સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૧૫ને રોજ સવારમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ શરદઋતુમાં શ્વાંત નક્ષત્ર આવે છે તેમાં વરસાદ થાય છે તેને છીપ સમુદ્રમાં અધરથી ઝીલે છે તેનાં મોતી લાખ લાખ રૂપિયાનાં થાય છે, ને પડી પડી ઝીલે તો એક પૈસાનાં મુઠ્ઠી ભરાય એવાં ફટકિયા મોતી થાય છે; તેમ આજ અમે તમને મળ્યા છીએ તે શરદઋતુ બેઠી છે. માટે આ અમારાં વચન અધરથી ઝીલવાં અને અમારો સમાગમ બાર મહિનામાં એકવાર ન થાય તો કાળ પડ્યા જેવું જાણવું. જેમ ચોમાસામાં વરસાદ ન થાય તો અન્ન પાકે નહિ ને દુઃખી થવાય, તેમ સમાગમ વિના જ્ઞાન મળે નહિ ને મૂર્તિથી ઓરું રહેવાય; માટે સમાગમ કરી લેવો.”
“તે સમાગમનું સુખ જેવું થોડા મનુષ્યોમાં આવે એવું ઝાઝા મનુષ્યોમાં ન આવે. જે એક રુચિના હોય તે થોડા જાણવા અને રુચિ ન મળે તે ઝાઝા જાણવા.”
“આપણે સંવત ૧૮૩૭ થી (મહારાજ ને મુક્ત પ્રગટ થયા છે ત્યારથી) શરદઋતુ બેઠી છે. જેમ બાળકને માતા જેવું કોઈ સુખદાયી નથી; તેમ જે આત્યંતિક કલ્યાણ ઇચ્છે તેને મુક્ત જેવું કોઈ સુખદાયી નથી. આ વાત ચૂકે તેને ઘણો વાંધો રહે છે. જેમ શ્રીજીમહારાજે દેહોત્સવ કર્યો ત્યારે ઘણાક ભક્તોને પસ્તાવો થયો જે, ‘મહારાજ જતા રહ્યા અને કાંઈ સેવા પણ થઈ નહિ અને જેવા હતા તેવા જાણ્યા નહિ’; તેમ આજ પણ અમે પ્રગટ થયા છીએ તે જો મહિમા જાણીને સમાગમ નહિ કરે તેને આ સમય ગયા કેડે પસ્તાવો ઘણો જ થશે ને રોવું પડશે. અને જે મહિમા જાણીને સમાગમ કરશે તેને પાછળથી સુખ અને આનંદ ઘણો રહેશે; માટે નવરાશ લાવીને સમાગમ કરી લેવો. આ સમાગમ અનંત જન્મના ફેરા મટાડે એવો બળવાન છે, ને તે ફેર મળવો પણ ઘણો દુલર્ભ છે; માટે કોઈ અંતરાયના રોક્યા રોકાવું નહિ.”
“તે અંતરાય આસુરી જીવ કરે અને દૈવી જીવ પણ કરે. તેમાં આસુરી જીવ તો મોટા પરમ એકાંતિકને તથા અનાદિમુક્તને ઓળખે નહિ. જેમ શ્રી ગોપાળાનંદ સ્વામીને તથા શ્રી ગુણાતીતાનંદ સ્વામીને ખૂણિયા જ્ઞાનવાળા કહેતા; તેમ મોટાની નિંદા કરે ને બીજાને પાછા પાડે ને સમાગમ કરવા દે નહિ. એ સત્સંગમાં કુસંગ કહેવાય. તેને તો મોટાના સમાગમવાળા જાણે જે, ‘આ બિચારા પામર છે ને એમને ગોળખોળની ખબર નથી.’ એમ જાણીને ગણે નહિ ને મોટાનો સમાગામ કરી લે.”
“અને દૈવી જીવ એમ અંતરાય કરે જે, ‘આપણે મોટાનો સમાગમ કરવો તો ખરો, પણ વ્યવહાર રાખીને કરવો; કેમ જે આપણે ત્યાગી થઈને ગૃહસ્થનો સમાગમ કરવો એ લોકવ્યવહારમાં ખોટું કહેવાય. માટે વારંવાર જવું નહિ. કોઈક કોઈક વખતે જવું ને સમાગમ કરવામાં વિવેક રાખવો,’ એમ બોલીને પાછા પાડે.”
“વળી કેટલાક દૈવી જીવ હોય, પણ પોતે વ્યવહારમાં બંધાણા હોય તે મુમુક્ષુને પણ વ્યવહારનું કામ બતાવે જે, ‘આ કામ બગડે છે; માટે કર્યા વિના છૂટકો નથી ને તમારા વિના થાય તેમ નથી. માટે એ કામ કરો ને નવરા થાઓ ત્યારે વળી સમાગમ કરજો.’ એમ સમાગમ કરતાં રોકે.”
“કેટલાક દૈવી જીવ હોય, પણ તેને વર્ણાશ્રમનું માન પેસી ગયું હોય તે એમ કહે જે, ‘અમને ત્યાગીને મૂકીને ગૃહસ્થના સમાગમમાંથી શું વધારે લાવતા હશો? માટે અમારો સમાગમ કરો.’ એમ જીવને અંતરાય કરે. માટે કોઈના રોક્યા ન રોકાતાં મોટાનો જોગ કરી લેવો.”
પછી વાર્તાની સમાપ્તિ કરી. તે વખતે એક સંતે આવીને બાપાશ્રીને બે હાથ જોડી આગ્રહ કરીને કહ્યું જે, “મને વર્તમાન ધરાવો ને હવે કસરમાત્ર ન રહે એવી દયા કરો.”
પછી બાપાશ્રીએ તેમને વર્તમાન ધરાવ્યાં. પછી તેમણે અંતર્વૃત્તિ કરી ત્યાં તો પોતાના આત્માને પ્રકાશમાન દીઠો ને તેમાં મહારાજની મૂર્તિ તેજોમય દેખી અને પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ થઈ આવી તેથી બહુ આનંદ પામ્યા.
ત્યારે સર્વે સંતે પૂછ્યું જે, “સ્વામી! તમે કેમ હર્ષાયમાન જણાઓ છો?”
ત્યારે તેમણે ઉપરની વાત કરી.
તે પછી સ્વામી વૃંદાવનદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, “આ તો બહુ મોટા છે ને એમને શી કસર રહી ગઈ હશે જે આપને વિનંતી કરી?”
પછી બાપાશ્રી બોલ્યા જે, “પૂર્વે એમણે શ્રીજીમહારાજના પાળાને હથિયાર ઉગામ્યાં હતાં, એ અપરાધ હતો તે અપરાધથી મુક્ત કર્યા એટલે મહારાજનાં દર્શન થયાં. આ સંત સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીનો સમાગમ બહુ કરતા અને તેમણે અમારી ઓળખાણ પડાવી હતી.”
પછી સાંજના સૌ સંત-હરિજનો નારાયણપુર ગયા અને ત્યાંથી દહીંસરા, રામપુર આદિક ગામોમાં થઈને ભુજ ગયા. અને અષાઢ સુદ એકાદશીને રોજ બાપાશ્રી ઘોડે બેસીને ભુજ પધાર્યા અને ત્યાં સાત દિવસ રહીને કથા-વાર્તાનું બહુ સુખ આપ્યું. પછી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સંત-હરિજનો સર્વે ગુજરાત આવ્યા. ।।૬૫।।