સંવત ૧૯૮૩ના ફાગણ વદ-૪ને દિવસે સવારે પૂજા કર્યા પછી બાપાશ્રી સંત હરિભક્ત સર્વેને મળ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “સ્વામી! આ મળવું બહુ મોંઘું છે. આ તો અક્ષરધામમાં અનંત મુક્તે સહિત શ્રીજીમહારાજની પૂજાઓ થાય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ એવી આ દિવ્ય અલૌકિક સભા છે. આ સભાનો વાયરો જેને અડે તેનાં અનંત જન્મનાં પાપ બળી જાય છે. આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે. આવા મહારાજ, આવા તેમના અનાદિ, આવી દિવ્ય સભા અને આ વાતો સંભારજો; પણ ભૂલશો નહિ. આ બધુંય દિવ્ય છે તે જો અંત સમે સાંભરી આવે તો નિશ્ચે આત્યંતિક કલ્યાણ થાય. આપણે તો અહોનિશ મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું ને મૂર્તિમાં જોડાવું; ત્યારે મૂર્તિનું સુખ આવે, પણ પાત્ર થયા વિના એ સુખ ન આવે. માટે પાત્ર થાવું.”
પછી એમ બોલ્યા જે, “મહારાજ ને મોટા મુક્ત ખરેખરા ક્યારે મળ્યા કહેવાય? તો માન, મોટપ, રસાસ્વાદ એ આદિક સર્વે દોષ મૂકીને મૂર્તિમાં જોડાઈ જાય ત્યારે મળ્યા કહેવાય અને મોટાનો જોગ પણ ત્યારે થયો કહેવાય. મોટાનો જોગ કરીને બાળકિયા સ્વભાવ મૂકવા જોશે ને મહારાજની આજ્ઞા બરાબર પાળવી જોશે. ત્યાગીને અધર્મી શિષ્ય હોય તો શિષ્યનો ત્યાગ કરવો અને ગૃહસ્થને અધર્મી દીકરો હોય તો તે દીકરાનો ત્યાગ કરવો, પણ આજ્ઞામાં ફેર પાડવો નહિ.”
“ત્યાગીને જડ માયા જે દ્રવ્ય અને ચૈતન્ય માયા જે સ્ત્રી તેનો ક્યારેય જોગ થાવા દેવો નહિ. જો જોગ થાય તો કાળો સર્પ વળગ્યો જાણવો. તે જેમ સર્પ વળગીને પ્રાણ લે તેમ તે કલ્યાણના માર્ગથી પાડે. ગૃહસ્થને પણ તેવા સાધુનો ત્યાગ કરવો. સ્ત્રી-દ્રવ્યનો જોગ રાખતા હોય તેનો સંગ ક્યારેય ન કરવો. જીવના સ્વભાવ એવા છે જે શત્રુની વહારે ચડે. જેણે પોતાની લાજ લીધી હોય, કેદમાં નાંખ્યો હોય, માર્યો હોય ને તે શત્રુને કોઈક મારે ત્યારે કહેશે જે, ‘એને મારશો નહિ’ અને તેનો પક્ષ લે. માટે સંત અંતરશત્રુને ખોદે ત્યારે શત્રુની વહારે ચડવું નહિ. આ લોકમાંથી ને આ દેહમાંથી લૂખા થાવું.”
“પંચભૂતનો દેહ તો હાડકાની મેડી છે, તેને માંસનું લીંપણ કર્યું છે, ચર્મનો કળિચૂનો દીધો છે, માંહી પરુ, પાચ, રુધિર, વિષ્ટા આદિ મળ ભર્યા છે; અને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, રસાસ્વાદ, ઈર્ષ્યા, અહંકાર આદિક દોષરૂપી જાળું છે. જીવ તેવા દેહને મોહે કરીને સારો માને છે, પણ તેમાં સારું શું છે? સારું કાંઈ નથી. તે દેહને રાજી કરવા સારુ જીવ નાના પ્રકારની તૃષ્ણા કરે છે, તે તૃષ્ણાનો પાર આવે તેમ નથી.”
