સંવત ૧૯૮૪ના જેઠ વદ-૬ને રોજ માધાપુરના મંદિરમાં સભામાં લોયાનું ૧૩મું વચનામૃત વંચાતું હતું.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આમાં મહારાજે કહ્યું છે તે પ્રમાણે સર્વેને કરવાનું છે; પણ કાર્યમાં તાન છે જેથી કારણમાં જીવ બેસે નહિ. તપ કરી કરીને થાકી જાય, પણ જો આવી વાત હાથ ન આવે તો મોક્ષમાં ખામી રહી જાય. માલ તો મળ્યો છે, પણ ભોગવે તો કામ થાય એટલે મૂર્તિમાં જોડાય તો સુખ આવે.”
પછી દેવરાજભાઈએ પૂછ્યું જે, “બાપા! સમાધિમાં અને દેહ મૂક્યા પછી મૂર્તિનું સુખ યથાર્થ આવે એમ વચનામૃતમાં કહ્યું છે તેનું કેમ સમજવું?”
ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “સમાધિ કરતાં અખંડ સ્મૃતિ શ્રેષ્ઠ છે. સમાધિ બે પ્રકારની છેઃ સકામ અને નિષ્કામ. ભૂત, ભવિષ્ય ને વર્તમાન તથા અગમ-નિગમ જાણવાની ઇચ્છા રહે એ સકામ માર્ગ. રવજીભાઈની પેઠે તે સત્સંગમાંથી પાડે. અ.મુ. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામી જેવા મોટાને મહારાજની મૂર્તિ સિવાય કાંઈ ઇચ્છા જ નહિ ને અખંડ મૂર્તિમાં જ રહે, જે નિષ્કામ માર્ગ છે. તે સિદ્ધદશાવાળા કહેવાય.”
એમ કહીને બોલ્યા જે, “આ જીવને દેહનું આવરણ બહુ મોટું છે. તે દેહને જ્ઞાને કરીને ખોટો કરી નાખવો, નહિ તો સુખ આવવા દે તેવો નથી. એ દેહ જડ છે તોય જીવને છેતરી જાય છે અને ચાળાચૂંથણો પણ છે. તે અહીં બેઠા રામપુર કે વૃષપુર પહોંચી જાય. માટે એને નાશવંત ને દુઃખરૂપ જાણી દેહરૂપે વર્તવું નહિ. મહારાજ તથા મોટા મુક્તનું જ્ઞાન જેને થાય તેને તો અખંડ સ્મૃતિ રહે; મૂર્તિ ભુલાય નહિ. ક્યાં ભગવાન ને ક્યાં તેમના લાડીલા મુક્ત! ને ક્યાં જીવ! આ તો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. જેને મૂર્તિનું સુખ આવે તથા મોટા મુક્તનો મહિમા સમજાય તેને આનંદ આનંદ થઈ જાય, માટે સાંખ્ય ને યોગ એ બેય સિદ્ધ કરવા. જનક વિદેહી જેવું જ્ઞાન થાય તો અર્ધા શરીરને ચંદન ચર્ચે ને અર્ધા શરીરને તલવારથી કાપે એ સરખું થાય; કેમ જે મૂર્તિના સુખમાં પહોંચ્યા પછી તેને કોઈ વાતની અપેક્ષા રહેતી નથી.”
પછી લાલશંકરભાઈએ પૂછ્યું જે, “બાપા! મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કેમ કરવી?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “દેહ ને દેહના સગાં-સબંધી સાથે છે તેમ કરવી. આ અગાસી જો હમણાં પડે તો બધાય ભાગે; એવું કામ છે. આપણે તો શ્રી પુરુષોત્તમરૂપ થઈને પુરુષોત્તમને ભજવા. શ્રીજીમહારાજ કહે છે કે, ‘દેવ જેવો થઈને દેવની પૂજા કરે તો તેની પૂજા દેવ અંગીકાર કરે.’”
તે વખતે ધનજીભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! સત્પુરુષની આપેલી બુદ્ધિએ કરીને જેવી આવડે તેવી આત્મબુદ્ધિ કરવી છે, તોપણ જેમ છે તેમ મહિમા નથી સમજાતો અને સુખ નથી આવતું તે કૃપા કરો.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આમ ને આમ કરતાં થઈ જશે. વચનામૃત તો મનવાર જેવાં છે. શ્રીમુખનાં વચન છે તેથી કોઈ રહી જાય નહિ, પણ જીવને આવો મહિમા નહિ તેથી પૈસા રોડરોડ (ભેળા) કરે, પણ આ ન થાય. આપણે ઘેર ભારે સુખ છે. મહારાજ તથા આવા મુક્ત મળ્યા તોપણ વ્યવહારમાં ડૂબી પડ્યા હોય તે કેવી સમજણ! કેમ રામજીભાઈ! આ અમે વાત કરીએ છીએ તે સાચી હશે કે નહિ?” ત્યારે રામજીભાઈ કહે, “બાપા! એમ જ.”
પછી વળી બાપાશ્રી બોલ્યા જે, “જુઓને! આવા સર્વોપરી મહારાજ મળ્યા, આવા અનાદિમુક્ત મળ્યા, આવા સંત મળ્યા, તોય ઓળખાય નહિ. તેવાને શું લાભ! શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી.’ તે અવતાર આ સમજવા. પૂર્વે આવાં કલ્યાણ થયાં નથી. આજ તો અનંતનાં સહેજે આત્યંતિક કલ્યાણ થાય છે. પણ જીવમાં અજ્ઞાન છે તેથી મનાય નહિ. આ સંત-હરિભક્ત સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે.”
પછી દેવરાજભાઈએ પૂછ્યું જે, “બાપા! બ્રહ્મને તો નિરાકાર કહે છે તે કેમ સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ દેહનો ભાવ ટાળી ક્ષર- અક્ષરથી પર શ્રીજીમહારાજની મૂર્તિના તેજરૂપ થઈને મૂર્તિમાં જોડાઈ જવું. જેમ વાયુ આકાશમાં ચોંટી જાય છે તેમ. જુઓ તો ખરા! આપણે ઘેર કેવાં રત્ન પડ્યાં છે! અરે વાહ રે વાહ! ‘જાણે જીવ, ઈશ્વર, માયાના મર્મને રે, રટે બ્રહ્મ થઈને પરિબ્રહ્મને રે.’ આમ ને આમ જોગ કરતાં, મૂર્તિમાં વૃત્તિ રાખતાં, પુરુષોત્તમરૂપ થઈ જવાશે. કેમ દેવરાજભાઈ! આ લોકમાં એવા હશે કે નહિ હોય?” ત્યારે દેવરાજભાઈ કહે, “હા બાપા! શ્રીજીમહારાજે દયા કરી છે તે બધુંય અહીં છે.”
એવી રીતે અલૌકિક વાતો કરીને ગામમાં સૌ હરિભક્તોને દર્શનદાને સુખિયા કરતાં બાપાશ્રી કથાની સમાપ્તિ થયા પછી વૃષપુર પધાર્યા. ।।૧૫૧।।