(સંવત ૧૯૮૩, ફાગણ વદ અમાસ) બાપાશ્રીએ સભામાં વાત કરી જે, “શ્રીજીમહારાજના અનાદિ મહામુક્ત છે તે તો પોતે સુખિયા છે ને અનેક જીવોને મૂર્તિના સુખે સુખિયા કરે છે. તે જો પરમ એકાંતિક થાય તો મહારાજ તથા અનાદિ તેને અનુભવજ્ઞાનથી ખેંચીને મૂર્તિમાં રાખે છે. એવા મુક્તની સ્થિતિ જે જાણે તે જ તેમને ઓળખે, પણ સ્થિતિ જાણ્યા વિના ઓળખાય નહિ. તે જો એવા મુક્તથી આવી પરભાવની વિદ્યા ભણે તો બધાય શબ્દ પરભાવમાં લઈ જાય. વચનામૃતના શબ્દ સર્વે પરભાવના છે; એકેય ઓરા નથી, ઠેઠ મૂર્તિના શબ્દ છે. આ સંતમંડળનાં કમળ ખીલી રહ્યાં છે. તે સર્વેની નજર એ કારણ મૂર્તિ સામી છે. તેથી જેટલું રાજાનું રાજ્ય તેટલું રાણીનું રાજ્ય.”
“આ તો તમને બહુ જ મોટા મળ્યા છે. માટે મૂર્તિમાં રસબસ રહેજો ને સુખમાં ઝીલજો. આ સભાનાં જે જાણે-અજાણે દર્શન કરે તેનો પણ આત્યંતિક મોક્ષ થઈ જાય; એવી આ દિવ્ય સભા છે. અમે તો એ જ ભલામણ કરીએ છીએ કે મહારાજને તથા મોટાને સદાય પ્રત્યક્ષ જાણીને સૌ આજ્ઞા પાળજો અને આમ ને આમ સદાય મૂર્તિનાં સુખ ભોગવજો. આ લોકમાં પ્રકૃતિના કાર્યમાં કાંઈ જોયા જેવું નથી. મહારાજ અને આ સભા એ બે જ કલ્યાણકારી છે, માટે મહારાજના અનાદિ મહામુક્તનો વિશ્વાસ રાખીને પોતાનું પૂરું કરી લેવું. તમને આ ટાણું ભારે મળી ગયું.”
“સદ્ગુરુઓ બેય સુખદાઈ છે. સત્સંગમાં અનેક જીવને મહારાજના સુખે સુખિયા કરવા દેશોદેશમાં ફરીને ન્યાલ કરે છે. મને પણ એ ખેંચી લાવ્યા. મારે શરીરે ઠીક નહોતું તે ઠીક થઈ ગયું. અહીંના હરિભક્તોનાં હેત પણ એવાં. લાલુભાઈ, હીરાભાઈ, અમીચંદભાઈ આદિ નાના-મોટા સર્વેની એક જ રુચિ. રાત-દિવસ મહારાજની મૂર્તિના સુખનું જ તાન. આ નાના નાના હરિભક્તો છે તે પણ સર્વે વચનમાં વર્તે છે. અમને આવા હરિભક્તોને જોઈને બહુ રાજીપો થાય છે. બ્રાહ્મણમાં માસ્તર પ્રભાશંકરભાઈ જેવા ઉત્તમ હરિભક્ત છે એ સર્વે શ્રીજીમહારાજનો પ્રતાપ. નાનાં છોકરાંઓ તો જાણે પૂર્વના સંસ્કારી અહીં આવ્યા હોય ને શું? તેમ એ પણ આવી દિવ્ય સભાને જોગે સુખિયા થઈ ગયા. સાંખ્યયોગી બાઈઓએ પણ સત્સંગ બહુ સાચવ્યો છે.”
“કરાંચી જેવા શહેરમાં હજારો હરિભક્તો તથા બાઈઓનો સમૂહ દેખાય એ બધો મહારાજનો પ્રતાપ છે. શ્રીજીમહારાજે આવા દેશને પાવન કર્યો તેથી આ શહેરમાં ભારે ધામ થયું. અક્ષરધામ ને આવા સ્થાનની એકતા છે. આ સભા સર્વે દિવ્ય છે, મધ્યે મહારાજ તેજોમય બિરાજે છે; એવો સદાય દિવ્યભાવ રાખવો. અમે તો શ્રીજીમહારાજના સંકલ્પથી જીવોને મૂર્તિનું સુખ પમાડીએ છીએ.”
