સંવત ૧૯૮૨ના માગશર સુદ-૧૫ પૂનમને રોજ સવારે મધ્ય પ્રકરણનું ૬૨મું વચનામૃત વંચાતું હતું.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સંસ્કૃત બાર-બાર વર્ષ સુધી ભણ્યા હોય તોપણ વચનામૃત ન આવડે, માટે વચનામૃત જાણવાં; જેવાં છે તેવાં જાણવાં. ભગવાનનો ભક્ત કાળનો આહાર કરી જાય તે શું? તો જન્મ-મરણ માથેથી ઉતારી નાખ્યું, તે કાળનો આહાર કરી નાખ્યો કહેવાય. ‘કાળ કર્મની રે શંકા દેવે વિસારી.’”
પછી કરાંચીના હીરામલભાઈએ પૂછ્યું જે, “કાળ વિના દુઃખ કોણ દેતું હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ્ઞા લોપાય એટલું દુઃખ થાય છે અને સંગદોષે કરીને દુઃખ થાય છે. અધર્મી સાથે હેત રાખે તો દુઃખ આવે. પ્રમાદ અને મોહ તે આંધળો ઘોડો છે. આંધળાને લાકડી દઈએ જે, ‘દોરી જા’, તે ક્યાંય દોરી જાય અને કચરી મારે. આજ્ઞા, ઉપાસના, ધ્યાન, ભક્તિ, મહિમા ન હોય તે ક્યાં જાય? તે આંધળા કહેવાય. ‘જુઓ જાગી રે.’ મોટાનો સમાગમ ન કરી શકે અને મંદવાડ આવે તો મહિનો બે મહિના પડ્યો રહે તે અજ્ઞાન છે તે ટાળવું અને આવા પુરુષનો સમાગમ રાખવો તો કાંઈ વાંધો જ નહિ.”
“મહારાજે લખ્યું છે જે, ‘સાધુ ઓળખવા’, તે હવે ઓળખાય છે કે નહિ? મહારાજ સત્સંગમાં અખંડ બિરાજે છે, ખાલી સત્સંગ નથી; પણ ગાંડા-ઘેલા હોય તેને મતે નથી. શરીરના શરીરી થઈ રહ્યા, તેને કાંઈ જુદું નથી; પણ જીવને નાસ્તિક ભાવ છે તેથી એવું સમજાતું નથી. ભગવાન અને તેમના ભક્તનો મહિમા અતિશે મોટો છે. તેમાં તમે ને અમે ભેળા આવ્યા હો!”
“કેટલાક અજ્ઞાની, સંત પાસે ને દેવ પાસે આ કલેવર સારુ પ્રાર્થના કરે છે, તે કલેવરમાં શું માલ છે?”
“મુક્તાનંદ સ્વામીએ દરેકને સારું મનાવવા સારુ જ ‘હું પણ જાણું છું’ એમ કહ્યું છે. મુક્તાનંદ સ્વામીએ બીજાને માટે પૂછ્યું છે, પણ તેમને વિષે કસર હતી એમ ન માનવું. એમ માને તો માનનારાને વિષેથી દોષ ટળે નહિ.”
“પાંચ કર્મ ઇંદ્રિયો અને પાંચ જ્ઞાન ઇંદ્રિયોને નિયમમાં રાખવી, તે ઇંદ્રિયો ઘસાણી કહેવાય. તેમ જ સર્વે ઇંદ્રિયો પોતપોતાના વિષયની ઇચ્છા ન કરે તે ઘસાણી કહેવાય. રૂપ, શબ્દ આદિમાં વટલાઈ જાય તે કોઈએ વટલાવું નહિ. પૂજા કરે, નહાય, ધૂએ ને ઓથી વટલાઈ જાય તે ભૂખ, દુઃખ ને માર ભોગવે ને વળી ભગવાનના ભેળા હોય. ‘ચેત ચેત મન બાવરા, સંત શિખામણ દેત.’ ઓઢવા, પહેરવા, ખાવા, પીવા તે સર્વે ધૂળમાંથી ઉત્પન્ન થયું છે ને પાછું વળી ધૂળ. તેમાં કાંઈ માલ નથી. જેવું મળે તેવું ગુજરાન કરવું. અમને શરદી થઈ છે ને ગરમી પણ છે, પણ આવા સંત મળ્યા છે તે જીવને તો આનંદ આનંદ છે.”
“મુળીમાં સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીના આસને વડોદરાનો બ્રાહ્મણ આવ્યો હતો તેણે કહ્યું જે, ‘ઢેબરિયા તમને માને તેણે કરીને શું? સત્સંગ તમારો સાચો ન કહેવાય. અમારા જેવા પંડિતને સત્સંગી કરો ત્યારે સ્વામિનારાયણ ભગવાન ખરા.’ પછી સ્વામીએ વાત કરી જે, ‘આજ તો ભગવાન પંડિતથી પચાસ ગાઉ છેટે રહે છે ને વિશ્વાસીને શિર પર છે.’”
