સંવત ૧૯૮૪ના વૈશાખ સુદ-૪ને રોજ શ્રી વૃષપુરના મંદિરમાં સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ભુજની ધર્મશાળા કરાવી ત્યારે દરબારી જગ્યામાં પાયો ખોદાવ્યો અને બોલ્યા જે, ‘એ જગ્યા આપણને આવશે.’ પછી સ્વામીશ્રીના કહ્યા પ્રમાણે દરબારશ્રીએ તે જગ્યા આપી; એવા વચનસિદ્ધ હતા. તેમના પ્રતાપથી એ હવેલી થઈ. તે વખતે સ્વામી અક્ષરજીવનદાસજી જેવા મોટા હતા તે સ્વામી નિર્ગુણદાસજીનો મહિમા જાણતા. આજ તો એકબીજાને કહેવે જાણે, પણ મહિમા ન મળે.”
પછી એમ વાત કરી જે, “અમે પુરાણી શ્રીકૃષ્ણદાસજીને ચાર મહિના સુધી છાના ખાવાનું પહોંચાડતા. દિવસના એ પાન્યમાં સંતાઈ રહેતા અને રાત્રિએ આપણી છત્રી પાસે દહેરી છે તેમાં સૂઈ રહેતા; એવાં દુઃખ સાધુ થવા સારુ સહન કર્યા છે. એવા વૈરાગ્યવાન થવું જોઈએ. પૂર્વાશ્રમમાં એનો બાપ પ્રેમજી હતો તે કહેતો જે, ‘મારો ભીમજી જો હાથ આવે તો માર કાઢું’, પણ તેને હાથ આવવા દીધા નહીં. અને કાગળ લખીને, એક ઝાલાવાડનો બ્રાહ્મણ અહીં આવ્યો હતો તેની સાથે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી પાસે મોકલ્યા અને ખરચી સારુ એંસી કોરી આપી. પછી તેમણે વઢવાણ પાસે રામપરામાં સ્વામી હતા ત્યાં જઈને કાગળ આપ્યો. કાગળ વાંચીને સ્વામીશ્રી તેમના પર રાજી થયા ને સાધુ કરીને ભણાવ્યા તે પુરાણી થયા.”
“તેમને બાર વર્ષ થઈ ગયાં ત્યારે પ્રેમજીએ અમને કહ્યું જે, ‘મારા ભીમજીનાં દર્શન કરાવો તો તમને ઈનામ આપું.’ ત્યારે અમે બોલ્યા જે, ‘અમારે તારું ઈનામ ખપતું નથી, પણ તને દર્શન કરાવશું.’ પછી અમે સ્વામીશ્રીને કાગળ લખ્યો જે, ‘શ્રીકૃષ્ણદાસજીને સાથે લઈને કચ્છમાં પધારશો.’ ત્યારે સ્વામીશ્રી અમારો કાગળ વાંચીને મંડળે સહિત ભુજ આવ્યા એટલે અમે પ્રેમજીને ભુજ લઈ જઈને શ્રીકૃષ્ણદાસજીને બતાવ્યા. તેના સામું જોઈને કહે જે, ‘આ નહિ, આ તો બહુ જાડા છે. મારો ભીમજી તો પાતળો હતો.’ પછી એના ગળામાં રસોળી કપાવી હતી તેનું ચિહ્ન હતું તે બતાવ્યું. ત્યારે કહ્યું જે, ‘હા, હવે ખરા.’ તે વખતે અમે તેને કહ્યું જે, ‘એમને તું ધોતિયું ઓઢાડ.’ ત્યારે તે કહે જે, ‘ના, એક ચોટ તો ખૂબ માર કાઢું.’ એમ બોલ્યો. પણ અમે આગળથી નાયબ દીવાન માધવલાલભાઈ ઠાસરાવાળાને સિપાઈઓ સાથે લઈને સભામાં બેસાર્યા હતા. તેમણે તેને ધમકી દીધી જે, ‘જો તું મારીશ તો તને બેડિયું પહેરાવી દઈશ.’ એમ કહ્યું તેથી તે દબાઈ ગયો અને ધોતિયું ઓઢાડ્યું.”
