સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૫ની રાત્રે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “અમને કંકોત્રી લખી તેડાવ્યા છે તે શરપાવ આપો.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા જેવું જમે છે તેવું પોતાના જોગવાળાને જમાડે છે; માટે જીવને ખપ અને ત્વરા કરવી જોઈએ. અને મોટા આગળ છેડો ધરવો જોઈએ, અને ગરજવાન થવું જોઈએ, અને પાત્ર થઈને વિશ્વાસ કરવો; તો મોટા પોતાના જેવા કરે છે.”
“આજ સત્સંગમાં કાર્ય અને કારણ બેય છે. તે કાર્ય નવા આદરવાળાને અર્થે છે, કેમ જે એને સમાસ કરે છે. ને એકાંતિકને તો કારણ જે મુક્ત તેને જોગે કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો એ કામનું છે.”
“જાણે-અજાણે મહારાજનો કે મુક્તનો જોગ થઈ જાય તો કામ થઈ જાય. જેમ અધર્મે કરીને આવરદા ઓછી થાય છે તેમ મોટાને જોગે કરીને પણ આવરદા ઓછી થાય છે. જેમ વિદ્યા ભણવા માંડે તે ભણી રહે એટલે પગાર ચાલતો થાય, તેમ મોટાને જોગે બ્રહ્મવિદ્યા ભણાય છે. તે જો ખબડદાર થઈને મોટાનાં વચન અધરથી ઝીલે અને તે પ્રમાણે વર્તવા માંડે તો મુક્તદશા વહેલી પ્રાપ્ત થાય ત્યારે મોટા તેને મહાપ્રભુજીના સુખમાં મૂકી દે છે. જેમ કાણોતરના બાપુભાઈ તથા લુણાવાડાના કાશીરામભાઈ મોટાને જોગે કરીને મુક્ત થઈ ગયા તો આ લોકમાંથી તુરત મહારાજના સુખમાં મોટાએ મૂકી દીધા તેમ આવરદા ઓછી થાય છે. અને એવા મુક્તને બીજા જીવોના ઉદ્ધારને અર્થે આયુષ્ય વિના પણ રાખવા હોય તો રાખે પણ ખરા. અને સત્સંગમાં અધર્મી હોય તેની આયુષ્ય હોય તોપણ ઓછી કરે છે.”
“શ્રીજીમહારાજ આ મુક્તમાં રહીને બોલે છે, જમે છે, જુએ છે, સર્વે ક્રિયા મહારાજ પોતે કરે છે અને મુક્ત તો સદાય મૂર્તિના સુખમાં જ રહે છે, પણ સુખ વિના બીજું જોતા નથી. માટે જોગ કરનારને એમ જાણવું જે, ‘આજ શ્રીજીમહારાજ મુક્ત દ્વારે સત્સંગમાં સુખ આપે છે, ને મુક્ત દ્વારે પોતે ઉપદેશ કરે છે.’ એમ સર્વે વચન શ્રી હરિજીનાં જાણીને વિશ્વાસે સહિત ગ્રહણ કરવાં. તેમાં પણ શાસ્ત્રમાં મહિમા કહ્યો હોય તે કરતાં વધારે મહિમા મોટા કહેતા હોય તો તે વચન સત્ય માનવાં, પણ શાસ્ત્રની સાખ્ય લેવા જેવું નહિ. કદાપિ કોઈકનાં વચન વર્તમાન લોપાવે એવાં હોય તો તેને વિષયી ને દંભી જાણીને તેનો ત્યાગ કરી દેવો. જો એવાનો ત્યાગ ન કરે તો જીવનું ભૂંડું થાય. માટે એવાનો ત્યાગ કરવો.”
“અને મુક્ત તો સદા સ્વતંત્ર હોય અને શ્રીજીમહારાજનાં વચન યથાર્થ પાળતા હોય અને સંગ કરનારને યથાર્થ વચન પળાવતા હોય. એવા મુક્ત શ્રીજીમહારાજનો ને મુક્તનો મહિમા દયા કરીને કહે તે સર્વે સત્ય માનવો. અને આપણું નક્કી પૂરું કરાવી દેશે એવો વિશ્વાસ રાખવો; કેમ કે પોતે શ્રીજીમહારાજ આ મુક્ત દ્વારે બોલે છે. એવો ભાવ આ મુક્તને વિષે રાખીને મન બાંધવું એ જ ભેગા થયાનું ફળ છે. અને તો જ મોટી વસ્તુ જે મહાપ્રભુજીનો સાક્ષાત્કાર ને તેમનું સુખ મળશે. આજ મહારાજનું સુખ મુક્ત દ્વારે મળે છે તે મોટા એક મિનિટમાં આપી દે; જો પૂરો વિશ્વાસ હોય તો. એવો આ મોટાનો પ્રતાપ છે! માટે આ સંગ જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી કરી લેવો. અને અદૃશ્ય થઈશું ત્યારે સર્વસ્વ જતું રહેશે અને હાથ ઘસવા પડશે.”
