(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧) પછી બાપાશ્રી ચાર વાગે ઠાકોરજીનાં દર્શન કરી આસને આવ્યા અને સર્વેને જય સ્વામિનારાયણ કર્યા.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! મહારાજની મૂર્તિના સુખભોક્તા મળે એટલે સાધન સમાપ્ત થતાં હશે કે કેમ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાધનની સમાપ્તિ ખરી, પણ ભગવાનના મહિમાની, ભગવાનની મૂર્તિની, ભગવાનના સુખની અને સુખભોક્તાની અવધિ જ નહિ. તે તો વધતું જ જાય, તેનો અંત નહિ. તે તો અપાર, અપાર ને અપાર જ સમજવું. શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્ત રહીને ક્ષણક્ષણ પ્રત્યે કોટાનકોટિ નવીન નવીન ઉત્પન્ન થતાં જે સુખ તેને ઉત્પન્ન થવાનાં સ્થાનક તેણે સહિત એકકાળાવિછિન્ન એ સર્વે સુખને જાણતાં થકા ભોગવે છે. તે મૂર્તિનો અને સુખનો પાર કોઈ પામી શકતા નથી, એવું એ મૂર્તિનું અકળપણું છે. તેમ પોતે ભોક્તાપણે સર્વેને જાણતાં થકા એક સાથે જ સર્વ સુખને ભોગવે છે. એ મૂર્તિને વિષે અસાધારણ સ્નેહ હોય તે ખરું સુખ કહેવાય ને આનંદ પણ તે જ કહેવાય.”
“મહારાજ અને અનાદિમુક્તનું સ્વરૂપ તો સદા ભેગું જ છે. જુદાપણું છે ખરું, કેવી રીતે? તો મુક્ત ભોક્તા છે અને પુરુષોત્તમ દાતા છે, મુક્ત દાસ છે અને પુરુષોત્તમ સ્વામી છે; તેમ પુરુષોત્તમના અને અનાદિમુક્તના સામર્થ્યમાં ને સુખમાં ફેર છે. પુરુષોત્તમના સાધર્મ્યપણાને તો એવા અનંત મુક્ત પુરુષોત્તમની કૃપાએ કરીને પામ્યા છે, તોપણ પુરુષોત્તમના સુખનો કોઈ પાર પામી શકતા નથી. અપાર ને અપાર સદા રહ્યા કરે છે અને નિત્ય ક્ષણક્ષણ પ્રત્યે અધિક અધિક અપાર ને અપાર સુખ વધતું જ જાય છે, તેનો અંત જ આવતો નથી; એવા પુરુષોત્તમ ભગવાન છે.”
એમ વાત કરતા હતા ત્યાં મગનભાઈએ આવીને ફૂલનો હાર પહેરાવ્યો ને દંડવત કર્યા. ત્યારે તેના માથે હાથ મૂકીને બોલ્યા જે, “આ સભા દિવ્ય છે. મહારાજ અને મોટા મુક્ત જ્યાં વિચરતા હોય ત્યાં બહુ ભારે કામ થાય છે; આટલા હારથી પણ બહુ મોટું કામ થઈ જાય. આ સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ દર્શન દે છે, સેવા અંગીકાર કરે છે; એવી અલૌકિક સભા છે. આ સંત-હરિભક્ત સર્વે શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા છે. તે મૂર્તિ દિવ્ય તેજોમય છે.”
પછી મગનભાઈએ સ્વામી ઈશ્વરચરણદાસજીને પૂછ્યું જે, “સ્વામી! મહારાજની મૂર્તિ કઈ ધારવી?”
ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! એ શું કહે છે?”
ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, “બાપા! એ કહે છે કે મૂર્તિ કઈ ધારવી?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તેજનો સમૂહ અધોઊર્ધ્વ પ્રમાણે રહિત ધારીને તેના મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિ બે ચક્ષુવાળી ગમે તે ધારવી. હિંડોળામાં ઊભી મૂર્તિ છે તે ધારો, અગર ઘનશ્યામ મહારાજની છે તે ધારો.”
પછી ગોવિંદભાઈએ પૂછ્યું જે, “તેજના મધ્યે તેજોમય મૂર્તિ છે એમ સમજણ રાખી ધ્યાન કરીએ તો?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એમ અટકળથી ગમે તેવી મૂર્તિ તેજમાં છે તેમ નહિ, પણ આકાર તો માંહી બે ચક્ષુવાળી મહારાજની મૂર્તિનો જ ધારવો. તે મૂર્તિમાંથી તેજની સેડ્યો છૂટે છે. જ્યારે ધ્યાન કરવા બેસવું ત્યારે મોટાને સાથે લેવા; એટલે મૂર્તિ ધારતાં કોઈ વિઘ્ન ન આવે તેવી સહાય માગવી; કેમ જે તેમનું જરૂર કામ પડે છે. બીજાં સાધન પ્રસન્નતાનાં કર્યા કરવાં, પણ મોટા મુક્તને દિવ્ય જાણી તેમની સેવા, સમાગમ ને જોગ કરવો. એ તો અવશ્ય કરવાનું છે.”