પછી લાલુભાઈ સામું જોઈને બોલ્યા જે, “લાલુભાઈ! તમે આ સત્સંગરૂપ બગીચો ભારે ખિલાવ્યો છે.”
ત્યારે લાલુભાઈએ કહ્યું જે, “બાપા! એ બધો આપનો પ્રતાપ છે.” પછી મહાદેવભાઈને કહ્યું જે, “તમે પણ બહુ લાભ આપ્યો.”
ત્યારે મહાદેવભાઈ બોલ્યા જે, “બાપા! આપ તો મહાસમર્થ છો. શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ પમાડવા ગામોગામ ફરી સૌને સુખિયા કરો છો. કરાંચીના હરિભક્તો ઉપર આપની બહુ દયા છે તેથી અમો મોટાં ભાગ્યવાળા છીએ. ક્યાં મહારાજ! અને ક્યાં આપના જેવા મહાસમર્થ મુક્તો! અમને તો આ વખતે આપે ન્યાલ કરી મૂક્યા છે.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ સર્વે શ્રીજીમહારાજની દયા છે.” એમ કહી આસને પધાર્યા.
ત્યાં લાલુભાઈ, હીરાભાઈ, હરિભાઈ તથા સોમચંદભાઈએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “બાપા! આપે અમને દયા કરી પોતાના જાણ્યા છે તેથી અમો સર્વે કૃતાર્થ થયા છીએ. આ વખતે સદ્ગુરુઓને સાથે લાવીને આપશ્રીએ દર્શન સેવા-સમાગમનું બહુ સુખ આપ્યું. તથા શ્રીજીમહારાજના અદ્ભુત પ્રતાપની, અનાદિમુક્તની સ્થિતિની અને તેમની જીવો ઉપર અપાર દયાની નવીન નવીન ઘણી વાતો કરી તેથી સર્વ નાના-મોટા હરિભક્તો સુખિયા થઈ ગયા છે. વળી આવી જ રીતે વારેવારે અમને પોતાના જાણી સુખિયા કરજો.”
ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આવું ને આવું હેત સૌ મહાપથારી સુધી રાખજો. અમે તો જીવોને શ્રીજીમહારાજના સુખે સુખિયા કરીએ છીએ, અમારે બીજું કાંઈ કામ નથી. અહીં સદ્ગુરુ આદિ સંતો હજી રોકાશે.” એમ કહીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમો બે દિવસ વધુ રહી હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરીને સુખિયા કરજો.”
ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, “બાપા! જેમ આ વખતે સાંવલદાસભાઈ તેડવા આવ્યા ને આપ પધાર્યા તેમ જ્યારે જ્યારે હરિભક્તો તેડાવે ત્યારે પધારવા કૃપા કરશો એમ આ હરિભક્તો પ્રાર્થના કરે છે.”
ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! હવે અમારો દેહ ખમતો નથી ને જ્યાં જઈએ ત્યાં હરિભક્તોના હેતને છેડો નહિ, તેથી હવે તો એવો વિચાર થાય છે જે વૃષપુરમાં રહીશું ને મૂર્તિના સુખમાં આનંદ કરીશું. જો જવાય તો અડખે પડખે ગામ હોય ત્યાં જવાય અને ભુજમાં ઠાકોરજીનાં દર્શને તો જવું જ પડે. પણ હવે અવસ્થાના ભાવ જણાય છે તેથી હિંમત ચાલતી નથી.”
એમ કહીને બોલ્યા જે, “સ્વામી! હવે અમારી વતી સત્સંગમાં તમે ફરજો. અમે ઘણું ફર્યા, અમારાથી થયું એટલું બધુંય કર્યું. હવે શ્રીજીમહારાજ રાખશે તેમ રહીશું. અમે આવા સંત-હરિભક્તોના હેતને લીધે સૌને મૂર્તિનાં સુખ પમાડવા તથા શ્રીજીમહારાજને રાજી કરવા બની તે સેવા કરી.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! અમો આપની પાસેથી દેશમાં જવા નીકળ્યા ત્યારે આપે ઉદાસી જણાવી હતી તથા બીજી વાર જ્યારે કચ્છમાંથી ગુજરાતમાં ગયા ત્યારે પણ ચાલતી વખતે અમને ઘણાં મર્મનાં વચનો કહ્યાં હતાં ને આજ વળી આમ બોલો છો તે આપે શું કરવા ધાર્યું છે? આપ કહો છો કે અમારી વતી તમે સત્સંગમાં ફરજો એ વચન અમને બહુ મૂંઝવે છે.”
ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! આપણે તો અખંડ ભેગા જ છીએ ને ભેગા રહીશું. હું તમને મૂંઝવું એવો નથી. તમે કેવા સમર્થ છો તે બધુંય હું જાણું છું. તમે તો મારાં સુખ-દુઃખના ભાગિયા છો. આજ દિવસ સુધી મેં જે જે વચનો કહ્યાં હશે તે પ્રમાણે જ તમે કર્યું છે. ક્યારેય દેહનાં સુખ-દુઃખ સામું જોયું નથી. તમારો ઠરાવ શ્રીજીમહારાજ તથા અમને રાજી કરવાનો છે. બીજું તમારે કાંઈ ખપતું નથી. એ વાત મારી અજાણી નથી. તમે અમારે અર્થે દરિયા જંઘીને ઘણીવાર આવ્યા છો એ બધું હું ભૂલી જાઉં એવો નથી.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “બાપા! કચ્છમાંથી આસો માસમાં અમે ગુજરાતમાં ગયા ત્યારે જે જે મર્મવચનો આપે કહેલ તે તો અમને ઘણાં ખટકતાં હતાં. તે આ ફેરે કરાંચીમાં અતિ ઉમંગભર્યા દર્શનથી, અદ્ભુત ચમત્કારી વાતોથી અને મૂર્તિની પ્રતિષ્ઠા વખતે તથા બીજા ઘણાક પ્રસંગોએ અતિ પ્રસન્નતા જણાવેલ હોવાથી એ બધું ભુલાઈ જાય તેવું થયું હતું તે પાછું આ ટાણે તાજું કરી દીધું. તેથી આપને અમે બીજું શું કહીએ? અમે તો એટલું માગીએ છીએ કે અમને ક્યારેય જુદા ન રાખશો.”
ત્યારે બાપાશ્રી વળી એ મર્મવચનોને ભુલાવવા બોલ્યા જે, “સ્વામી! તમે જોજો તો ખરા. આપણે કચ્છમાં મોટો યજ્ઞ કરશું ને સાજોય સત્સંગ તેડાવશું. કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞ કરી સંત-હરિભક્તોને જમાડી-રમાડી મૂર્તિનાં સુખ પમાડી સૌના મનોરથ પૂરા કરીશું. અમે તો મહારાજની મૂર્તિમાં રહીએ છીએ; ક્યારેય જુદા પડતા નથી. તમને પણ એવી જ રીતે રાખ્યા છે અને હેતવાળા સર્વને મૂર્તિમાં રાખશું. અમે આજ સુધી એ એક જ કામ કર્યું છે. ન સમજતા હોય તે ગમે તેમ ધારે, ગમે તેમ બોલે, પણ આપણે તો જીવોને સુખિયા કરવા છે. તમે પણ કોઈ વાતે મૂંઝાશો નહિ. અમને હવે અવસ્થાના ભાવ જણાય છે, તેથી કહીએ છીએ જે આમ દરિયા ઊતરીને ક્યાંથી અવાય? તમો તો બધે ઠેકાણે ફરી વળો એવા સમર્થ છો. તેથી સત્સંગમાં ગામોગામ ફરીને શ્રીજીમહારાજના સુખની વાતો કરો છો; માટે સર્વેને મૂર્તિના સુખે સુખિયા કરજો એમ કહીએ છીએ.”
પછી સ્વામીશ્રીનો હાથ ઝાલીને બોલ્યા જે, “સ્વામી! આ હું ખરું કહું છું.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ જાણ્યું જે, “બાપાશ્રી આજ પધારવાના છે ને મને આવી વાત કરી. આ ત્રણ-ચાર હરિભક્તો વિના બીજા કોઈ આ વાત જાણશે તો ઉદાસ થાશે.”
તેથી પોતે સાથે કચ્છમાં જવા પ્રાર્થના કરી જે, “બાપા! અમે આપની સાથે કચ્છમાં આવીએ?”
ત્યારે બાપાશ્રી કહે, “તમને તો સદાય અમારી સાથે ને સાથે રાખ્યા છે. અમે યજ્ઞ કરીએ ત્યારે તમે જ્યાં હો ત્યાંથી ઊડીને આવજો. તે વખતે તમારું ગમે તેવું કામ હોય તોય મૂકી દેજો. અમે નક્કી યજ્ઞ કરશું.”
