સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૧૧ને રોજ બપોરે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “કુશળકુંવરબાઈએ શું કર્યું હશે? તે કૃપા કરીને કહો.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કુશળકુંવરબાઈએ શ્રીજીમહારાજને પોતાને ઘેર ધરમપુર તેડાવીને રાજ્ય આપવા માંડ્યું અને શ્રીજીમહારાજની મૂર્તિને નખથી શિખા પર્યંત સમગ્ર અંગ નીરખીને અંતરમાં ઉતારી લીધી. અને મૂર્તિ ભૂલી જવાય તેની બીકે કરીને દેહની ક્રિયા જે નાવું-ધોવું, ખાવું-પીવું તેનો ત્યાગ કરીને મૂર્તિ ધારી રાખી. ને પંદર દિવસે દેહ પડી ગયો, પણ મૂર્તિ મૂકી નહિ એવાં હતાં.”
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “એમને શી રીતે સત્સંગ થયો હતો?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ પૂર્વ જન્મમાં સંગ્રામજીત રાજાની બેન રૂડબાઈ હતાં. ત્યાં અલાઉદ્દીન ખૂની દિલ્હીથી આવેલો હતો. તેણે સંગ્રામજીતને મારીને રૂડબાઈને લઈ જવાનું કર્યું, ત્યારે રૂડબાઈએ એને સમજાવ્યો જે, ‘મારે નામના કરવી છે. માટે તમે ફેર આવશો ત્યારે આવીશ.’ તે દિલ્હી ગયો તે પછી રૂડબાઈએ અડાલજની વાવ કરાવીને દેહ મૂક્યો તે ઓળક ગામમાં કુશળકુંવરબાઈ નામે થયાં.”
“તેની કરાવેલી વાવે શ્રીજીમહારાજ ચારસો સંતોએ સહિત આવ્યા અને વાવ જોઈને બોલ્યા જે, ‘વાવ સારી છે. આ કરાવનાર હાલ ધરમપુરમાં રાજ્ય કરે છે. તેનું નામ કુશળકુંવરબાઈ છે. તેમણે પોતાના મોક્ષ માટે આ વાવ કરાવી છે તેનો લેખ જુઓ.’ પછી નિષ્કુળાનંદ સ્વામીએ લેખ વાંચ્યો; તે મોક્ષ માટે જ કરાવી છે એવું લખ્યું હતું. પછી મહારાજે આજ્ઞા કરી જે, ‘આ વાવમાં આપણે સર્વે સ્નાન કરીને જળ પીઓ પછી તેનું કલ્યાણ થશે.’ પછી સંતોએ કહ્યું જે, ‘એને કેવી રીતે આપણો નિશ્ચય થશે?’ પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ‘પરમચૈતન્યાનંદ સ્વામીને પ્રેરણા થઈ ગઈ છે તે ત્યાં જઈને સત્સંગ કરાવશે.’”
“એમ શ્રીજીમહારાજ વાવ ઉપર બોલ્યા તે સમયે જ પરમચૈતન્યાનંદ સ્વામી ગઢડે હતા તેમને ધરમપુર જવાનો સંકલ્પ થયો ને ચાલી નીકળ્યા. તેમના ભેળા તેમના વીસ સાધુ ચાલવા તૈયાર થયા તેમને ના પાડીને એકલા જ એકડમલને વેષે ગયા તે કપડવંજમાં શિવજીની જગ્યામાં ઊતર્યા. ત્યાં બ્રાહ્મણો આવતા તેમને પરોક્ષપણે શ્રીજીમહારાજનો મહિમા સમજાવી નિશ્ચય કરાવીને ચાલ્યા તે ધરમપુર કુશળકુંવરબાઈની ધર્મશાળામાં ઊતર્યા.”