“અનાદિ મહામુક્તરાજ સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અદૃશ્ય થયા ત્યારે અમને ત્રણ દિવસ સુધી ઘણું દુઃખ થયું. મુક્ત સદાય પ્રત્યક્ષ રહે છે, આવતા-જતા નથી; પણ મનુષ્યદેહે કરીને પ્રત્યક્ષ છે તો બોલે છે, હસે છે, જમે છે, સેવા અંગીકાર કરે છે, વાતો કરીને સુખ આપે છે, દર્શન કરો છો. તે આ દેહ અદૃશ્ય થઈ જાય ત્યારે એ બધું સુખ જતું રહે. માટે મુદ્દો હાથ આવ્યો છે તે વંજાવવો (ખોવો) નહિ.”
“આપણો પૂર્વનો ભેળો સંસ્કાર છે. તો જ આ અમૂલ્ય વાતો તમને મળી છે. આ વાતો બહુ મૂલ્યવાળી છે. તે સમજવી બહુ કઠણ છે. મોટાનો સિદ્ધાંત સમજવો એટલે મહાપ્રભુજીનો મહિમા સમજવો. આ મુક્તને દર્શને મોટા મોટા અવતારાદિક આવે છે. આ વાતો જીવમાં ઘાલવાની છે. આ વાતો ધારે તેને મૂર્તિનું સુખ મળે. આ વાતો અંતરમાં ઉતારજો તો અમારો દાખડો સફળ થશે અને તમારું પૂર્ણકામ થશે. અમારાથી જેટલું બનશે તેટલું બનાવશું. સર્વેનું પૂરું કરીશું. સર્વેને સરખું સુખ આપીશું. જેમ કાચી કેરી હોય તેને કુંવળમાં ઘાલીને બાફીને પકવે છે તેમ કોઈક કાચા હશે તો તેનું અમો પૂરું કરીશું. માટે ઉપરથી માગવું નહિ; સાચે ભાવે માગવું.”
“મોટા તો સર્વેને સરખું જમાડશે, પણ જેમ શાહુકારનાં છોકરાં ખાંડ, સાકર, ઘી વગેરે ઘણું ખાય તો ફેરો થઈ જાય; તેમ આ વાતો સાચી નહિ માને તેને ફેરો થઈ જશે એટલે કામ નહિ આવે. ને વિશ્વાસ રાખશો તો અમારા ભેળા લઈ જઈશું ને સુખિયા કરીશું. વિષયી ને પામરને પણ આ ફેરે લઈ જવા છે, તો મુમુક્ષુને લઈ જવા એમાં શું કહેવું? જેવો પર્વતભાઈએ દેહ મૂકતી વખતે યજ્ઞ કર્યો હતો એવો આ યજ્ઞ છે. આ વખતે જેણે જેણે વાતો સાંભળી તે સર્વેને ઠેઠ મૂર્તિમાં પહોંચાડશું.”
“આ વાતો જીવમાં રાખે તેની દૃષ્ટિમાં માયા રહેતી નથી ને દીવાનું થઈ જવાય છે. જેના બેલી મહારાજ અને મુક્ત છે તેને શું બાકી રહે છે? કાંઈ બાકી રહેતું નથી. જ્યારે સુખ મળશે ત્યારે અહો! અહો! થઈ જશે. સાક્ષાત્ પુરુષોત્તમનાં ને મુક્તનાં દર્શનનું સુખ ને સેવાનું સુખ તે તો અલૌકિક છે! તે કેવું? તો જપ, તપ, વ્રત, દાન, પૂજા, યોગ, સાંખ્ય, યજ્ઞાદિક અનંત સાધનનાં લવ સુખની તુલ્ય અનંત કોટિ બ્રહ્માંડનું સુખ નથી આવતું; અને પ્રત્યક્ષ મુક્તના લવ સુખની તુલ્ય એ સાધનનું સુખ નથી આવતું. તો આ તો સાક્ષાત્ પુરુષોત્તમતુલ્ય એવા અનાદિમુક્ત તે તમને મળ્યા છે અને તમને સર્વેને પોતાના કરી રાખ્યા છે અને તમો પણ અમારા થઈને રાત્રિ-દિવસ અમારાં વચનમાં તત્પર થઈને મંડ્યા છો તો તમારાં ભાગ્યનો ને સુખનો તો પાર જ નથી. એવો લાભ આજ તમને મળ્યો છે.”
