સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૦)) અમાસને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “પ્રથમ પ્રકરણના ૧લા વચનામૃતમાં ધર્મકુળને આશ્રિત થવાનું કહ્યું તે ધર્મકુળ તે શું જાણવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ધર્મકુળ એટલે ધર્મના પુત્ર શ્રીજીમહારાજ જાણવા અથવા જેને ધર્મ ને ભક્તિ બેય અતિશય દૃઢ હોય ને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેતા હોય એવા અનાદિમુક્ત જાણવા. તેમને આશ્રિત જે થાય તે બ્રહ્મમય દેહને પામે એટલે ભગવાનરૂપ થાય. જેને મોટાનો જોગ થાય છે તેને ‘છતી દેહે જ પુરુષોત્તમને પામી રહ્યો છું’ એમ રહે છે; પણ ‘મરીને મહારાજ પાસે જવું છે’ એમ નથી રહેતું; તે અંતર્દૃષ્ટિવાળો છે. જેને મોટાનો જોગ નથી તેને એમ રહે છે જે, ‘મને રથ-વિમાન લઈને તેડવા આવે એવું હું દેખું’; તે બહારદૃષ્ટિવાળો છે. મોટાને જોગે સાધનવાળાને પણ આ દેહે જ મહારાજનું દર્શન થાય એટલે દેહાદિક સર્વે વીસરી જાય ને મહારાજને તથા મુક્તને દેખે.” ।।૮૨।।