“ત્યાં એ બાઈને એવો નિયમ હતો જે, જે કોઈ ત્યાગી આવે તેને પોતાની ધર્મશાળામાં ઉતારે ને નિત્ય જમાડે અને એમનો મહિમા સમજીને અર્ધ રાત્રે સર્વનાં દર્શન કરીને ચરણસ્પર્શ કરીને પાછાં જાય. તે રાત્રિએ આવ્યાં, પણ તેમને સ્વામીએ સ્પર્શ કરવા દીધો નહિ. ત્યારે બાઈ બોલ્યાં જે, ‘આ સર્વે મહાત્મા ચરણસ્પર્શ કરવા દે છે અને તમે કેમ ના પાડો છો?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘અમે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ તે એકલા ચલાય પણ નહિ ને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળીએ; પણ હું એકલો જુદો પડીને આવ્યો છું તેથી મારે તમારી સાથે બોલવું પડ્યું. પણ હવે સાત પ્રકારનું તો બરાબર રાખીશ; એમાં તો ફેર પડવા નહિ દઉં.’”
“પછી તે બાઈને તેમનો ગુણ આવ્યો તેથી મહિમા સમજીને તેમની વાતો સાંભળીને શ્રીજીમહારાજનો મહિમા સમજ્યાં અને શ્રીજીમહારાજને વિષે સર્વોપરીપણાનો નિશ્ચય કરીને આશ્રિત થયાં અને સ્વામીને ગુરુ કર્યા અને રાજ્ય સોંપી દીધું.”
“જ્યારે શ્રીજીમહારાજ દંઢાવ દેશમાં ફરીને ગઢડે પધાર્યા ત્યારે સર્વે સંતોએ શ્રીજીમહારાજને કહ્યું કે, ‘પરમચૈતન્યાનંદ સ્વામી તો એકડમલ થઈને જતા રહ્યા છે.’ પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ‘એ તો ધરમપુરમાં છે અને અમારી ઇચ્છાથી કુશળકુંવરબાઈને સત્સંગ કરાવવા ગયા છે. તે ત્યાં રાજ્યમાં બંધાઈ ગયા છે તેથી તેડી લાવવા પડશે.’ પછી નિત્યાનંદ સ્વામીને મોકલ્યા, પણ તેમના તેડ્યા આવ્યા નહિ અને બોલ્યા જે, ‘ધણી આવે તો આવું.’”
“પછી મુક્તાનંદ સ્વામીને મોકલ્યા તે ગયા. ધરમપુર નજીક આવ્યું ત્યાં તો હાથીએ બેસીને તે બાગમાં હવા ખાવા જતા હતા, તે હાથી ઉપર બેઠે બેઠે મુક્તાનંદ સ્વામીને આવતાં જોઈને માવતને કહ્યું જે, ‘મારા ગુરુ આવે છે તે મને હાથી ઉપર બેઠેલો દેખશે; માટે હાથીને બેસારો.’ પછી હાથી બેસાર્યો ને ઊતરીને સામા જઈને દંડવત કર્યા અને સ્વામીશ્રીને મળ્યા ને સાથેસાથે ધર્મશાળામાં આવ્યા ને રસોઈ કરીને જમાડ્યા. પછી ચરણ દાબતા હતા ત્યાં બાઈ આવ્યાં એટલે મુક્તાનંદ સ્વામી તો ઊઠીને છેટે જાતા રહ્યા. ત્યારે બાઈ બોલ્યાં જે, ‘એ કોણ છે?’ ત્યારે પરમચૈતન્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘એ મારા ગુરુ છે ને મને તેડવા આવ્યા છે; માટે મારે જવું પડશે.’ ત્યારે બાઈ દિલગીર થઈને બોલ્યાં જે, ‘શ્રીજીમહારાજને અહીં લાવવાનું વચન આપો તો જવા દઉં.’ પછી તે વાત મુક્તાનંદ સ્વામીને કહી ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘એને કહો જે તમે કાગળ લખજો અને અમે પ્રાર્થના કરીશું.’”
“પછી બંને સ્વામીઓ ગઢડે આવ્યા અને શ્રીજીમહારાજને કાગળ લખીને બાઈએ તેડાવ્યા હતા ને ત્યાં મહારાજ પધાર્યા હતા.” ।।૫૬।।