વૃષપુરના મંદિરની મેડીનું કામ ચાલતું હતું, ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી ભુજ ગયા હતા. તે સંવત ૧૯૮૪ના માગશર માસમાં વૃષપુર બાપાશ્રીનાં દર્શને આવેલા, સાથે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈ આવ્યા હતા.
તે સર્વેને બાપાશ્રી મળ્યા ને કહ્યું જે, “અમારે તો હમણાં મંદિરની મેડીનું કામ ચાલે છે તેથી હરિભક્તો સવાર-સાંજ કામમાં પડ્યા હોય છે. રાત્રે થાક્યા હોય તેથી કથા-વાર્તા ટાણે પતાવી લઈએ છીએ.”
એમ કહી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને પાણી મંગાવીને પાયું. પછી બાપાશ્રી ખુરશી પર ચોકમાં બેઠેલા ને હરિભક્તો કામ કરતા હતા. તેમની બાપાશ્રીએ પ્રશંસા કરી કે, “નાના-મોટા સૌ હરિભક્તોને સેવા કરવાની તાણ સારી છે. વાડીઓનાં કામકાજ મેલીને સૌ દાખડા કરે છે. મંદિરના કામમાં સંત-હરિભક્તો સૌને સરખી તાણ ને હોંશ છે. કેમ જે આ સેવાથી શ્રીજીમહારાજ રાજી થશે, એમ એ બધા જાણે છે.”
એમ કહી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને કહ્યું જે, “મોટા મોટા નંદ સદ્ગુરુઓ તથા હરિભક્તોએ આવાં મંદિર તૈયાર કરી દીધાં છે તેથી આપણે કાંઈ કરવું રહ્યું નથી. એમના દાખડા બહુ જબરા. ગામોગામ નાનાં-મોટાં મંદિર તથા મોટાં ધામ પણ જબરાં બાંધ્યાં, દિવ્ય શાસ્ત્રો કર્યાં, મોટા મોટા મુક્તો લાવ્યા; એવી શ્રીજીમહારાજે જીવો ઉપર ઘણી દયા કરી છે. હવે તો એ મૂર્તિને મુખ્ય રાખીને પોતાનું પૂરું કરી લેવું.”
પછી પુરાણી કેશવપ્રિયદાસજી આવ્યા. ત્યારે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને કહ્યું જે, “આ પુરાણી શ્રીજીમહારાજને સુખે સુખિયા છે. અર્જુને મચ્છ વેંધવા એક વૃત્તિ કરી હતી તેમ મૂર્તિ આકારે વૃત્તિ તેમણે કરી મેલી છે.”
“જેને મૂર્તિના સુખનો મહિમા સમજાય તેને બીજાં સુખ કચરા જેવાં થઈ જાય છે. આપણને તો મૂર્તિની પ્રાપ્તિનો લાભ જબરો મળ્યો છે, પણ જો સમજણ ન હોય તો અફસોસ મટે નહિ. આપણે હવે મહારાજ તથા મોટા અનાદિને ખરેખરા જીવનરૂપ કરી રાખવા; કેમ કે તે થકી આપણું આત્યંતિક મોક્ષરૂપ કામ થાય છે. મોટા મુક્ત દયા કરીને હિંમત આપે છે ત્યારે કસરમાત્ર ટળી જાય છે તેથી જીવમાં તત્કાળ બળ આવે છે. એમના રાજીપા વિના કારણ શરીર નાશ પામે નહિ. મોટા અનાદિ તો મહારાજના સંકલ્પ ભેગો સંકલ્પ મેળવીને અનેક જીવને સુખિયા કરી મૂકે છે. તેની જીવને શું ખબર પડે! સાધનદશાવાળાને મૂર્તિના સુખની પ્રાપ્તિ થઈ હોય તોપણ બીજી ક્રિયામાં તેને વિક્ષેપ થઈ જાય અને મોટા મુક્તને તો શ્રીજીમહારાજની પેઠે કોઈ વિક્ષેપ છે જ નહિ. એવા સ્વતંત્ર મુક્તની વાત જુદી છે. માટે એમને રાજી કરવા, મહિમા જાણી જોગ કરવો.”
