સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૬ને દિવસે સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ મોટો શાહુકાર હોય તે હીરા, માણેક, મોતી તેનો વેપાર કરે છે તેના ભેળો કોઈ ગરીબ ભાગ રાખે, તો તેને પણ શાહુકારના સરખો ભાગ મળે છે. તેમ મોટા મુક્તના ભેળો ભાગ રાખે તો મોટાને જે સુખ છે તે જીવોને આપે છે.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “વીજળીના અગ્નિ જેવા તથા વડવાનળ અગ્નિ જેવા મુક્તનાં લક્ષણ શાં હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બ્રહ્મકોટિનાં અને મૂળઅક્ષરકોટિનાં સુખમાં ને ઐશ્વર્યમાં લેવાય નહિ તે સાધનદશાવાળા એકાંતિક વીજળીના અગ્નિ જેવા જાણવા. શ્રીજીમહારાજના તેજરૂપ ધામમાં રહ્યા થકા અહીં મનુષ્યરૂપે દેખાતા હોય તે સિદ્ધદશાવાળા પરમ એકાંતિક, તથા મૂર્તિમાં રહ્યા જે અનાદિ તે વડવાનળ જેવા જાણવા. તે મુક્ત આસુરી અને અતિ કુપાત્ર જીવ હોય તેનો પણ સંકલ્પ માત્રમાં ઉદ્ધાર કરે અને મૂર્તિને સમીપે લઈ જઈને મૂર્તિના સુખે સુખિયા કરે. એવું કામ વીજળી જેવા મુક્તથી થઈ શકે નહિ. તેમાં જે અનાદિમુક્ત છે તે તો જેવા શ્રીજીમહારાજ છે તેવા જ છે અને મહારાજની મૂર્તિમાં રહ્યા થકા મહારાજના સંકલ્પથી અહીં દર્શન આપે છે. જે એમનો આશરો કરે તેને પોતા જેવા અનાદિ કરીને મૂર્તિમાં રાખે છે અને મૂર્તિનું રોમરોમનું સુખ ભોગવે એવા સમર્થ કરે છે.”
“વીજળી જેવા મુક્તને માથે પણ કાળ, કર્મ, માયા આદિક કોઈનો હુકમ નથી. જેમ રાજાના કુંવરને માથે રાજા વિના બીજો કોઈ ઉપરી નથી તેમ. એવા વીજળી જેવા એકાંતિકને મુખે પણ શ્રીજીમહારાજ બોલે છે ને પગે ચાલે છે તેમજ સર્વે ઇંદ્રિયો દ્વારે શ્રીજીમહારાજ ક્રિયા કરે છે. માટે તેમાં જે કાંઈ અંતર્યામીપણું આવે કે ત્રિકાળનું સૂઝે એ આદિક જે કાંઈ ઐશ્વર્ય જણાય તેમાં એ ભક્ત પોતાપણું ન લાવે. સર્વ મહારાજનું કર્યું થાય છે એમ માને, પણ પોતાનું કર્યું થાય છે એમ ન મનાય તો સત્સંગમાં સુખિયા થવાય, દેહ સર્પની કાંચળી જેવો થઈ જાય અને પોતે સર્વેથી પર એકરસ ચિદ્ઘન તેજરૂપ થઈને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે. એવાની છાયામાં જે રહે તે પણ સુખિયા થાય છે અને એનો કારણ દેહ પણ ખોખા જેવો થઈ જાય છે. આટલો લાભ તો જે પોતાપણું ન માને એવા એકાંતિકના સમાગમથી મળે છે.”
