સંવત ૧૯૮૩ના કારતક વદ-૧ને રોજ સવારે ચાર વાગ્યા ટાણે બાપાશ્રી નાહી, પૂજા કરી ઢોલિયા ઉપર બેઠા હતા અને સંત-હરિભક્તો સેવા કરતા હતા.
તે સમયે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આવી સેવા કોઈને મળતી નથી. આ સેવા ને આ વસ્તુ તમને મળી છે તેથી તમારા જેવાં કોઈનાં ભાગ્ય નથી. આ સેવા દિવ્ય છે. બીજા ઘણા જાડા ને બળવાન ને વીશ ગાઉ ચાલી શકે તેવા હોય, કેટલાક મોટા મોટા ઉત્સવ, સમૈયા ને યજ્ઞ કરે એવાય હોય, પણ આ સેવા વિના બધુંય કાર્ય છે ને વાચ્યાર્થ છે. જો લક્ષ્યાર્થ હોય તો શ્રીજીમહારાજ કાંકરિયે ચોરાસી કરીને શું કરવા ચાલી નીસરે? માટે કાર્યમાં શાંતિ નથી. શ્રીજીમહારાજ ગણેશધોળકા જઈને રહ્યા ત્યારે શાંતિ થઈ. મૂર્તિમાં શાંતિ છે, બીજે શાંતિ નથી. માટે મૂર્તિમાં અખંડ જોડાઈ રહેવું. આપણે તો એ કારણ મૂર્તિનું જ કામ છે. તમે કારણને ઓળખીને તે સેવા કરો છો. ‘તમે છો કારણના કારણ જીવન જાણું છું.’ એમ મહારાજ ને મુક્ત બે કારણ છે.”
પછી આશાભાઈની પ્રશંસા કરીને કહ્યું જે, “જેમ પર્વતભાઈના સેવક રાજાભાઈ હતા, તેમ આ અમારો રાજોભાઈ છે.”
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જેઃ- “આત્મા તો મૂર્તિમાં રહ્યો છે અને દેખાવ તો શ્રીજીમહારાજનો છે, ત્યારે કોઈ દંડવત કરે તે તો મહારાજને કરે છે તેને આપણાથી ‘રાખો’ એમ કેમ કહેવાય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે ગઢડા ગયા હતા તે કોઠારમાં રહેલા એક અધિકારી આસને બેઠા હતા. ત્યાં સાધુ આવ્યા ને દંડવત કરીને થાકી ગયા તોપણ ‘રાખો’ એમ તે ન બોલ્યા; એટલે સાધુએ થાકીને પડ્યા મૂક્યા; એમ ન કરવું. ‘રાખો’ એમ તો કહેવું. એ રૂઢિ મૂકી દેવી નહિ. મૂર્તિમાં રસબસ રહેવું. આ સેવા-સમાગમ જેવું કોઈ સાધન નથી. અતિ મોટાં ભાગ્યવાળાને આવી સેવા મળે છે.”
એમ કહીને સર્વેને માથે હાથ મૂકીને બોલ્યા જે, “હવે તમે જશો ત્યારે અમને આવા સાધુ ક્યાંથી મળશે! આવા સાધુ કોઈ બ્રહ્માંડમાં નથી.” એમ સંતો ઉપર અતિ પ્રસન્નતા જણાવી. ।।૧૨।।