“ભગવાનના ભક્તને મહામુક્તના જોગ આગળ સાધન છે તે તો દાડિયું કર્યા જેવાં છે. મોટા અનાદિની તથા મહારાજની કૃપા મેળવીને મહારાજનું અહોનિશ ધ્યાન કરવું, તે તો મોટા રાજ્ય જીતવા જેવું છે. જીવ મહારાજના અને મોટા અનાદિના જોગમાં આવે છે તેનાં ભાગ્યનું વર્ણન કરી શકાય તેમ નથી. પણ આપણે સંપૂર્ણ પાત્ર થવાની જરૂર છે; કારણ કે શ્રીજીમહારાજની મૂર્તિનું સંપૂર્ણ સુખ ત્યારે જ ભોગવી શકાય છે. માટે મોટાનું માહાત્મ્ય જાણી મન, કર્મ, વચને જોગ કરવો અને પુરુષોત્તમરૂપ પાત્ર થાવું. પુરુષોત્તમની મૂર્તિ સંબંધી સુખ કેવું છે? તો બહુ અલભ્ય છે, બહુ આનંદ આપનારું છે, અતિશે અપરિમિત છે. પણ જીવ અલ્પજ્ઞ છે તેથી પાત્ર થયા વગર એ સુખ જેટલું મળે તેટલે કરીને સંપૂર્ણપણું માની બેસે. પછી તેને વૃદ્ધિ પામવું એ ઘણું કઠણ છે. કેની પેઠે? તો જેમ ક્ષુધાતુર મનુષ્યને પોતાના આહાર જેટલું ઉત્તમ ભોજન જમાણું પછી તેને કોઈ રીતે ક્ષુધા સંબંધી પીડા રહેતી નથી ને આનંદ વર્તે છે. તેમાં જેને અર્ધા શેરનો આહાર હોય તેને તેટલું મળે એટલે તૃપ્ત થઈને આનંદ માને છે, પણ વધારે જમવાની તેને રુચિ રહેતી નથી. અને જે વધારે આહાર કરનાર મોટા પાત્ર છે તે થોડું જમનારને કહે ને સમજાવે તોય તેને તે વાત સમજાતી નથી અને ઉપદેશની ગરજ પણ રહેતી નથી. કેમ કે તે પોતાના ગજા પ્રમાણે આહારમાં જ પૂર્ણપણું માની લે છે. માટે સંપૂર્ણ પાત્ર થવું જોઈએ અને સંપૂર્ણ પાત્ર થવાય તેવા મોટાનો જોગ કરવો જોઈએ.”
પછી કણભાવાળા આશાભાઈએ પૂછ્યું જે, “બાપા! શ્રીજીમહારાજની મૂર્તિમાં અતિ ઉત્તમ સ્થિતિને પામેલા જે મુક્તો તેને શ્રીજીમહારાજનું દાસપણું કેવી રીતે રહે છે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા અનાદિના જોગે કરીને મોટાના સરખું શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ જે ભક્ત પામે છે તેને એક મહારાજને વિષે જ દાસપણું રહે છે અને મહારાજની મૂર્તિમાં રહ્યો થકો એકકાળાવિછિન્ન એ મૂર્તિમાંથી અનંત ઉત્પન્ન થતાં નવીન નવીન સુખ તેને જાણતો થકો ભોગવે છે.”
પછી બોલ્યા જે, “એવા મોટા અનાદિમુક્તને વિષે જીવ જોડવો; કેમ કે તેમને તો એક શ્રીજીમહારાજની મૂર્તિ જ છે. જુઓને! જળને વિષે માછલાંને અસાધારણ સ્નેહ છે તે જળનો વિયોગ થાય તો પ્રાણનો ત્યાગ કરી દે, એવું જળને વિષે જીવનપણું માછલાંને છે. તેણે કરીને જળનો ગમે તેટલો બળવાન વેગ હોય તોપણ તે સામા પ્રવાહે ચાલે છે, પણ તે વેગે કરીને પરાભવ પામતાં નથી. સામા પૂરે કિલ્લોલ કરતાં ચાલે છે. માછલાંને જુઓ તો તેમાં કાંઈ એટલું બળ નથી અને દેહ પણ એટલો જબરો નથી જે જળના વેગને ઝીલી શકે, તોપણ તેને જળ સાથે જીવનપણું છે, એટલે તેને જળનું બળવાનપણું નડતું નથી.”