“તેમને તથા યોગેશ્વરદાસજીને સ્વામીશ્રી પાસે મોકલ્યા હતા, તેથી ભુજવાળા કૃષ્ણચરણદાસજીએ કહ્યું જે, ‘તમે આ દેશમાંથી સાધુને અમદાવાદ સ્વામીશ્રીની પાસે કેમ મોકલો છો?’ ત્યારે અમે કહ્યું જે, ‘સ્વામીએ તમને સભામંડપ કરી આપ્યો તે વખત તમારી પાસે બે સાધુ માગ્યા હતા. ત્યારે તમે કહ્યું હતું જે, ‘આ સાધુમાંથી બે લઈ જાઓ.’ પછી સ્વામીશ્રીએ કહ્યું જે, ‘એવા નહિ, અમારે તો નવા સાધુ કરી તેમને ભણાવીએ એવા જોઈએ.’ તેથી અમે મોકલ્યા છે.’ પછી તે કાંઈ બોલ્યા નહિ.”
“અને બીજા ગોવિંદપ્રિયદાસ તે પણ અહીંના હતા. તે જ્યારે ઘેર હતા ત્યારે તેમને ભુજના મંદિરમાંથી એનો બાપ ઊંધે માથે ઊંટિયાને કાઠે લટકાવીને મેઘપુર પટેલિયા પાસે લઈ ગયો ને બધી વાત કરી તેથી પટેલિયે તેને બાંધીને પાંટિયા પાસે તાજેણા મરાવ્યા. પછી શ્રીજીમહારાજે કોઈ કુસંગી દ્વારે કહેવરાવ્યું જે, ‘તમે આવા અન્યાય કરો છો ને કોઈની બીક મનમાં રાખતા નથી, પણ આવાં કામ કરતાં બધાય જેલમાં જશો તે વિચારજો.’ એ વાત સાંભળીને તેને મારતાં અટક્યા ને છોડી મૂક્યા. એવી રીતે શ્રીજીમહારાજે તેની રક્ષા કરી.”
“તેમની પાસે પૂજા હતી તે આપણા કાનજીભાઈના સસરા શામજી ભક્ત હતા તે દર્શન કરાવીને પાછા લઈ લેતા. પછી એક દિવસે ઘરામાંથી મૂર્તિઓ કાઢી લઈને કહ્યું જે, ‘આ લો, પૂજા રાખો.’ ત્યારે શામજી ભક્તે પૂજા રાખી અને ગોવિંદપ્રિયદાસજી જતા રહ્યા તે બીજે દિવસે પૂજા જોઈ ત્યારે ઘરામાં મૂર્તિઓ ન મળે. ખાલી ઘરા જોઈને કહ્યું જે, ‘આ તો લકડે કા ભારા છે; ભગવાન તો જતા રહ્યા છે.’ પછી તેનો બાપ બોલ્યો જે, ‘હવે હાથ આવે તો બાંધીને આ કૂવામાં લટકાવી મૂકું અને કાં તો પગ ભાંગી નાખું તે ક્યાંય જઈ શકે નહિ. તેવી તેને ઉપાધી હતી. તેમને પણ અમે સંતાડી છાના રાખતા ને ઘસિયો-સુખડી ખાવા આપી આવતા. એમ કરી કરીને સાધુ કર્યા છે. એવાં કામ અમે કરતા.” પછી એમ બોલ્યા જે, “તમે અમારા છો તે આવા ઉપકારી થાજો.”
પછી સાંજના સભામાં પ્રથમ પ્રકરણનું ૫૬મું વચનામૃત વંચાતું હતું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિનું સુખ અને મૂર્તિના સુખભોક્તાનો મહિમા સમજે તો કલ્પેકલ્પ વીતી જાય તોપણ સુખ આવતું જ રહે. એમાંથી પૂરું થવાય જ નહિ. પકવાન્ન જમતાં પૂર્ણ થવાય, પણ મૂર્તિના સુખમાંથી પૂર્ણ ન થવાય. એ સુખ તો માંહી ને માંહી ભોગવે તેથી આનંદ આનંદ રહ્યા કરે. મૂર્તિનો ખરેખરો દિવ્યભાવ વર્તે એ જ સુખ જાણવું.” ।।૧૪૩।।