“સંતને પેટી, આસન, પૂજા, પ્રસાદીનાં પગલાં તે સર્વેની તૃષ્ણા મેલવી; નહિ તો લાજ ખોવરાવે. મન તો હરામજાદું છે. ‘ઝટકી ઝટકી જાત હે, લટકી લટકી વિષય ફળ ખાત.’ તે મૂર્તિમાંથી ઝટકી ઝટકીને ક્યાંય જાતું રહે છે અને લટકી લટકી વિષયરૂપી ફળ ખાય છે; માટે મનને પાછું વાળી મૂર્તિમાં જોડવું. તે મધ્ય પ્રકરણના ૨૩મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે જે, ‘સારા-નરસા વિષયના જોગે કરીને જેનું મન ટાઢું-ઊનું ન થાય તેને પરમ ભાગવત સંત જાણવા.’ તે સંત કોને કહીએ? તો જે શાંતિ કરે તે સંત કહેવાય, કલ્યાણ કરે તે સંત કહેવાય, અંત સમે તેડવા આવે તે સંત કહેવાય; તેવા સંત થાવું.”
“આ લોકના રાગ મેલવા. તે અમારાં છોકરાં કહે જે, ‘બાપા! તમારા સારુ ખાવા-પીવાનું આ કરીએ, તે કરીએ.’ ત્યારે હું કહું જે, ‘આ મને ગરમી કરે, આ ટાઢું પડે, આ વાયુ કરે’ એમ કહીને ત્યાગ કરી દઈએ અને બાજરાનો રોટલો ને મઠની ખીચડી તે વિના ફરે જ નહિ. તે અમારે કોઠીમાં બાજરો ભરે તોપણ આનંદ, જુવાર ભરે તોપણ આનંદ; ઘી, ગોળ, ઘઉં ભરે તોપણ સરખો આનંદ. તેમ કોઠી જેવો દેહ કરી મેલવો.”
“જે મૂર્તિમાં રસબસ જોડાઈ જાય તેને મૂર્તિ વિના બીજું સર્વે સુખ તૃણ જેવું થઈ જાય છે. આપણે કઈ વસ્તુ પામવી છે? તો શ્રીજીમહારાજ પામવા છે. માટે બીજામાંથી ટૂંકું કરવું જોશે, જરૂર કરવું જોશે; તે વગર છૂટકો નથી. આપણને મહારાજ કેવડા મળ્યા છે તે વિચારવું. જેમ મોટા ચક્રવર્તી રાજાને આ ગરીબ છે કે શાહુકાર છે તેવું કાંઈ નજરમાં નથી, માટે જોતા નથી; તેવી રીતે મહારાજનો ને મોટાનો મહિમા સમજાય તો પંચવિષય, દેહાભિમાન, કાંઈ જણાય નહિ ને મૂર્તિની સન્મુખ ચાલ્યા જાય.”
“માટે કહેનારા સારા છે, જોગ સારો છે તેથી પોતાનું પૂરું કરી લેવું; જરૂર પૂરું કરી લેવું. આ જીવ છે તે માયાનો લહરકો લેવા જાય છે એટલામાં મહારાજને ભૂલી જાય છે. માયા ત્યાગ કરી બેઠા હોય, પણ જો અંતરમાં ઘાટ-સંકલ્પ રહે તો સુખ ન થાય ને સામું દુઃખ થાય. માટે ઘાટ-સંકલ્પ મૂકી મૂર્તિમાં વૃત્તિ રાખવી. જીવમાંથી માયાનો રાગ કાઢી નાખવો અને જે માયાને તર્યા હોય ને મહાકાળ-અક્ષરથી પર એકાંતિક કે પરમ એકાંતિક તથા અનાદિ હોય તેનો સંગ કરવો, પણ માયામાં બંધાયેલા હોય તેનો સંગ ન કરવો; તો જ સુખ થાય. શ્રીજીમહારાજ ને મોટા અનાદિ તો જેવા ધામમાં છે તેવા ને તેવા જ અહીં દિવ્ય છે. મનુષ્યભાવ તો પોતાના સંકલ્પ માત્રે કરીને દેખાડે છે. જેના સારુ મૂંડાવ્યું છે, જે જોઈએ છે તે જ પ્રત્યક્ષ મહારાજ અને મોટા મળ્યા છે. આ પ્રાપ્તિ બહુ જ મોટી છે, અતિ બહુ મોટી છે. કયા સ્થાનમાં બેઠા છીએ? કોનો જોગ થયો છે? તો અનાદિમુક્ત અને પ્રત્યક્ષ શ્રીજીમહારાજ તે સાક્ષાત્ મળ્યા છે.” એટલી વાત કરીને સંત-હરિભક્તોને દ્રાક્ષ તથા કાજુની પ્રસાદી આપી. ।।૪૩।।