“જેમ અહીં તમો અમારું માનો છો તેમ મહારાજ પણ અમારું માને છે તે અમોએ જ્યારે હા પાડી ત્યારે કાશીરામભાઈને તેડી ગયા, અને શ્રી ધ્રુવાનંદ સ્વામીને પણ અમે મહારાજ પાસે બે દિવસ રખાવ્યા હતા. માટે મહારાજનું જેટલું સુખ છે તે તમને સર્વને અપાવશું. આ સુખ જ્ઞાને કરીને ઓળખાય તો જગત લૂખું થઈ જાય. જ્યારે એ સુખ પ્રગટ મળે ત્યારે તો એ મૂર્તિના સુખ વિના બીજું સર્વે વીસરી જાય. આ તમને સર્વે નાના-મોટાને તથા હેત-વિશ્વાસ-રુચિવાળાને શરપાવ આપું છું. ખરેખરી વાત છે, પણ ‘ભલા ભલાઈ ન મેલે ને ભૂંડા ભૂંડાઈ ન મેલે’ એવા જીવના સ્વભાવ છે એટલે અણવિશ્વાસ આવે છે. પણ અમારે તો સર્વેનું સારું કરવું છે; માટે તર્ક ન કરશો. જો અમો ખોટું કહેતા હશું તો અમને પાપ લાગશે ને તમો વિશ્વાસ રાખશો તો જેટલું ઇચ્છશો તેટલું મળશે. જેને પાકો વિશ્વાસ ને આત્મબુદ્ધિ છે તેને તો જેટલું છે તેટલું બધુંય આપશું. સર્વે સંત દયા કરજો એટલે આ વાતો સાચી માનજો.”
“શાસ્ત્રમાં તો એક શબ્દ હોય તેના મોટા લાખ શબ્દ કરી આપે; કેમ જે મોટા તો દેખે છે તે નજરે દેખીને કહે છે. અને મુમુક્ષુને તો એ શબ્દનો અર્થ પણ આવડે નહિ, તો બીજા શબ્દ શી રીતે જડે? માટે શાસ્ત્ર સામું જોશો નહિ ને વાતમાં ચિત્ત રાખીને જીવમાં ઉતારજો. મહારાજે કહ્યું છે જે, ‘આ સભા જેવી બીજી સભા કોઈ ધામમાં નથી.’ આ પુરુષોત્તમ ભગવાનની સભા છે અને આ મુક્ત તો પુરુષોત્તમ ભગવાન આગળ હજૂરી છે, માટે તર્ક કરશો તો પૂર્વનું હશે તે પણ જતું રહેશે.”
“લોયાના ૧૮મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘આ વાતે કરીને પ્રથમનું જે અંગ હોય તે પણ જતું રહે તો મૂળગેથી જાય.’ માટે તર્ક ન કરશો. આ મુક્ત મળ્યા છે તેમનો નિશ્ચય આ દેહે કર્યો હોય તો આ વાત જીવમાં ઊતરી જાય. વચનામૃતના શબ્દ જ્યાં ઘટે ત્યાં ઘટાવવા; પણ મૂર્તિ, ધામ અને મુક્ત તે સાથે રાખવાં. મહારાજ અને મુક્ત પૂરું કરી દેશે. ડંકો દઈને જઈશું તે અનંત મુક્ત દેખશે જે આ ધામમાં આવ્યા. જેણે આગળ મોટાનો જોગ અને સેવા કરી હોય ને તેને સમજ્યામાં ન આવ્યું હોય તો મહારાજ અને મોટા સમજાવે. જો એને એમ હોય જે, ‘મોટાએ વાતો કરી ત્યારે મારી અવસ્થા નાની હતી તેથી સમજી શક્યો નહિ.’ એમ વિચારીને વિશ્વાસ લાવીને સાંભળે તો આજ સમજાઈ જાય.” એમ સાધુ નારાયણદાસજીને કહ્યું.”