“શ્રીજીમહારાજે કેવળ કરુણા કરી પોતાના અનાદિમુક્તોએ સહિત આ લોકમાં દર્શન આપ્યાં. એ કેવડી દયા! નહિ તો લાખ વરસ ઊંધે માથે વાયુ ભક્ષણ કરીને તપ કરે તોય એમનાં દર્શન ન થાય એવા મોંઘા છે. મહારાજ તથા મોટા મુક્તનાં દર્શન થયાં હોય, વાયરો અડ્યો હોય, અથવા બે શબ્દ જીવમાં પડી ગયા હોય તોય બહુ બળ આવે છે. ઝાડ, પહાડ, વૃક્ષ, વેલી આદિ જે જે તેમની દૃષ્ટિએ પડે તેનાં પણ ધન્ય ભાગ્ય. આપણે તો બહુ ભારે ટાણું આવી ગયું છે, માટે અખંડ સોહાગી થવું. જીવ માયાને આધીન થઈને સુષુપ્તિમાં જાય છે, પણ જો અંતર્વૃત્તિ કરીને મૂર્તિમાં ઉપશમ કરે તો સુખિયો થઈ જાય. આવો જોગ ને આ સુખ ખોળ્યું પણ જડશે નહિ, માટે લક્ષ્યાર્થ કરવો અને આવી વાત એકબીજાને કહેવી. આ જોગ અત્યારે બહુ સુગમ છે, પણ અગમ થાય તો પસ્તાવો ઘણો થાય. માટે કથા, વાર્તા, ધ્યાન, ભજન કરીને મૂર્તિમાં જોડાવું.”
“સર્વે સારનું સાર શ્રીજીમહારાજની મૂર્તિ છે. આવી વાતો કરતાં કરતાં જીવમાં સાક્ષાત્કાર થઈ જાય. મોટા અનાદિના શબ્દ તો બહુ ચમત્કારી હોય, તેથી એવા શબ્દ જીવમાં જેમ જેમ ઊતરતાં જાય તેમ તેમ સુખ, સામર્થી ને પ્રકાશ વધતાં જાય; માટે તેમના જોગ-સમાગમની, રાજીપાની ને સેવાની ગરજ રાખવી. મોટા તો મૂર્તિના સુખમાં જ રમ્યા કરે છે ને મૂર્તિમાં રહ્યા થકા મહારાજના સંકલ્પે દેખાય છે. તેથી એવા મોટા, મહારાજનો જેવો છે તેવો મહિમા સમજાવે તો સુખ લેવાની ગતિ વધારે થાય. મોટાની દૃષ્ટિમાં તથા રાજીપામાં જે આવ્યા હોય તે કેમ ઓળખાય? તો એ મૂર્તિ વિના રહી શકે નહિ. એ તો કથા, વાર્તા, ધ્યાન, ભજન કર્યા કરે. એની દરેક વાતમાં મૂર્તિનું મુખ્યપણું આવતું હોય. સત્સંગમાં સૌ તેનું પ્રમાણ કરે ત્યારે જાણવું જે આના ઉપર મોટાનો રાજીપો છે.”
પછી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “બાપા! આપે અમને પોતાના જાણ્યા છે, તેમ સદાય કૃપાદૃષ્ટિ રાખજો.”
ત્યારે બાપાશ્રી પુરાણી કેશવપ્રિયદાસજીને માથે હાથ મૂકીને બોલ્યા જે, “આવા સાધુને સેવજો, આ સાધુ ખરા છે. કારણ મૂર્તિને વળગી પડ્યા છે અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજી જેવા નિર્ગુણ છે. તેને મારું-તારું નથી, હર્ષ-શોક નથી, તેમ કોઈ પ્રકારનો મમત્વ નથી. અમારા સારુ અમદાવાદથી અહીં આવીને બેઠા છે. અમે પણ આવા સાધુને અખંડ સંભારીએ છીએ.”
એમ કહી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને બાપાશ્રી મળ્યા ને કહ્યું જે, “આ મેડીનું કામ પૂરું થયે હવે અમારે એક મોટો યજ્ઞ કરવો છે એમ અમે સદ્ગુરુઓને કહ્યું છે; તે ચૈત્ર માસમાં જરૂર કરશું.”
ત્યારે ભોગીલાલભાઈ કહે, “બાપા! આપ તો સદાય એ જ કરો છો અને એવો સંકલ્પ કરશો તો તે પણ થશે.”
એમ કહી તે બન્ને ભુજ ગયા, અને પુરાણી કેશવપ્રિયદાસજી પણ બે દિવસ રહી પછી ભુજ ગયા. બીજા સંત-હરિભક્તો દર્શને આવે ને જાય તે સર્વને કથાપ્રસંગે બાપાશ્રી વાતો કરે. એમ મેડીનું કામ પૂરું થયું ત્યાં સુધી બાપાશ્રી પણ સવારે કથા-વાર્તા કરી કામ કરનારા પાસે સવારે તથા સાંજના આવી બેસે, જે જે સેવાઓ કરતા તેના પર ઘણો રાજીપો બતાવી પ્રસાદીઓ આપે, રાત્રે સભામાં વાતો કરે, એમ મહા વદમાં લગભગ કામ પૂરું થઈ રહ્યું. ।।૧૨૫।।