એવામાં એક છોકરો રોવા મંડ્યો તેને બાપાશ્રીએ માથે હાથ મૂકીને કહ્યું જે, “તમોગુણ માંહી પેસી આવ્યો છે. શ્રીજીમહારાજ સાથે હોય તો દેહનું દુઃખ જણાય નહિ. સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહનો ભાવ ટાળી નાખે તો સુખ સદાય રહે અને ભગવાનના ભક્તનો અવગુણ કોઈ દહાડો ન આવે. આ લોકમાં ચાર દિવસ રહે તેવા દેહને તો શબ શણગાર્યા જેવું છે, તેને શણગારવાથી કોઈ રાજી ન થાય. ખપ સત્સંગનો સૌને છે, પણ વાત જબરી બહુ એટલે હાથ ન આવે. જેવડા મહારાજને અને સંતને સમજે તેવડો થાય. તે આજ છે તેનો જેટલો મહિમા સમજશું તેટલો લાભ થશે, તે મોટા થકી જણાય છે. ચાર દિવસ રહેવું અને જન્મ ખરાબ કરી નાખવો એમ ન કરવું. પાછું એને કોણ હાથ ઝાલે? આવા સંત ઝાલે. માટે એક સ્વામિનારાયણની પ્રતીતિ રાખવી અને પરભાવનાનો જોગ (ઓળખીને) કરવો. ‘મેં હું આદિ અનાદિ, મીટ ગઈ સર્વે ઉપાધિ.’ આદિ આ સભામાં બેઠા, તેને ઓળખે તો સર્વે કામ પૂરાં થઈ જાય. મોટા મોટાને એટલે પંડિત, વિદ્વાન, ડાહ્યાને આગળ બેસાર્યા તે અવરભાવ; અને બધાય સરખા કહ્યા તે પરભાવમાં. બધા સરખા જાણે ને અવરભાવ ને પરભાવ ન સમજે તો સાધન કરે, પણ એમાં કાંઈ ન વળે.”
પછી રસોડામાં વઘાર કર્યો તે બહાર આવ્યો ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બહાર આટલો બગાડ કરે ત્યારે માંહી બગાડ કરે જ.”
તે ઉપર સુરા ખાચરની વાત કરી.
“જમવા બેસવું તે ઘણાં વાનાં હોય તે પડ્યાં મૂકીને એક વસ્તુ જ જમી લઈએ. સબડકાઓ એ બધું રસિક છે. મોટા સંતોએ રસિક માર્ગ કર્યો છે તે મૂર્તિમાં રહીને કર્યો છે. આપણે દેહમાં રહીને કરીએ તો કીર્તન બોલતાં બોલતાં ક્યાંય ચઢી જવાય. તમારે પાણી મેળાવીને જમવું તે ઠીક અને ભૂલી જવાય તો મોટો વાંધો આવે. ઘોડા ઉન્મત્ત થઈ જાય તો નુકસાન કરે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તે મોટા પાડા છે તે નુકસાન કરે. જેમ ચાર પાડા ખાટલાને પાયે બાંધીને સૂતો તે જીવતો રહે નહિ, એ તો મરી જ જાય; એમ તે ચાર પાડા જેવા છે તેનો વિશ્વાસ કરે તો કાયમ ન રહે.”
પછી ટીકામાં પ્રાયશ્ચિત્ત કરવાની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રાયશ્ચિત્ત કેટલા કરાય છે તે સંભારજો. આ અમારા ધનજીભાઈ પ્રાયશ્ચિત્ત કરાવવામાં ઉપરી છે. તમે બેય જાડા ને ઊંચા સરખા છો, માટે પ્રાયશ્ચિત્તના ઉપરી થાઓ.”
ત્યારે દેસાઈભાઈ બોલ્યા જે, “બાપા એ તો મોટા છે, મારાથી એવું થવાય તેવું નથી.”
પછી બાપાશ્રી બોલ્યા જે, “મોટાને સંભારીને થોડું કે વધુ પ્રાયશ્ચિત્ત અપાઈ જાય તેનો દોષ નહિ; માટે શ્રીજીમહારાજની મૂર્તિ સંભારીને પ્રાયશ્ચિત્ત એક જણ જ આપે તો દોષ નહિ અને તે પ્રાયશ્ચિત્ત કરનારનાં પાપ પણ બળી જાય. પ્રાયશ્ચિત્ત કરીને માળા, માનસી પૂજા કરે તે સર્વે ખજીને પડે તે સર્વે દિવ્ય થાય છે, અને ન કરે તો તેનાં સાધન સર્વે નિષ્ફળ જાય છે. ‘નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ.’ અમદાવાદની સભામાં ક્યારેક બે કે ચાર દેખાય; એમ મહારાજની આજ્ઞા છે? નથી. તમારી ધર્મવાળાની વાત કરીએ છીએ.”
પછી સંતની ભીડ થઈ.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અહીં ન માયા તે અક્ષરધામમાં કેમ માશે?”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “આ અક્ષરધામમાં જેમ માય છે તેમ માશે.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એક ગજનો તકતો છે તેના સામા આઠ-દસ હજાર સંત કે હરિજન બેઠા હોય તે સર્વે તકતામાં દેખાય છે તેમ મહારાજની મૂર્તિમાં અનંત મુક્તો રહ્યા છે. સાંકડમાં તો ઠીક અને મોકળમાં તો ઘોડા ભાગે, લઢાલઢ થાય. શાંતિનો શો ઉપાય? તો મૂર્તિમાં અખંડ રહેવાય તે. ‘જુઓ રે આ જીવની ચતુરાઈ.’ ભગવાન પાસે નાશવંત સુખ માગે. છોકરાં છે તે પણ મૃગલાં છે ને નાશવંત છે; માટે એવું નાશવંત ન માગવું. એક ભગવાનમાં લગની લગાડવી. સૌ ભક્તને સુરત રાખવી. મોટાનો આશરો કરવો. મહારાજ શિક્ષાપત્રીમાં લખી ગયા તેમ વર્તવું.” ।।૨૪૧।।