(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૨) બપોરે મેડા ઉપર આસને બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “કોઈ હરિભક્તનો અવગુણ લેવો નહિ. અવગુણ જેવું જણાય તો સમાગમ કરવો નહિ. સમાગમ કરતાં અવગુણ આવે તો જેમ કાંકરી ઘડાને ફોડી નાખે તેમ આપણા જીવનું બગડી જાય. જેમ રાજાનો કુંવર ગાંડો-ઘેલો હોય તેને થપાટ મારીએ તો કેદમાં જાવું પડે તેમ થાય.”
“મહારાજ અને મુક્ત તથા આપણે સર્વે ભેળા જ છીએ, એક ક્ષણમાત્ર પણ દૂર નથી એવું જેને રહેતું હોય તેને પણ જ્ઞાનનો વધારો થવા માટે એવા મહામુક્ત પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યાં સુધી જોગ કરી લેવો. મોટાની અનુવૃત્તિમાં રહી પ્રસન્ન કરે તેનું કલ્યાણ થાય, એવા એ કૃપાસાધ્ય છે. મહારાજનો કે મોટાનો જોગ થયો એટલે સંપૂર્ણ માનવું. મહિમા અપાર છે અને કરવાનું પણ અપાર છે. મહારાજ તથા મોટાની સાથે જીવ જોડીને આજ્ઞા પાળવાથી પૂર્ણ થવાય; માટે મહારાજનાં વચન યથાર્થ પાળવાં. આપણને મહારાજ અને મોટા મળ્યા, હવે કોઈ વાતનો વાંધો રહે તેમ નથી. નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તોપણ નાશ થઈ જાય છે. શ્રીજીનો અને મોટાનો મહિમા બરાબર સમજાય તો પંચવિષય પ્રયાસ વિના જિતાઈ જાય. બાપની મિલકતના સર્વે સરખા ધણી છે. આવી રીતે સમજે તો કોઈનો અવગુણ ન આવે.”
“સમાગમ તો મોટાનો જ કરવો. ટિકિટ તો આપણે ઠેઠ મહારાજ પાસે જવાની લઈએ છીએ, પણ ફેર ન પડે તો ઠીક. મોટા મુક્તને વિષે મન, કર્મ, વચને બંધાઈએ તો તેમના જેવી સ્થિતિ થાય. માટે મોટા અનાદિને દિવ્યભાવે સંભારવા, તો મૂર્તિથી બહાર નીકળાય નહિ ને સાધર્મ્યપણું આવે. મહારાજને સજાતિ થાય ત્યારે સાધર્મ્યપણું કહેવાય.”
“એક હરિભક્તે દેહ મૂક્યો તેને મહારાજ તથા અનંત મુક્ત તેડવા આવ્યા, તે સર્વેમાંથી તેજ દેખાણું ત્યારે વિચાર્યું જે, ‘મહારાજ ક્યાં હશે!’ પછી તેજ સમાઈ ગયું અને મહારાજ જેવા હતા તેવા જણાણા એટલે મહારાજને તથા સર્વે મુક્તને ભાગવતી તનુએ મળ્યા અને સાષ્ટાંગ દંડવત કર્યા; એવું બીજા હરિભક્તને પ્રત્યક્ષ દર્શન થયું.”
“એક હરિભક્તને મહારાજ તેડવા આવ્યા ત્યારે તેમને એવું દેખાણું જે આખું બ્રહ્માંડ મુક્તથી ઠસાઠસ ભરાઈ રહ્યું છે અને વચ્ચે મહારાજ બિરાજમાન છે. પછી તેમને સંકલ્પ થયો જે, ‘મારે મહારાજ પાસે ક્યાં થઈને જવું?’ એટલે સર્વે મુક્ત મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. એમ મુક્ત મૂર્તિમાં રહે છે, તે મુક્ત સદા સાકાર છે. એવા મહામુક્તની કૃપાએ અંતર્વૃત્તિ થાય તો સત્સંગ બધો દિવ્ય જણાય.”
