સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૩ના રોજ બાપાશ્રી કેરે પધાર્યા હતા. અને પછી કેરેથી વૃષપુર આવતાં કેરાની નદીના ધરામાં પોતે નાહવા પધાર્યા. ત્યાંથી મુળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજીને તથા બીજા એક સંતને મોકલીને વૃષપુરના મંદિરમાંથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા પુરાણી કૃષ્ણજીવનદાસજી તથા સ્વામી હરિવલ્લભદાસજી આદિક સંતોને તથા પ્રાણશંકરભાઈ આદિક હરિભક્તોને તેડાવીને પ્રસાદીના ધરામાં બેસારીને સર્વેને માથે ખોબે ખોબે પાણી રેડીને નવરાવ્યા ને મસ્તકે તથા બરડે હાથ ફેરવ્યા ને બોલ્યા જે, “તમો સર્વે તાપમાં આવ્યા છો તે તડકો બહુ લાગ્યો છે તે ટાઢા કર્યા.”
ને પછી તુંબડી વડે સર્વે સંતોના મુખમાં પોતે પાણી રેડીને પાયું અને ખોબા ધરાવરાવીને ખોબામાં પાણી રેડીને ‘સર્વેના ઘાટ બંધ થઈ જશે’ એ વર દીધો. ને પછી ફેર ખોબામાં પાણી ધરાવીને વર દીધો જે, ‘તમારા સર્વેનું આત્યંતિક કલ્યાણ થાશે.’ ને પછી સર્વેના ઉપર ખોબે ખોબે પાણી રેડીને ફેર નવરાવ્યા. ને જે કોઈ હેત-રુચિવાળા નહોતા આવી શક્યા તેમની વતીના પણ લોટા ભરી ભરીને રેડ્યા. પછી સર્વે સંતોને વર આપ્યો જે, ‘તમારું તથા તમોએ જેનાં નામ લઈને અમને નવરાવ્યા એ સર્વેનું આત્યંતિક કલ્યાણ આ જન્મે જ થાશે.’ એમ વર આપીને તે સર્વે નહિ આવેલા એમની વતીના પાણીના ખોબા ભરીને સંતોને નવરાવ્યા ને પછી ગળા બરાબર પાણીમાં સર્વે સંતને બેસાર્યા.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “મુક્ત કેવી રીતે સુખ લેતા હશે?”
ત્યારે પાણીમાં આંગળા ઊભા (ઊર્ધ્વ) રાખીને હલાવીને બાપાશ્રી બોલ્યા જે, “આવી રીતે મુક્ત મૂર્તિમાં રમે છે ને કિલ્લોલ કરે છે ને સુખમાં દોટ્યો દીધા જ કરે છે. અને જેમ જળમાં માછલાં રમે તેમ મુક્ત મૂર્તિના સુખમાં રમ્યા જ કરે છે.”
એમ વાર્તા કરીને પછી જેમ પાણીમાં દેહ રાખ્યા હતા તેમ જ મૂર્તિમાં જીવ રાખીને ધ્યાન કરાવ્યું. ને અર્ધા કલાક પછી ધ્યાનમાંથી જગાડીને જળમાં ઊંડા પાણીમાં જઈને જળક્રીડા કરીને પછી કેડ બરાબર પાણીમાં આવીને સર્વેને મળ્યા. ને જળમાં ઊભા રાખીને જળક્રીડાનું કીર્તન જે ‘જમુનામાં ઝીલે રે સુંદર શ્યામળો રે’ એ બોલાવરાવ્યું. તેમાં ‘ઝીણી ઝીણી બુંદ પડે છે મેઘની રે’ એ ટૂંક આવી ત્યારે પાણી ઉછાળીને એમ બોલ્યા જે, “આ વરસાદ આવ્યો!’’ પછી બહાર નીકળીને માનસી પૂજા કરવા બેસાર્યા. પછી માનસી પૂજા કરીને ઊઠીને સર્વેને મળ્યા.
પછી ચાલ્યા તે કેરે જતાં માર્ગમાં એમ બોલ્યા જે, “આ પુરાણી ધર્મકિશોરદાસજી તમને સર્વેને વૃષપુરથી તેડી લાવ્યા એમને રામપુરની કથાનું તથા ભુજના કળશનું તથા આ ધરાની લીલાનું એ ત્રણે સમૈયાનું ફળ આપશું.”
પછી અમો સર્વે સંતે કહ્યું જે, “અમને રેલે બેસારીને મોકલનારને પણ એ ફળ આપવું જોઈશે.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને ભાડું આપનારને પણ એ ફળ આપશું.”
પછી પોતે બોલ્યા જે, “અમને પણ તમો સર્વે ભાડું આપજો.”
ત્યારે સંતોએ કહ્યું જે, “તમારું ભાડું કેટલું થાય તે અમો જાણતા નથી.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેટલું સુખ ઉત્તમ સ્થિતિવાળા અનાદિમુક્ત મૂર્તિમાંથી લે છે તેથી હજારગણું સુખ એક જીવને ઉદ્ધારવાનું શ્રીજીમહારાજ આપે છે.”
ત્યારે સંતોએ કહ્યું જે, “એ તો મહાપ્રભુજી વિના બીજા કોઈથી અપાય નહિ; કેમ જે તમોએ તો અનંત જીવની કોટિઓ, અનંત મૂળપુરુષરૂપ ઈશ્વરની કોટિઓ, અનંત વાસુદેવબ્રહ્મની કોટિઓ ને અનંત મૂળઅક્ષરોની કોટિઓ, એ સર્વેનો ઉદ્ધાર કરીને શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં પહોંચાડ્યા તેનું ભાડું તો અપાર થયું. એ તો શ્રીજીમહારાજ આપે.”
એમ વાતો કરતાં કરતાં કેરે પધાર્યા ને ત્યાં ઠાકોરજીને દંડવત કરીને સર્વેને મળ્યા. અને પછી પાકશાળામાં શ્રી ઠાકોરજીને જમાડવા પધાર્યા ને જમાડીને મંદિરમાં પધાર્યા. ને સર્વેને મળીને ચાલ્યા તે શ્રી વૃષપુર આવતાં માર્ગમાં વાત કરી જે, “આ ધરામાં લીલા કરી તેને જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય.”
એમ વાતો કરતાં કરતાં શ્રી વૃષપુર પધાર્યા. ।।૩।।