પછી લાલુભાઈ, હરિભાઈ આદિ પાસે બેઠેલા હરિભક્તોને પણ એમ કહ્યું જે, “જેમ પર્વતભાઈના સેવક સાત્ત્વિક યજ્ઞમાં રહી ગયા હતા તેમ તમે કોઈ રહી જશો નહિ. જ્યારે કંકોત્રી આવે ત્યારે સૌ હેતવાળા યજ્ઞમાં આવી પહોંચજો.”
તે વખતે લાલુભાઈ તથા હરિભાઈ આદિકે સ્વામી ઈશ્વરચરણદાસજીને પ્રાર્થના કરીને કહ્યું જે, “સ્વામી! બાપાશ્રી આમ કેમ બોલે છે? એમણે શું ધાર્યું છે તે તો આપ જાણતા હશો.”
ત્યારે સ્વામીએ કહ્યું જે, “બાપાશ્રીએ આજ આવાં વચન કહ્યાં અને અમે જ્યારે કચ્છમાંથી ગુજરાતમાં આવ્યા ત્યારે ચાલતી વખતે જે જે વચનો કહ્યાં હતાં તે ઉપરથી સમજી શકાતું નથી કે બાપાશ્રીએ હવે શું કરવા ધાર્યું છે. વળી એમ પણ કહે છે કે, ‘મોટો યજ્ઞ કરશું, બધોય સત્સંગ તેડાવશું, તમે ઊડીને આવજો.’ એવાં એવાં વચનથી એમની મરજીની કાંઈ ખબર પડતી નથી.”
તે વખતે લાલુભાઈએ પૂછ્યું જે, “સ્વામી! કચ્છમાંથી આપ જ્યારે ગુજરાત પધાર્યા ત્યારે બાપાશ્રી એવું શું બોલ્યા હતા?”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “અમે કચ્છમાં બે માસ રહીને જ્યારે ચાલવા રજા માગી ત્યારે ચંદન-પુષ્પથી બાપાશ્રીની સૌ સંતોએ પૂજા કરી, ત્યારે બાપાશ્રીએ પણ સૌ સંતોને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા. પછી સૌના માથે હાથ મૂકી એમ બોલ્યા જે, ‘સંતો! આ વખતે ચંદન-પુષ્પથી પૂજા થઈ તેને સંભારી રાખજો. આ સભા ને આ પૂજા તેને જે કોઈ સંભારશે તેના ઘાટ-સંકલ્પ ટળી જશે.’”
“પછી મને કહ્યું જે, ‘તમો સર્વે અમારા છો, અમારું મંડળ છો તે સદાય ભેળા રહેજો, પણ કોઈ દિવસ અમારું મંડળ વિખાય નહિ. જો તમારી મરજી હોય તો ચાર દિવસ રહો કે દસ દિવસ રહો અને મરજી ન હોય તો આજ કે કાલ જાઓ, પણ સૌ મૂર્તિમાં રહેજો. આપણે જુદા નથી. મૂર્તિમાં રસબસ ભેગા જ છીએ માટે કોઈ અધિકાર કે વ્યવહારમાં ચિત્ત રાખશો નહિ. સદાય આમ ને આમ મૂર્તિમાં રહેજો. અમે રાજી છીએ. તમને અમે તેડાવીએ ત્યારે આકાશમાર્ગે ઊડીને આવી પહોંચજો. કેમ તમે વિમાન જેવા ખરા કે નહિ? અવાશે કે કેમ?’”
“પછી પોતે જ બોલ્યા જે, ‘એ બિચારું વિમાન તે શું? તમે તો બધેય પહોંચી જાઓ એવા છો.’ પછી એમ કહ્યું જે, ‘સંતો! રહો તો આંખ-માથા ઉપર ને ન રહો તો સદાય મૂર્તિમાં રહેજો. એ મૂર્તિ દિવ્ય તેજોમય છે, કારણ છે, અપાર છે, તેનો કોઈ પાર પામી શકે તેવું નથી.’ એમ કહી સંતોને સુખડીની પ્રસાદી વહેંચીને બાથમાં ચાંપી અતિ હેત જણાવી મળ્યા. પછી મને બે-ત્રણ વખત મળીને બોલ્યા જે, ‘સ્વામી! હવે આમ કેટલુંક મળાશે? તમો સર્વે સંતો મને પ્રાણ જેવા વહાલા છો.’ એમ કહેતાં બાપાશ્રીનાં નેત્રમાંથી પ્રેમનાં આસું વહ્યાં તે વખતે સંતો તથા હરિભક્તો સૌનાં હૈયાં ભરાઈ આવ્યાં.”