પછી બોલ્યા કે, “ભુજના સભામંડપનું ભર્યું કર્યું ત્યારે બ્રાહ્મણોએ ઉપાધિ કરી જે, ‘મંદિરમાં સ્ત્રીઓને સાથે બેસારીને જમીએ, પણ મંદિરથી બહાર સ્ત્રીઓને નહિ બેસારીએ.’ ત્યારે સ્વામીશ્રી નિર્ગુણદાસજીને અમે કહ્યું જે, ‘આવાને ન જમાડો તો શું થાય?’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘લોક નિંદા કરે એટલા માટે જમાડવા પડે છે; પણ પુણ્ય તો આ લક્ષ્મીરામભાઈ માંડવીના છે તેમને પાશેર અન્ન જમાડીએ તેનો પાસંગ પણ અનંત કોટિ બ્રહ્માંડના બ્રાહ્મણો જમ્યાથી ન થાય.’”
“મોટા મુક્ત બેઠા હોય તે વખતે જોગ કરનારને સુખ મળે તેમાં પોતાપણું ન આવવા દે તો સુખી થાય. જેમ માગીને ઘરેણાં પહેર્યાં હોય તે કોઈ દિવસ પોતાનાં મનાતાં નથી, તેમ મોટા મોટા ગુણ આપણામાં આવ્યા હોય તે પોતાના ન માનવા; તો બહુ સુખી થવાય. ગુણ સર્વે મહારાજના છે, તેના ધણી પીરસનારને થવું નહિ. આ વાતો ઠેકાણે ઠેકાણે ને ઘેર ઘેર ન હોય. જેમ વરસાદ ઓચિંતાનો આવે છે તેમ આ વાતો કોઈક વખતે ઓચિંતાની થઈ જાય છે.”
‘આ સુખમાં મોટા રમૂજો કરે છે તેમ તમો સર્વે સુખ ભોગવો.’ એ વર દીધો.
“આ માર્ગમાં ખોટ નહિ આવે. આ મુક્તને મોટા મોટાએ પ્રમાણ કરેલા છે. કોઈ અણવિશ્વાસ રાખશો નહિ. આ શબ્દ તો અમારે વિષે રહીને શ્રીજીમહારાજ પોતે બોલે છે માટે મહારાજ બોલે છે એમ જાણજો. આ લાભ બહુ જ મોટો મળ્યો છે. જેવું કામ મહારાજ કરે તેવું કામ આ મુક્ત કરે છે એટલે જેમ મહારાજ પોતાના સુખમાં લઈ જાય છે તેમ જ મુક્ત પણ મહારાજના સુખમાં જીવને લઈ જાય છે એવું કામ કરે છે, પણ અનંત બ્રહ્માંડ કરવાં કે કોઈને કર્મફળ આપવું એવું કામ નથી કરતા; કેમ જે એ સકામ છે માટે નથી કરતા.”
“મોટા પાસેથી મૂર્તિનું સુખ માગવું તે સકામ ન કહેવાય; માટે માગવું. કોઈના અંતરનું જાણવું કે પોતાનું ધાર્યું સત્ય થાય તથા અગમ-નિગમનું જાણવું કે બ્રહ્મપુર, ગોલોકાદિક ધામ તથા ઐશ્વર્ય જોવા કે પામવા ઇચ્છે તે સર્વે સકામ કહેવાય; માટે તે ન ઇચ્છવું. તે સુખના આપનારા આ સભામાં છે. કોઈ તર્ક કરશો નહિ. કદાપિ ખોટું કહેતા હશું તો તેનું પાપ અમને છે, પણ વિશ્વાસ રાખશે તેને આ વખતે સરખું સુખ મળશે. જેમ પંક્તિમાં જમવા બેઠા હોય તેમને પીરસનાર એક જ ભોજન આપે ને સરખું આપે, પણ જમનારની સત્તા પ્રમાણે જમાય છે એટલે જેવી શ્રદ્ધા તે પ્રમાણે ગ્રહણ કરે. કોઈક માંદા હોય તો જમે પણ નહિ ને ઊલટી પણ થઈ જાય; એટલે સાચી ન મનાય તે ન જમાણી જાણવી ને અવગુણ આવે તે ઊલટી થઈ જાણવી. આ વાતો સત્ય માને ને જીવમાં ઉતારે તો સર્વે શબ્દ સત્ય થાય. જેને આ વાતો જીવમાં ન ઊતરે તો જેવી કરી તેવી સત્ય ન થાય. જેને વિશ્વાસ ન આવે ને તર્ક થાય તેને પૂર્વેનું કરેલું પણ ખોવાઈ જાય.”
