એક વખત સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજની મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે. આ તો ‘અમૃતના સિંધુ ઊલટ્યા રે, રંગડાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી રે’ એવું છે. આ યજ્ઞમાં મહારાજ અનંત મુક્ત સાથે દર્શન દઈ સૌને સુખિયા કરે છે તેથી સર્વેને આનંદ આનંદ વર્તે છે. સવારમાં ચાર વાગ્યાથી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ થઈ રહે છે. કૂવા પર એ નામના જ ઉચ્ચાર થાય છે. મંદિરમાં તથા ઓસરીમાં અને ચોકમાં પૂજા કરવાની જગ્યા રહેતી નથી. કેટલાક હરિભક્તો વાડીઓમાં નાહી પૂજા કરી આવે છે. કથા વખતે મંદિર, ઓસરી ને ચોકમાં હરિભક્તો સમાતા નથી. કથાની સમાપ્તિ થાય છે ત્યારે કીર્તન બોલાય છે. ચોઘડિયાં વાગે ત્યારે તો જાણે આકાશમાર્ગે દુંદુભિના તથા જય જયના નાદ થતા હોય તેમ જણાય છે. રાત્રે, પ્રભાતે કેટલાક ચમત્કાર થાય છે.”
“કંઈકને મહારાજ જાગ્રત તથા સ્વપ્નમાં દર્શન દે છે. તે કેવી રીતે? તો શ્રીજીમહારાજ જાણે સભામાં બિરાજતા હોય, કથા થતી હોય, માણકીએ ચડી પંક્તિમાં દર્શન દેવા પધારતા હોય, ઉઘાડે શરીરે બેઠેલા, ચંદનની ભાલમાં આડે સહિત તથા ગુલાબ કે મોગરાના હારથી ગરકાવ એવા અને ક્યારેક ચોકમાં ચંદની નીચે પોઢેલા એવા જુદા જુદા પ્રકારે સંતો તથા હરિભક્તોને દર્શન થાય છે. એ દર્શનની સભામાં આવીને કેટલાક વાતો કરે છે. એવી મહારાજે આ યજ્ઞમાં દયા વાપરી છે. આ સાયલાના ચુનીલાલભાઈને સભામાં બેઠા હતા ત્યારે મહારાજે સામા ઢોલિયા પર બેઠેલા એવાં દર્શન આપ્યાં હતાં.”
“આ કરાંચીના લાલુભાઈને પૂછી જુઓ. તે સવારમાં અમે પૂજા કરતા હતા ત્યારે આવીને એમ કહેવા લાગ્યા જે, ‘બાપા! આજ તો શ્રીજીમહારાજ સભામાં ગાદી-તકિયા પર સોનેરી વસ્ત્રોએ સહિત બિરાજેલા હતા, અને તે મૂર્તિમાંથી તેજની સેડ્યો નીકળતી હતી. સભા સર્વે તેજોમય. મહારાજ સભા સામું જોઈ મંદમંદ હસતા હતા. મને પાસે બોલાવીને મારા માથા પર હાથ મૂક્યા. તે વખતે મહારાજે કંઠમાં મોટો ગુલાબનો હાર પહેરેલો હતો તે હારમાં બહુ સુગંધ હતી. સભામાં સંતો તથા હરિભક્તો મહારાજની સામે જોઈ રહ્યા હતા.’
“એવી રીતે આ યજ્ઞમાં શ્રીજીમહારાજે અપાર દયા કરી છે તેથી સહુ સુખિયા છે. તમે સંતો રાત ને દિવસ ઉજાગરા કરો છો. ભુજના, આ ગામોના તથા દેશોદેશના હરિભક્તો આવી ગયા છે એ સર્વેને આનંદ આનંદ થઈ રહ્યો છે. નાગજીભાઈ તથા ભૂરાભાઈ જેવા ઉત્તમ સ્થિતિવાળા તે તો મૂર્તિના સુખને ઢાંકીને વર્તે એવા છે. તમે સંતો પણ કોઈને જણાવો નહિ, પણ આ લાલુભાઈ જેવા તો અમારા વિશ્વાસી તેથી અમને કહે અને આનંદમાં ને આનંદમાં કોઈ સંત-હરિભક્તને પણ કહે.”
“આ માલણિયાદના હરિભક્તો તથા મેડા, મણિપરા, જોશીપરા આદિ ગામોના હરિભક્તો આ યજ્ઞમાં ખબડદાર થઈને બહુ જ સેવા કરે છે. બધાય મહેનતુ અને મહિમાવાળા છે. મુળીના યજ્ઞમાં પણ એ બધા શીરાના હોજ ઉપર હતા. તેમાં પણ ચતુરભાઈ જેવા તે તો સ્થિતિવાળા ને સુખિયા, પણ કોઈને જણાવે નહિ. સરાવાળા મનસુખભાઈ તથા જામનગરના રતિલાલભાઈ જેવા તો કાને સાંભળે ઓછું, પણ હેત બહુ ભારે. ભુજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, વાલજીભાઈ, નાનાલાલભાઈ, લાલશંકરભાઈ, મોતીભાઈ, તેમના દીકરા તથા વિઠ્ઠલજીભાઈ આદિક બળિયા બહુ છે. કરાંચીનો સંઘ તો બધોયે વિશ્વાસી, નાના-મોટા સહુ વચનમાં વર્તનારા. આ દેશના હરિભક્ત પણ મહિમા જાણી સેવા ઘણી કરે છે. સૌને મહારાજના રાજીપાની તાણ છે.”
“અમે પણ તેમનાં હેત જોઈને ઘણા રાજી થઈએ છીએ. આ ફેરે અમને એમ જ થયું જે સંત-હરિભક્તોને તેડાવીને કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞ કરી સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા. અમારે બીજું કાંઈ કામ નથી, એ એક જ કામ છે. કેટલાક આવી વાત નથી સમજતા તે આ ટાણે રહી જાય છે. તેને આવો લાભ મળવો દુર્લભ છે. આ તો જેમ સમુદ્રમાં વેળ આવે છે તે જે કાંઈ વસ્તુ માંહી આવે તેને સમુદ્રમાં ખેંચી જાય છે તેમ અમારે તો આવા જોગમાં જે જે આવે તેને મૂર્તિમાં ખેંચી લેવા છે. મહારાજે આ સમે પાત્ર-કુપાત્ર જોયા નથી. મહારાજના અનાદિ મહામુક્તનો ઠરાવ પણ એવો જ છે. એમની દૃષ્ટિમાં મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. તમો સંતો સર્વે એ જ કામ કરો છો, પણ તમે તમારી સામર્થી ઢાંકીને વર્તો છો તે બીજા કોણ જાણી શકે! પણ મહારાજની કૃપાએ અમે તો જાણી જઈએ છીએ. અમને તો એમ છે જે કોઈ હાથ જોડે તેટલામાં ન્યાલ કરી મૂકીએ એટલે મૂર્તિના સુખમાં પહોંચાડી દઈએ, પણ જીવો અનાદિકાળના અજ્ઞાને કરીને ભૂલેલા છે તથા માયામાં પરાધીન જેવા થઈ રહ્યા છે તેથી આવા દિવ્ય સુખની એ બિચારાને શી ખબર પડે!” ।।૧૩૭।।