સંવત ૧૯૬૨ના જેઠ સુદ-૩ને રોજ રાત્રિએ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ નિશાન પાડવામાં એક વૃત્તિ કરવી પડે છે, તેમ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને મોટાનો જોગ કરે તો કારણ પમાય. મોટાનો જોગ તો મહામંત્ર છે. મોટા તો ત્રણે અવસ્થામાં મૂર્તિ આપી દે. માટે મોટા મુક્તને વળગ્યા હોય તેને સત્સંગ દિવ્ય જણાય; અવગુણ પણ કોઈનો આવે નહિ. જે મોટા મુક્ત હોય તેમને તો કોઈના દોષ જોવામાં આવતા નથી. સાધનવાળાને જીવના દોષ દેખવામાં આવે છે. જેમ ડુંગર ઉપર રીંછડીઓ એટલે ડુવાળા હોય છે તે છેટેથી દેખાય છે, પણ ડુંગર ઉપર જઈએ તો દેખાય નહિ; તેમ જેને મૂર્તિનું સમીપપણું નથી તેને બીજાના દોષ દેખવામાં આવે છે. જેને મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે તેને જીવના દોષ દેખાતા નથી.”
“સાધનિકને એ દોષ ટાળવાનો ઉપાય એ છે જે નાના-મોટા સર્વે શ્રી પુરુષોત્તમના ઉપાસક છે તે સર્વે મહાપ્રભુજીની સભાના છે, પણ અણુમાત્ર ન્યૂન નથી; કેમ જે એ બધા મુક્ત થશે. કોઈક તો છતા દેહે ધામમાં ગયા છે! કોઈ દેહને અંતે જશે ને કોઈ બે-ત્રણ જન્મે જશે. છેવટે સર્વે મહારાજ પાસે જશે. માટે આજથી તેમને આપણે મુક્ત સમજવા; તો અવગુણ ન આવે.”
“મોટાનો અપરાધ થયો હોય અને મોટાની પ્રાર્થના કરીએ તો મોટા છોડી મૂકે. અને સભામાં મોટાની પ્રાર્થના કરે તો પ્રાયશ્ચિત્ત થોડું કરવું પડે અને બીજાને પણ સમાસ થાય. સાધન બહુ કરતો હોય અને જો મોટાનો અવગુણ લેતો હોય તો તેના કરતાં કોઈનો અવગુણ ન લેતો હોય અને તે સાધન ઓછાં કરતો હોય તોપણ તે શ્રેષ્ઠ છે. મોટાનો જોગ કરે ને વાત ન સમજાય ને અવગુણ લે ને બીજા આગળ જઈને વાતો કરે જે, ‘એમાં તો કાંઈ નથી’ તો તેને કેવું થાય? કે જેમ કોઈ ઝેરનો ગાંસડો બાંધીને ઘેર લઈ જઈને છોડે તેનો ધુમાડો ઊડે તે કેટલાય મરી જાય તેવું થાય. કેમ જે અવગુણ સાંભળનારાનું પણ ભૂંડું થાય. જ્યાં સુધી એકાંતિક માર્ગ ન સમજાય ત્યાં સુધી તુંબડીમાં કાંકરા ખખડાવ્યા જેવું થાય. એ માર્ગ સમજાય ત્યારે બધા શબ્દ મૂર્તિમાં, ધામમાં ને મુક્તમાં લગાડે. મોટાનો જોગ કરવા આવે અને પોતાનું ડહાપણ જણાવે તો મોટાનો રાજીપો થાય નહિ ને વાત પણ કરે નહિ; એટલે એનું તો કામ ન થાય, પણ બીજા ભેળા હોય તેનું પણ કામ થવા દે નહિ.” ।।૩૯।।