સંવત ૧૯૮૪ના કારતક વદ-૭ને રોજ સભામાં નારાયણપુરવાળા ખીમજીભાઈ ‘આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે’ એ કીર્તન બોલ્યા.
પછી બાપાશ્રીએ સભામાં વાત કરી જે, “આ સમયે તો જ્યારથી મહારાજ પ્રગટ થયા ત્યારથી શરદ ૠતુ બેઠી છે તે આનંદના ફુવારા છૂટ્યા કરે છે. તેથી આવા જોગમાં જીવ બહુ સુખિયા થાય છે. જે જોઈએ તે આ સભામાં છે. મહારાજના સુખનો જેને અનુભવ થયો હોય તેને બીજું કાંઈ નજરમાં જ આવે નહિ.”
તે ઉપર વાત કરી જે, “અ.મુ. સદ્. સ્વરૂપાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી દેશમાં ફરવા ગયા, પણ ક્યાંય મૂર્તિ વિના મનુષ્ય દેખ્યાં નહિ. તેમ આપણે પણ મહારાજ તથા આવી દિવ્ય સભા વિના બીજે ક્યાંય મનુષ્ય નથી એમ જાણી મૂર્તિમાં વળગી પડવું. આ સભામાં મનુષ્યભાવ પરઠી અવળા સંકલ્પ કરે તેને ઘણો વાંધો આવી જાય છે.”
તે ઉપર વાત કરી જે, “જય-વિજય ભગવાનના ધામને દરવાજે હતા, પણ પોતાને માને કરીને ખબર ન રહી, તેથી સનકાદિકનું અપમાન કર્યું. પછી શ્રાપ થયો એટલે ત્રણ જન્મ અસુરભાવે ભજન કર્યું, ત્યાં સુધી દ્રોહનું ફળ ભોગવવું પડ્યું. માટે ભગવાનના ભક્તનો દ્રોહ કરે તેની આસુરી મતિ થઈ જાય છે, તેથી એ માર્ગે ચાલવું જ નહિ. આ સભામાં મહારાજ તથા અનાદિ બિરાજે છે. આ તો અક્ષરધામની સભા છે એવો દિવ્યભાવ રાખવો. હેત ને વિશ્વાસ લાવીને મોટા મુક્તનો બહુ મહિમા જાણે તો કામ ભારે થઈ જાય.”
“જો આપણે એક ભગવાનની મૂર્તિ રાખીએ તો આવરણ સર્વે ટળી જાય ને સુખિયા થવાય. ઘણાક જીવ મુમુક્ષુ, એકાંતિક તથા પરમ એકાંતિક થાય છે. તેને પહેલું પૃથ્વીનું આવરણ ટળે છે તેની આપણને ખબર કેમ પડે? તો જ્યારે કોઈ ફૂલનો હાર સારો-નરસો પહેરાવે ત્યારે ખબર પડી જાય. બીજું આવરણ રસનું છે તે જો ઇંદ્રિયો રસમાં લેવાય તો તેમાં તણાણો કહેવાય. એવી રીતે બીજાં બધાંય આવરણની વાત જાણવી. આપણે તો ગરજુ થઈને આજ્ઞા પ્રમાણે વર્તવું; તેટલું જ કરવાનું છે.”
તે ઉપર વાત કરી જે, “એક વાણિયાને લાખ રૂપિયાની ખોટ ગઈ. પછી લેણાવાળાએ રૂપિયા માગ્યા, પણ તે ક્યાંથી આપે? ત્યારે તે શાહુકારે એક હજાર રૂપિયા માગ્યા ને કહ્યું જે, ‘એટલા રૂપિયા આપ તો બધું દેણું માંડી વાળું.’ ત્યારે તે વાણિયો કહે જે, ‘મારી પાસે કાંઈ નથી તે હું ક્યાંથી આપું?’ પછી તો તે શાહુકારે કહ્યું જે, ‘એક સો રૂપિયા આપ એટલે થયું.’ પણ તે કહે જે, ‘મારી પાસે કાંઈ નથી.’ ત્યારે લેણાવાળાએ કહ્યું જે, ‘હું કહું તેમ કર. તું મારા ઘરના દરવાજે બેસ ને જે કોઈ માગવા આવે તેને સદાવ્રત આપ અને કૂતરાં, ગધેડાં આદિકને ઘરમાં પેસવા ન દેવાં, એટલું કર તો તારું સર્વ દેણું માંડી વાળું.’ પછી તેણે તેમ કર્યું.”
“આપણે પણ જાણપણારૂપ દરવાજે રહેવું અને સદાવ્રત જે શ્રીજીનું જ્ઞાન તે સર્વેને આપવું. અને કૂતરાં-ગધેડાંની પેઠે નબળા દોષ કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર આદિક તેમને જીવમાં પેસવા દેવા નહિ, તો સર્વ દેણું વળી જાય એટલે પાપ નાશ પામે; અને એમ કરે તો જ ધણીની મરજી સાચવી કહેવાય. આપણે શ્રીજીના કહેવાણા માટે તુચ્છ જેવા દોષ ફજેત કરે નહિ તે જાળવવું અને મહારાજ તથા મોટા મુક્તને રાજી કરી પોતાનું પૂરું કરી લેવું.” ।।૧૨૩।।