સંવત ૧૯૮૨ના પોષ સુદ બીજને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “વડનું બીજ ખસખસના દાણા જેવું નાનું હોય તે ઊગે ત્યારે હાથે તાણીએ તો તણાઈ જાય, પણ જ્યારે વડ મોટો થાય ત્યારે એક વીઘામાં વીખરાઈ જાય એવડો થઈ જાય છે. આપણી લખાઈવાડીમાં વડ હતો તે પડ્યો ત્યારે તેને કઢાવતાં ત્રણસે કોરી ખર્ચ લાગ્યું. સર્વના કારણ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે તે મનુષ્ય જેવડા છે અને તેમનું કાર્ય અનંત કોટિ બ્રહ્માંડ છે.”
“સાધુ કે સત્સંગી થઈને તુચ્છ પદાર્થ સારુ ભડાભૂટ કરવી તે ઠીક કહેવાય નહિ. અને પ્રસાદીની વસ્તુ જે ચરણારવિંદ તે પણ અંદર રાખ્યાં હોય તો પછી બહારનાં જોઈએ નહિ, માટે ખબર રાખવી. રાજકાજ સારુ માથાં કપાવે અને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તે સારું કાંઈ ન થાય. દેહ ઉપર ડગલી છે તેમ દેહરૂપી ડગલો કાઢી નાખીએ એટલે જીવ દેહરૂપ થઈ જાય અને મહારાજ દેહી થઈ જાય. આજ સેવા દિવ્ય છે તે એક રૂપિયે કે એક પૈસે પણ ભગવાન ને ભગવાનના સંત મળે. એક શેર જમાડે તે એક સંત જમે તો એમના ભેળા અનંત મુક્ત અને મહારાજ જમે.”
“લાલુભાઈને કોઈએ કહ્યું જે, ‘કહો સ્વામિનારાયણ.’ ત્યારે તે બોલ્યા જે, ‘મુખેથી ભજન કરવું તેથી કંઠમાં કરવું ઉત્તમ છે અને તેથી હૃદયમાં ભજન કરવું તે ઉત્તમ છે અને તેથી પણ નાભિમાં ભજન કરવું તે ઉત્તમ છે; કેમ જે નાભિમાંથી સંકલ્પ ઊઠે છે તે સંકલ્પ નાભિમાં ભજન કરવાથી બંધ થઈ જાય છે. અને તેથી પણ સત્તારૂપ થઈને મૂર્તિ ધારવી તે ઉત્તમ છે. અને તેથી પણ મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિનું સુખ લેવું તે અતિ ઉત્તમ છે. અને અમને તો બાપાશ્રીએ કૃપા કરીને એટલે પહોંચાડ્યા છે.’ એમ કહ્યું.”
“માયાના ગુણને ઓથે હાલે-ચાલે તેમાં શું? માટે મૂર્તિ વિના રહેવું નહિ, સુરત રાખજો. સૌ મૂર્તિ મૂકશો નહિ.” ।।૨૪૯।।