું એ પણ સકામ. ભગવાન કને આપણે માગીએ તેવી વસ્તુ શું હોય? એ તો ઢગલા ને ઢગલા છે. માગીએ તો મૂર્ખ કહેવાઈએ. જે માગીએ તે પ્રકૃતિની માંહેલું માગીએ.”
“મૂર્તિનું સુખ અપાર, અપાર અને અપાર! તેનો કોણ પાર લે? હાથ જોડી વિનંતી કરીએ તો સુખિયા કરી દે. માગવું તો નહિ જ. માગ્યામાં તો ભગવાન ખોટા પડી જાય. ‘આ મનુષ્યરૂપ છે તે મને તેજોમય દર્શન દેતા નથી’ એમ જાણે તે ચંડાળ છે. માટે મહારાજની મૂર્તિને જોવા મંડ્યા રહેવું; તો મહારાજ જાણે જે આ બિચારો મંડ્યો છે તો મહારાજ ઝળેળાટ દર્શન આપે. મંડ્યા રહો તો મહારાજ ને મોટા રાજી થાય છે. માગે ત્યારે સભા હસે છે કે મહારાજ નહિ જાણતા હોય? હું તો પાકો સિદ્ધાંત કહું છું. માલની કિંમત કેટલી? પ્રસન્નતા મંગાય અને પ્રસન્ન થાય એવી ક્રિયા કરવી. મોટો આત્યંતિક મોક્ષનો ઘંટ વાગે ત્યારે ‘નારાયણ હરે’ કરીને ખોળો ધરે તો પાલી કે બે પાલી આપે, વધુ ન આપે.”
પછી શિવલાલભાઈએ પૂછ્યું જે, “વ્યવહારની વાત પૂછવી કે કેમ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પોતાના દોષ હોય તે કહેવા અને પ્રાર્થના કરવી. મોટા મોટા કહે છે કે માયિક ન માગવું; દિવ્ય માગવું, તે પાત્ર થઈને માગવું. બહિર્ભૂમિ જતાં આવડતું ન હોય ને દિવ્ય માગવું તેથી કાંઈ પાત્ર થવાય? માંહી સંકલ્પ થયા કરતા હોય અને વળી મહારાજના કહેવાય. મહારાજે પણ કહ્યું છે કે, ‘પાત્રની તારતમ્યતા પ્રમાણે સુખ મળે છે.’ જેમ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહે, પણ બીજામાં તો સ્રવી જાય, પણ રહે નહિ તેમ.”
પછી માસ્તર કેશવલાલભાઈને કહે જે, “માસ્તર, માની કરો. માનીને ઓળખો છો?”
ત્યારે કહે જે, “બાપા, હું નથી ઓળખતો.”
ત્યારે બાપાશ્રી કહે જે, “એ તો મુસલમાનની બોલી છે કે મારો દીકરો સાજો થાય તો આભ જેસી માની પીરને ચઢાવું.” ।।૨૩૨।।