“બીજું, ગમે તેવું પદાર્થ, ઝાડ કે પર્વત વગેરેથી જળના પ્રવાહનો વેગ ઝીલી શકાતો નથી ને જળના મારથી ગમે તેવું ઝાડ હોય તે પણ ઊખડી પડે છે તથા પર્વત, પથ્થર વગેરેને પણ તોડી નાખે છે, અને હાથી આદિક મોટાં જાનવરો પણ તે જળના સામા પ્રવાહે ચાલી શકતાં નથી. નાની સરખી માછલી હોય તે પણ સુખેથી જળ સામે સામા પ્રવાહે ચાલે છે. તેમ માયામાંથી નીકળીને શ્રી પુરુષોત્તમ ભગવાનને પામવું તે જીવથી સાધને કરીને કે સમજણે કરીને પમાતું નથી. એ તો માછલાંને જેમ જળ એ જ જીવન છે તેમ જીવ જ્યારે અતિ મોટા પુરુષ જે અનાદિ મહામુક્ત હોય તેમને વિષે પોતાના જીવને જોડીને એકાત્મપણું કરે ત્યારે તે માયા તરીને શ્રી પુરુષોત્તમરૂપ થઈને પુરુષોત્તમ ભગવાનના સુખમાં રમે; તેમાં કાંઈ પણ કઠણ પડતું નથી. એ વિના તો પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સન્મુખ ચાલવાની સામર્થી કોઈથી પમાતી નથી. માટે એવા મહા સમર્થ અનાદિનો ખપ કરવો જોઈએ.”
“જેમ મહાસમુદ્ર રેલે છે તે સમે તેમાંથી જેટલું જેટલું જળ જેવું જેવું પાત્ર હોય તે તે પ્રમાણે લઈ લે છે. તે મીઠા મહાસમુદ્રના જળે કરીને અનંત પ્રકારના રસ મેવા પાકે છે; બાકીનું જળ પાછું સમુદ્રને વિષે લીન થઈ જાય છે. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિમાંથી અનંત અપાર સુખ ઉત્પન્ન થઈ મહા અનાદિમુક્ત દ્વારે સત્સંગમાં ફેલાય છે. તેના જેટલા જે અધિકારી પાત્ર હોય તેટલું સુખ તેમાં રહે છે. બાકીનું સુખ પાછું શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થઈ જાય છે, પણ તે મૂર્તિ વિના અધર પધર બીજે રહેતું નથી.”
“જેમ ખેડુ ખેતીની કોઈ પણ કળા જાણતો ન હોય અને ખેતરમાં સારી પેઠે ખેડ કર્યા કરી હોય ને તેમાં ઓચિંતો ખૂબ વરસાદ વરસે પછી તેમાં મોલ વાવે તે અતિ બળિયો થાય અને મોટાં મોટાં કણસલાં કાઢે છે; તેમ કાંઈ સમજાણું ન હોય અને વગર ખબરે અનાદિ મહામુક્તનો જોગ કરેલો હોય પછી તેને અંત વખતે મહા મોટા સુખની પ્રાપ્તિ થાય ને શ્રી પુરુષોત્તમને પામે છે.”
આ રીતે બાપાશ્રી વાતો કરતા હતા તે સમે ગાડીખાતામાં એક વૃદ્ધ બાઈને મંદવાડ બહુ થઈ ગયેલ હોવાથી તેણે કહેવરાવ્યું હતું કે હરિભક્તોએ સહિત બાપાશ્રી પધારે અને મને દર્શન દે તો મારો અંત સમો સુધરી જાય. તેથી લાલુભાઈ તથા મહાદેવભાઈએ વિનંતી કરી જે, “બાપા! એક બાઈ માંદા છે, તેને આપનાં દર્શનની ઇચ્છા છે તો આપ દયા કરી પધારશો?”
ત્યારે બાપાશ્રી કહે, “અમે અહીંના ભોમિયા નથી. તમે કહેતા હો તો ભલે. તમે પણ સાથે ચાલો.” એમ કહી બાપાશ્રી તે બાઈને ઘેર પધાર્યા. જય સ્વામિનારાયણ કહી આશીર્વાદ આપીને બોલ્યા જે, “બાઈ! તમે હિંમત રાખજો, મહારાજ સારું કરશે. આ ટાણે મૂર્તિ વિના કાંઈ સંભારવું નહિ. મહારાજની પોતાના આશ્રિત ઉપર બહુજ દયા છે. આપણે તેને ઘડીએ મૂકવા નહિ.” એમ ભલામણ કરી જય સ્વામિનારાયણ કહી પાછા મંદિરમાં પધાર્યા. ।।૩૨।।