“આપણને ખરેખરો મુદ્દો મળ્યો છે, પણ બાળકની પેઠે અજાણમાં જાય છે. મહારાજની મૂર્તિથી મુક્ત જુદા નથી; જુદા સમજે તો નાસ્તિક ભાવ છે. મૂર્તિ તો સદાય એક સરખી જ છે, પણ મહિમાનું અપારપણું છે અને સુખ, પ્રકાશ, સામર્થીનું અપારપણું છે. તે હેતુ માટે મૂર્તિનું અપારપણું કહેવાય છે. મૂર્તિના તેજની કિરણો નીકળે છે તેને રોમ કહે છે. જેને મહારાજ ને મોટાને વિષે અનન્ય પ્રીતિ થાય તેને પ્રારબ્ધ બળી જાય છે અને કોઈપણ પ્રકારનું બંધન રહેતું નથી. એમ ન જાણવું જે મોટું પદાર્થ હોય તે જ જીવને બંધન કરે. એમ નથી; નાનું-મોટું સર્વે બંધન કરે છે. એમ જાણી મહારાજની અખંડ સ્મૃતિ રાખવી. અખંડ સ્મૃતિ તો પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન તુલ્ય છે અને એ બહુ કામ કરે છે.”
“આપણને તો સર્વદેશી મોટા પુરુષ મળ્યા છે, માટે મહારાજ તથા મોટા અનાદિમુક્તના મહિમાનું બીજ સર્વે વાતમાં લાવવું. અનાદિમુક્તમાં જીવ બાંધે તેને પોતાના જેવા દિવ્ય કરી મૂકે છે. જેને મોટા મુક્તનો જોગ ન થયો હોય તેને માયા ઘણી બળવાન જણાય છે, પણ મોટાના જોગમાં રહે તેને પરાભવ કરી શકે નહિ. મોટા તો સ્વતંત્ર હોય તે માયામાં પણ નિર્લેપ રહે, સ્વતંત્ર પ્રગટ થાય અને અનંત પતિત જીવોનો ઉદ્ધાર કરી નાખે એવું એમાં સામર્થ્ય છે. જેટલું મહારાજ જાણે, દેખે ને કરે તેટલું મોટા મુક્ત પણ કરે. એ માટે અનાદિમુક્તને વિષે પણ મહારાજના જેવો દિવ્યભાવ લાવવો. આવો સત્સંગ સમજાણો અને ખરા મોટા મળ્યા તેને બીજે તણાવું નહિ. મોટા અનાદિ અનંત કોટિ બ્રહ્માંડની ક્રિયાને હસ્તામળ દેખે છે અને અસંખ્ય જીવને વર્તમાન કાળે અક્ષરધામમાં મૂકી આવે છે. માટે સત્સંગમાં જ છે; ખોળવા જવું પડે તેમ નથી, પણ જીવને વિશ્વાસ આવતો નથી. જો મહિમા સમજે તો મહારાજનાં દર્શન જેવો જ અનાદિમુક્તનાં દર્શનનો લાભ છે. એવા મોટા મુક્ત મહારાજની સમૃદ્ધિ છે. શાસ્ત્રમાં જે કાંઈ વાત આવે તે મહારાજ તથા તેમના મુક્તના સંબંધને પમાડવી. મૂર્તિના સુખના ભોક્તા તો મુક્ત જ છે, પણ અક્ષરાદિક કોઈ અવતાર એ સુખને પામતા નથી. ગર્જના ભેળી વીજળી હોય તેમ મહારાજ ભેળા મુક્ત છે; તે અહીં પણ ભેળા જ છે.”
“શ્રીજીમહારાજ કેટલાક મુક્તોને સ્વતંત્ર રાખે ને કેટલાક મુક્તોને પરતંત્ર રાખે છે. પણ જેવા સ્વતંત્ર મુક્ત સમાસ કરે તેવો એ મુક્તથી ન થાય. એવી સ્વતંત્ર મુક્તમાં સત્તા રહી છે. જેમ પૃથ્વીમાં ચક્રવર્તી રાજાની સત્તા છે, તેમ સ્વતંત્ર મુક્તની સત્તા છે. માટે સ્વતંત્ર મુક્તનો જોગ મન, કર્મ, વચને કરે તો કાંઈ ખામી રહે નહિ.”
પછી એમ બોલ્યા જે, “આપણે મહારાજના પ્રસંગ વિનાની લૂખી વાત ક્યારે પણ કરવી નહિ. મહાપ્રભુના પ્રસંગ વિના અને સ્મૃતિ વિનાની વાતો તો સમુદ્રમાં પડ્યા જેવી છે, તે તો મરી જવાય. મહારાજના યથાર્થ નિશ્ચયવાળા મૂર્તિને સાક્ષાત્ દેખતા ન હોય, પણ એના શબ્દ મહારાજના સંબંધના હોય તે જીવને બહુ સમાસ કરે છે અને જેને જીવમાં ઊતરે તેને બ્રહ્મરૂપ કરી મૂકે છે, મુક્તરૂપ કરી મૂકે છે. તેના ઉપર મહારાજ અને મુક્ત બહુ પ્રસન્ન થાય છે.” ।।૩૬।।