સંવત ૧૯૮૨ના માગશર વદ-૧૨ને રોજ સવારે સભામાં બ્રહ્મચારી વૈરાગ્યાનંદજીએ પૂછ્યું જે, “સારંગપુરના ૧૭મા વચનામૃતમાં દશ પ્રકારના મુક્તના ભેદ કહ્યા છે તેમાં મહાતેજરૂપ મુક્તને શ્રેષ્ઠ કહ્યા છે તે આપણે મહાતેજરૂપ થયા છીએ કે નહિ તે શી રીતે જણાય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહાતેજરૂપ તો પરમ એકાંતિક કહેવાય અને તમો તો આ જોગથી ને કૃપાથી મહાતેજથી પર અનાદિમુક્તરૂપ થયા છો. અને જે જણાતું નથી તેનું તો એમ છે જે જેમ પક્ષીનું ઈંડું પરાધીન છે, પણ જ્યારે ઈંડું ફૂટીને પાંખો આવશે ત્યારે આકાશમાં રહેશે; માટે તે ખેચર કહેવાય. તેમ જે શ્રી પુરુષોત્તમના આશ્રિત સર્વે દેહના આવરણમાં છે ત્યાં સુધી ઈંડાની પેઠે પરાધીન છે, પણ જ્યારે આ દેહનો જોગ મટી જશે ત્યારે આવરણ રહિત થઈને શ્રી પુરુષોત્તમના સુખમાં રમશે. એ મૂર્તિમાં અપાર ને અલૌકિક સુખ છે તે અનંત મુક્ત મૂર્તિમાં રહીને ભોગવે છે, પણ પાર પામી શકતા નથી. જેમ ચિંતામણિ નાની છે, પણ અનંત જનના સંકલ્પ સત્ય કરે છે અને જે જે ઇચ્છે તે આપે છે; તેમ મહારાજની મૂર્તિના સુખમાં અપારપણું છે.” ।।૨૪૭।।