“જે શ્રીજીમહારાજના પરમ એકાંતિક તથા અનાદિમુક્ત છે તે તો શ્રીજીમહારાજની તુલ્ય છે. અને આપણે જેમ રાત્રિમાં તારા દેખીએ છીએ તેમ જે મુક્ત જીવને દેખે છે તેની સાથે વિશ્વાસ રાખે તો પોતાતુલ્ય કરે છે. આવા મુક્તના જોગનો લાભ તો અલૌકિક છે. આખી ઉંમર સત્સંગ કરે તોપણ આવા મોટાનો જોગ એક કલાક થાય તેમાં જેટલો સમાસ થાય તેટલો આખી ઉંમર સત્સંગ કરનારને ન થાય. ત્યાં દૃષ્ટાંત જે આ ગામના કુંવરજી પટેલ લક્ષ્મીરામભાઈની વાતો સાંભળીને એમ બોલ્યા જે, ‘મેં પચાસ વરસ સંત-સમાગમ કર્યો, પણ તમારી વાતો એક કલાક સાંભળી તેમાં ઘણો સમાસ થયો.’ એવો મોટાનો પ્રતાપ છે. માટે ખરા ભાવથી આતુરતાએ સહિત સંગ કરવો. શુદ્ધ સત્ત્વગુણી થઈને એટલે બ્રહ્મરૂપ થઈને મોટાની વાત સાંભળે તો તેનું ફળ થાય ને જીવમાં વાત પેસે ત્યારે જીવ વૃદ્ધિ પામે ને અપાર સુખ મળે. પરમ એકાંતિક થોડું બોલે, પણ શ્રીજીમહારાજની મૂર્તિની સન્મુખ રહીને બોલે છે ને જીવને બ્રહ્મરૂપ કરી મૂકે છે. સાધનિક ઘણું બોલે તોપણ તેના શબ્દથી શાંતિ ન થાય. માટે મોટાના શબ્દ જીવમાં ચોંટાડે તો સુખ, સામર્થી ને પ્રકાશ વૃદ્ધિ પામે છે.”
ત્યારે પુરાણી કૃષ્ણજીવનદાસજીએ પૂછ્યું જે, “પૂર્વના સંસ્કારી જીવ હોય તેને સત્સંગ ઓળખાતો નથી તેનું શું કારણ હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અશુભ સંગના દોષે કરીને સંસ્કાર દબાઈ રહે છે તે જ્યારે સત્પુરુષનો જોગ થાય ને સંપ્રદાયની રીતિ પ્રમાણે ચાલે તો સંસ્કાર ઉદય થાય ને થોડાકમાં સાધન પૂરાં થાય. કોઈકને સત્સંગમાં આવે ને પાધરું તેને મહારાજ દર્શન આપે છે કે ઐશ્વર્ય જણાય છે કે કોઈ સત્સંગીનો છોકરો હોય તેને લક્ષ થાવા માંડે છે. તે પૂર્વેના સંસ્કારી જીવ હોય ને પૂર્વે ભગવાન કે સંતને સેવાએ કરીને રાજી કર્યા હોય એનું પુણ્ય ઉદય થઈ આવે ને મહારાજ તેને દર્શન આપે એટલે વૃત્તિઓ મહારાજના સ્વરૂપમાં તણાય ને લક્ષ થાય. જેમ પૃથ્વીને વિષે બીજ પડ્યાં હોય તે વરસાદના જોગથી ઊગી નીકળે તેમ તે પૂર્વસંસ્કારવાળો પોતાને સુખ, સામર્થી પ્રાપ્ત થઈ આવે તેને દબાવીને દાસાનુદાસ થઈને મોટા મુક્તનો જોગ કરે તો વૃદ્ધિને પામીને મહામુક્ત થઈ જાય. જો પોતાને સુખ-ઐશ્વર્ય પ્રાપ્ત થયું હોય તે પોતાને વિષે માણસને ખેંચવા માટે અગર પોતાની મોટપ બીજાને જણાવવા માટે કાંઈક ચમત્કાર બતાવે અગર ચમત્કાર ને સુખની વાતો કરવા માંડે તો પોતાની સ્થિતિમાંથી પડી જાય ને સત્સંગમાંથી પણ પડી જાય. એવું મોટું વિઘ્ન આવે. માટે પોતાનો ગોળ પોતે ચોરી ખાવો. એટલે પોતાને જે સુખ મળ્યું હોય તે પોતે ભોગવવું; પણ બીજાને જણાવવું નહિ.” ।।૭।।