“પછી બાપાશ્રીએ મને કહ્યું જે, ‘સ્વામી! મોડું થાય છે, માટે ગાડે બેસી જાઓ.’ એમ આજ્ઞા કરી જેથી કોઈ બોલી શક્યા નહિ ને કાંઈ સૂઝે નહિ જે શું કરવું? પછી વળી એમ કહ્યું જે, ‘સંતો! તમે અમારું ખાધાનું ઠામણું ભાંગીને ચાલ્યા.’ એમ બોલતાં બહુ ઉદાસી જણાવી તેથી કોઈને ત્યાંથી જવાનું મન જ ન થાય. તે વખતે મેં કહ્યું જે, ‘બાપા! આપની મરજી હોય તો હું પાછો વળું, મને અહીંથી જવું સારું લાગતું નથી.’ તે વખતે બાપાશ્રી ફરીવાર બોલ્યા જે, ‘તમને આ ફેરે જવા દેવા નહોતા, પણ હવે થયું, તમે સૌ ભેળા જાઓ એ ઠીક ગણાય. જુદા પાડીએ તે ઠીક નહિ, પણ તમને અમે તેડાવીએ ત્યારે તરત આવજો.’ આવાં વચનોથી મને કોઈ રીતે જવા ઇચ્છા ન હતી, પણ આજ્ઞા થવાથી શું કરવું?”
“પછી બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક તથા મહિમાવાળા હરિભક્તોને તે વખતે મેં ભલામણ કરી જે, ‘તમો બાપાશ્રીની સેવા મન, કર્મ, વચને કરજો. આ દિવ્ય મૂર્તિના પ્રતાપે અનંત જીવો મહારાજની મૂર્તિમાં સહેજે પહોંચે છે. આ સમે તમારાં બહુ મોટાં ભાગ્ય છે. આવા મોટાને ઓળખવા તેથી કોઈ મોટું સાધન નથી. એમની સેવા ભેગી મહારાજની સેવા થાય છે; માટે બને તેટલી સેવા કરજો.’”
“એમ ભલામણ કરી અમે ગુજરાતમાં ગયા હતા. તોપણ એ મર્મવચનો વીસરતાં નહિ. તે આ વખતે બાપાશ્રી અહીં પંદર દિવસ રહ્યા તેમાં અતિ કૃપા કરી સૌને જ્ઞાનામૃતનો એવો તો મહારસ પાન કરાવ્યો કે સર્વત્ર દિવ્યભાવ વર્તાઈ રહ્યો. પણ આવાં મર્મવચનોથી વળી ઉદ્વેગ થયો.”
એવાં વચન સાંભળી લાલુભાઈ, હરિભાઈ આદિ સૌ વિચારમાં પડ્યા. તેમને સ્વામી ઈશ્વરચરણદાસજીએ ધીરજ આપીને કહ્યું કે, “તમે બીજા હરિભક્તોને આ વાત જણાવી ઉદ્વેગ કરાવશો નહિ. બાપાશ્રી તો મહાસમર્થ છે, અતિ દયાળું છે. તેથી તે જેમ રાજી થાય તેમ આપણે રાજી રહેવું. આ વખતે બાપાશ્રીએ મને આવાં વચનો કહ્યાં તે વાત સંતો તથા હરિભક્તોના જાણવામાં આવે તો જેમ પંદર દિવસ સુધી સૌ મૂર્તિના સુખનો આનંદ લઈ રહ્યા છે તેમ જ સૌને આવાં વચનોથી ઉદ્વેગ થાય માટે તમો કાંઈ મનમાં લાવશો નહિ, અને બીજા હરિભક્તોને આ વાત જણાવશો નહિ.”
એ રીતે સ્વામીશ્રીની આજ્ઞા થવાથી બીજા કોઈને આ વાત જણાવી નહિ. ત્યાર પછી બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા મંદિર પર આવ્યા તે વખતે ઠાકોરજીના સેવકે બાપાશ્રીને ગુલાબનો હાર પહેરાવ્યો.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બ્રહ્મચારી મહારાજ! તમે તો ભગવાનના હજૂરી તે તમારી પાકી મજૂરી.” એમ કહીને તેમના પર પ્રસન્નતા જણાવી સભામાં પધાર્યા. ।।૧૦૮।।