સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૧૪ની રાત્રિએ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ સત્સંગમાં જે શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય તે બધાયને દિવ્ય જાણવા; પણ સમાગમ તો શ્રીહરિજીના પરમ એકાંતિક તથા અનાદિમુક્તનો કરવો. બીજાને દિવ્ય જાણીને સેવા કરવી. જે પંચ વર્તમાનની આજ્ઞા ન પાળતા હોય તેની સેવા તો નિરર્થક છે, કેમ જે એને મહાપ્રભુજીનો સંબંધ નથી. માટે એ સેવા શ્રીજીમહારાજને પહોંચતી નથી. જે આજ્ઞા પાળે છે તેની સેવા કરે, તો શ્રીજીમહારાજ તેમાં રહીને અંગીકાર કરે છે. જે અનાદિમુક્ત છે તથા પરમ એકાંતિક છે તેમની ને શ્રીજીમહારાજની સેવા તો એક જ છે; પણ જુદી નથી.”
“સત્પુરુષના જોગથી બહુ સુખિયા થવાય છે. એક મહારાજને જ અંતરમાં રાખે તો માન-મત્સરાદિક કોઈ વિકાર નડી શકે નહિ. આપણને અવિનાશી મૂર્તિ જે મહાપ્રભુજી મળ્યા ને અવિનાશી મુક્ત મળ્યા છે માટે કામ થઈ ગયું છે. હવે કાંઈ પણ અધૂરાપણાનો સંકલ્પ કરવો નહિ. મોટા મોટા અવતારાદિકને પણ આ જોગ મળવો ઘણો દુર્લભ છે. આ જોગ બહુ ભારે મળ્યો છે. શ્રીજીમહારાજે છેલ્લા પ્રકરણના બીજા વચનામૃતની બીજી બાબતમાં ‘બ્રહ્માદિકને પણ દુર્લભ એવો આ સત્સંગ મળ્યો છે’ એમ કહ્યું છે. તેમાં બ્રહ્મા તે મૂળઅક્ષરને કહ્યા છે; કેમ જે સૃષ્ટિ કરે તે બ્રહ્મા કહેવાય. મૂળ સૃષ્ટિકર્તા મૂળઅક્ષર છે તેને આ ઠેકાણે બ્રહ્મા કહ્યા છે. તેને પણ આ જોગ દુર્લભ છે. આ તો છેલ્લો જોગ છે. આ મુક્તની દૃષ્ટિ જેના ઉપર પડે છે તેને શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જાય છે, તો જે અમારા થઈને રહ્યા છે અને અનુવૃત્તિમાં રહે છે તેમને લઈ જઈએ એમાં શું કહેવું? એ તો લઈ જઈએ જ. માટે ખરેખરા મોટાના થઈ રહેવું. ‘જંઈનો વેપાર અને લાખનો લાભ’ એવું છે.”
“જેમ નિશાન પાડવામાં એક વૃત્તિ કરવી પડે છે તેમ મહારાજની મૂર્તિમાં એક વૃત્તિ રાખીને મોટાનો જોગ કરવો. મોટાનો જોગ તે મહામંત્ર છે. મોટાનો જોગ હોય ને ત્યાં જન્મભૂમિ હોય તોપણ ત્યાં જઈને તે મોટાનો જોગ કરવો તેમાં લાભ ઘણો છે. રેલે બેસીને મોટાનો જોગ કરવા આવવાથી ચાલીને જવું તે ઉત્તમ છે; ન ચલાય તેણે રેલે બેસીને પણ જોગ સમાગમ કરવો. રેલે ન બેસવું એવો નિયમ રાખવો નહિ તેમાં લાભ છે. જેવો જોગમાં લાભ છે એવો રેલે ન બેસવું ને જન્મભૂમિમાં ન જાવું એમાં લાભ નથી. ખૂબ મજબૂત પાયાથી મંદિર ચણીને મૂર્તિ પધરાવી દેવી. મૂર્તિના તેજરૂપ થઈને તે તેજમાં મૂર્તિ ધારવી તો કામ, ક્રોધ, લોભાદિક દોષમાત્ર નાશ થઈ જાય છે અને પછી મૂર્તિમાં રહેવું એ સિદ્ધાંત છે.” ।।૩૪।।