સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૯ને રોજ સવારે સભામાં લોયાનું ૫મું વચનામૃત વંચાતું હતું. તેમાં ૧લા પ્રશ્નમાં કપટી તથા નિષ્કપટીનાં લક્ષણની વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજને વિષે ભગવાનપણાનો નિશ્ચય હોય, પણ જો કપટી હોય ને તે જો પોતાનું કપટ જણાવા દે નહિ તો તેને જન્મ ધરવો પડે. જેમ મૂળજી લુહાણો ઘરેણાંનો ડબો ચોરી ગયો હતો તેને વીસ ગાઉથી પાછું આવવું પડ્યું તેમ થાય. એને નિશ્ચય તો હતો, પણ જો ચોરી કરી તો વીસ ગાઉથી ડબો આપવા પાછું આવવું પડ્યું. તેમ કપટીને જન્મ ધરવો પડે. માટે તન-મન શ્રીજીમહારાજને અને મોટા મુક્તને સોંપી દેવું. મનના સ્વભાવ તો ‘લટકી લટકી જાત હૈ, ઝટકી વિષય ફળ ખાત’ એવા છે. અહીં બેઠાં અમદાવાદ, મુળી તથા પેટી-પટારા સંભારે અને ગૃહસ્થ હોય તે ઘર સંભારે.”
“તમે તો તન, મન અને કર્મ સોંપી દીધાં છે અને શ્રીજીમહારાજને તથા મોટા મુક્તને પ્રારબ્ધ કરી લીધા છે; કાંઈ બાકી રાખ્યું નથી. સત્સંગી થવામાં દાખડો ઘણો છે. જ્યારે આત્મા, પરમાત્મા અને સંત અને એમનાં કરેલાં શાસ્ત્ર તે વિના બીજે આસ્તા ન આવે ત્યારે તે સત્સંગી કહેવાય. અને તેણે જ તન, મન, ધન અને કર્મ અર્પણ કર્યાં કહેવાય. શ્રીજીમહારાજે સોમલા ખાચરને કહ્યું જે, ‘અર્ધો પ્રસંગ અમારો કરો છો ને અર્ધો જગતનો કરો છો.’ સર્વસ્વ શ્રીજીને અર્પણ કરવું; એટલે ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવ શ્રીજીની મૂર્તિમાં જોડી દેવાં તે સર્વસ્વ અર્પણ કર્યું કહેવાય.”
“ગૃહસ્થ હોય તેમણે દશાંશ-વિશાંશ કાઢવો તે કનિષ્ઠ ધર્માદો છે; અને બાર મહિનામાં એક-બે મહિના મોટા મુક્તનો સમાગમ કરવો તે મધ્યમ ધર્માદો છે; અને શ્રીજીની મૂર્તિમાં ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર કરીને જોડાઈ જાવું તે ઉત્તમ ધર્માદો છે. આ ત્રણ પ્રકારનો ધર્માદો છે તે સર્વે ગૃહસ્થોએ કાઢવો; પણ એકેય પડ્યો મૂકવો નહિ. એમ ન સમજવું જે સમાગમ કરીએ એટલે દશાંશ-વિશાંશ કાઢવાની શી જરૂર છે? એ તો ધ્યાન કરતા હોય અને ધ્યાનમાં મૂર્તિ દેખાતી હોય અને સમાગમ કરતા હોય તેમણે પણ દેવનો ધર્માદો પૂરેપૂરો આપવો. તે ધર્માદામાંથી સાધુને પણ જમાડવા નહિ અને ધોતિયાં પણ ઓઢાડવાં નહિ અને તીર્થ કરવા જાવું તે તીર્થના ખર્ચમાં પણ એ ધર્માદો ન ગણવો. ઠાકોરજીને વસ્ત્ર, ઘરેણાં તથા જગ્યાઓ તથા ગોદડાં, વાસણ, દાણા, ઘી, ગોળ આદિક વસ્તુ લાવી દેવી તેમાં ગણે તો બાધ નથી.”
પછી કલ્યાણ ભક્તે પૂછ્યું જે, “દેવદ્રવ્યને આચાર્ય પોતાનું કરવા ઇચ્છે તો ધર્માદાની શી રીત કરવી?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આચાર્ય, સાધુ ને સત્સંગી એ ત્રણે મળીને વહીવટ કરવો એવી શ્રીજીમહારાજની આજ્ઞા છે. તે પ્રમાણે ન વર્તે ને સ્વતંત્રપણે વર્તે તો સત્સંગમાં મોટો ઉદ્વેગ થાય. ને એમાંથી મોટો વિક્ષેપ થાય ને એકબીજાનાં મન જુદાં થઈ જાય ને સરકારે પણ જવું પડે. એવો મોટો ઉદ્વેગ થઈ પડે અને કમિટી પણ થઈ જાય. માટે આચાર્યે એમ કરવું જોઈએ નહિ.” ।।૫૩।।