“આ વખતે સર્વે નાના-મોટાને સરખું સુખ દેવું છે. આ વાતે કરીને મૂર્તિનું સુખ સદા રહે ને મૂર્તિમાં થીજી જવાય. જેમ ઘડામાં ઘી થીજી જાય તેમ. દેહની ક્રિયા તો મહારાજની ઇચ્છાથી થાય અને જીવ તો સદા મૂર્તિમાં રહે એવું કરવું. બીજાં બધાં માન, મોટપ, ઓળખાણ, પ્રસિદ્ધિ, સાધન, સેવાભક્તિ એ સર્વે પડ્યાં મેલવાં ને એક મૂર્તિ સિદ્ધ કરવી; તો બધું કામ થઈ જ રહ્યું છે.”
“આ વાતો અને આ સમય એવો છે જે છ માસ ભેળો રહે તોપણ આ એક ઘડીમાં કામ થયું તેવું ન થાય. જેને ખરો વિશ્વાસ હોય તેને એમ જણાય જે મને બહુ લાભ મળ્યો અને અમને પણ એમ જણાય જે અમોએ ઘણું સુખ આપ્યું. જેને વિશ્વાસ ન હોય અને તે છ માસ ભેળા રહે તોપણ તેને એમ જણાય જે મને કાંઈ આપ્યું નથી ને હું પણ એમ જાણું જે એને મેં કાંઈ આપ્યું નથી. માટે જીવમાં સત્ય માનવું. આ વાતો વિશ્વાસે સહિત જીવમાં ઉતારે તો તેને આવરદા હોય તોપણ પડી રહે ને શ્રીજીના સુખમાં પહોંચાડી દઈએ. માટે મોટા બેઠા છે ત્યાં સુધી કામ કરી લો. આ વાતો સદાય ન હોય.”
“આ વાતમાં જેને વિશ્વાસ ન આવે તેને નાસ્તિકપણું છે ને મહારાજનો નિશ્ચય પણ એટલો ઓછો છે અને મોટાની મોટપ પણ એણે જાણી નથી. આજ તો એવા મોટા મળ્યા છે જે ગમે તેવો પામર અને પતિત જીવ હોય ને જો શરણે આવે તો તેનાં સર્વે પાપ ટાળીને આત્યંતિક કલ્યાણ કરે. સત્સંગમાં આવ્યા કેડે પણ કાંઈક આડું-અવળું વરતાણું હોય ને તે જો મોટાને શરણે આવે ને તેમના ખોળામાં માથું મેલીને દીનતાએ સહિત ગદ્ગદ્ કંઠ થઈને ને ગરજવાન થઈને સ્તુતિ-વિનય કરે તો સર્વે પાપ પ્રાયશ્ચિત્ત વિના પણ ટળી જાય છે. મોટા આગળ નિષ્કપટ થાવું; તો બહુ કામ થાય છે.”
“શ્રીજીમહારાજનું સુખ છે તે મોટા ચાલતાં આપી દે છે. કોટિ સાધને અને કોટિ કલ્પે ન પમાય એવું સુખ મોટા તરત આપી દે છે. ધ્યાન કરવાની લટક પણ મોટાના શીખવ્યા વિના આવડતી નથી. મોટા શ્રીજીના સુખમાં ઉતારી દે તો સૂતી વખતે મહારાજની મૂર્તિ ધારીને મૂર્તિમાં લુબ્ધ થઈને સૂએ તો જાગૃતમાં, સ્વપ્નમાં ને સુષુપ્તિમાં સાક્ષાત્કાર અખંડ રહે; પણ ભુલાય નહિ. એવો મોટાનો પ્રતાપ છે; પણ મોટાની આગળ નિર્માની થાય તો. જેમ બાળકને ગાળો દે અને અપમાન ઘણું કરે ને મારે તોપણ તેનું તેને કાંઈ નહિ. ને વખાણે ને પૂજા કરે ને માન આપે તોપણ તેનું તેને કાંઈ નહિ; એ બે સરખું છે. તેમ સાધુને કોઈ મારે, નિંદા કરે, અપમાન કરે, વખાણે, પૂજા કરે, સન્માન કરે તે માન-અપમાનને ગણે નહિ; સોનાના દોરાની પેઠે છએ ઋતુમાં સરખો રહે તેના ઉપર મોટા કૃપા કરીને મહારાજનું સુખ આપે છે. જેટલું અમારાથી બનશે તેટલું અમો જરૂર કરીશું. આ ફેરે તો તમારું તથા હેતવાળા સર્વેનું આત્યંતિક કલ્યાણ કરીશું. જેવું અમારે સુખ છે તેવું તમને સર્વેને આપીશું અને અમારા જેવા કરીશું. આ તમને શરપાવરૂપી વર આપ્યો.”
વાર્તાની સમાપ્તિ કરીને સર્વેને મળ્યા. ।।૬।।