સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૧૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને એકબીજાને મળીને પછી બાવળ તળે બેસીને સર્વેએ માનસી પૂજા કરી.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મોટાને જોગે મોટા જેવા થયા હોય, પણ એ સુખ મોટાએ રોકી રાખ્યું હોય; માટે મળ્યું જ છે એમ જાણવું. બાપનું દ્રવ્ય છે તે દીકરાનું જ છે; તેમ અમારું સુખ છે તે તમે અમારા શિષ્ય છો તે તમારું જ છે. નાના-મોટા સર્વ એક બાપના દીકરા છીએ. બુદ્ધિવાળાને તથા વગર બુદ્ધિવાળાને સર્વેને સરખા સુખિયા કરીશું. આ ગામમાં ભોજો ભક્ત હતા તેમને સુખિયા કરી મૂક્યા. તે મૂર્તિ વિના બીજું દેખતા જ નહિ અને કહેતા જે, ‘મહારાજ વિના બીજાને માથું કેમ નમે?’ આ લોકમાંથી ઉદાસ થાય તેને દેહના ભાવ ટળી જાય છે ને એને દેશકાળના વિષમપણામાં ખસી નીકળવાની જરૂર નથી. મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય ત્યારે નાગ, વાઘ, જળ, અગ્નિ, માન, અપમાન, ગળ્યું, ચીકણું, તીખું, તમતમું એ આદિક વિષયમાત્રનો ભય ને રાગ સર્વે ટળી જાય છે એવો મૂર્તિનો પ્રતાપ છે.”
“જ્યારે આ ગામમાં પ્લેગ આવ્યો ત્યારે સર્વે લોકો ગામમાંથી નીકળીને બહાર જઈને રહ્યા ત્યારે ભોજો ભક્ત બોલ્યા જે, ‘ગુરુદેવ! આ લોક સર્વે કેમ ભાગી જાય છે?’”
“ત્યારે અમે કહ્યું જે, ‘પ્લેગ આવ્યો છે એ સારુ જાય છે.’”
“ત્યારે તે બોલ્યા જે, ‘એ તો શ્રીજીમહારાજે પોતાના ભક્ત ઉપર દયા કરીને સેવક મોકલ્યો છે, જે મારા ભક્તને કોઈકની પાસે સેવા કરાવવી પડે ને સેવા કરનાર ન હોય તો બહુ દુઃખી થાય; માટે સેવક મોકલીએ તે ચોવીસ કલાકમાં છૂટકો થઈ જાય. એમ જાણીને સેવક મોકલ્યો છે; તે સેવક પાસે સેવા કરાવતા નથી ને ભાગી જાય છે તે એ શું સમજતા હશે? માટે હું તો ગામમાં રહીશ.’”
“પછી અમે બોલ્યા જે, ‘ઠાકોરજીની મૂર્તિઓ અમારી વાડીમાં લઈ જઈશું તે તમે દર્શન વિના શી રીતે જમશો?’ ત્યારે ભોજો ભક્ત બોલ્યા જે, ‘તમે અહીં રહો ને ઠાકોરજીને પણ અહીં રાખો.’ પછી અમે કહ્યું જે, ‘અમને ગામધણી તથા હરિભક્ત સર્વે કહે છે કે તમે પણ અમારા ભેળા ચાલો; એટલે અમારે જાવું પડશે ને ઠાકોરજીને પણ લઈ જઈશું.’ ત્યારે તે કહે જે, ‘હું ત્યાં દર્શન કરી જઈશ.’ પછી અમે કહ્યું જે, ‘લોકો તમને દર્શન કરવા આવવા દેશે નહિ. માટે તમે ત્યાં ચાલો.’ ત્યારે તે કહે જે, ‘આ સેવકને મહારાજે મૂક્યો છે તેને ત્યાં મારી સેવામાં બોલાવો તો હું ત્યાં આવું.’”
“ત્યારે અમે કહ્યું જે, ‘ચાલો, આપણી વાડીએ બોલાવશું.’ પછી સર્વે ગયા. અને બીજે દિવસે ભોજા ભક્તે કહ્યું કે, ‘સેવક જતો રહેશે તો શું કરીશ? માટે બોલાવો.’ પછી અમે કહ્યું જે, ‘કાલે આવશે.’ પછી બીજે દિવસે તેમને ગાંઠ નીકળી તેથી રાજી થયા ને બોલ્યા જે ‘સેવકને લાવ્યા ખરા.’ પછી અમે કહ્યું જે, ‘તમારે કાંઈ જમવું છે?’”
“ત્યારે તેમણે કહ્યું જે, ‘શીરો જમવો છે.’ પછી અમે શીરો કરાવીને કેળના પત્રમાં લાવીને આપ્યો તે અર્ધો જમ્યા અને દેહ પડી ગયો. એવા પરિપક્વ જ્ઞાનવાળા ને વિદેહી હતા.”
“અમારે તો સર્વે જીવને મહાપ્રભુજી પાસે લઈ જવા છે; કેમ જે એક જીવને મહાપ્રભુજીની પાસે લઈ જઈએ તો જેટલું સુખ પ્રથમ આવતું હોય તેથી હજારગણું આપે. મોટાના આશીર્વાદથી મહારાજ પમાય છે. મહારાજના સુખમાં પહોંચ્યા કેડે નહાવું, ધોવું, ખાવું, પીવું, પૂજા એ આદિક કાંઈ ક્રિયા નથી. ત્યાં તો નવા નવા પ્રકારનાં સુખ આવે છે. તે મહારાજનું અને મુક્તનું ભેળું સુખ આવે છે. જેમ શીરામાં ઘી, ગોળ, ઘઉં, સાકર એ સર્વેના જુદા જુદા ભાવ જણાય છે; ને જેમ ખીચડીમાં તજ, લવિંગ, મીઠું એ આદિક જે જે વસ્તુ હોય તે સર્વેના જુદા જુદા ગુણ ને ભાવ જણાય છે; તેમ મહારાજના સુખના ને મુક્તના સુખના ભાવ જુદા જુદા જણાય છે.”
આટલી વાત કરીને પછી સર્વે મંદિરમાં આવ્યા ને ગોડી બોલ્યા ને આરતી થઈ. ।।૭૭।।