(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૬) બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “‘મીન સ્નેહી નીર, ચંદ્ર સ્નેહી ચકોર’ એમ હેતે કરી ભગવાનમાં સર્વે ઇંદ્રિયો તણાય ત્યારે ભગવાનના ભક્તમાં મોટા ગુણ આવે છે.”
એક હરિભક્તે નિરાવરણ દૃષ્ટિનું પૂછ્યું ત્યારે કહ્યું જે, “ભગવાનની મૂર્તિ વિના બીજું જે કાંઈ માયિક પદાર્થ તથા દેશાંતર આદિક દેખાય અને ભીંત ને પાણી સોંસરું ચાલ્યા જવું એવી નિરાવરણ દૃષ્ટિમાં નવાણું ટકાનું જોખમ છે; કેમ કે આગળ રવાજી તથા જેસાજીને વિઘ્ન આવ્યાં. મોટા તો કેને નિરાવરણ દૃષ્ટિ કહે છે? તો એક ભગવાન તથા મુક્ત વિના માયિક પદાર્થની વિસ્મૃતિ તેને ઉપશમ અવસ્થા તથા નિરાવણ દૃષ્ટિ ખરેખરી કહે છે.”
“આજ તો સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુક્ત અઢળક ઢળ્યા છે તેથી એમના જોગે સર્વે વાત સિદ્ધ થઈ જાય છે, પણ કેટલાકને વળગાડ નડે છે. તે વળગાડ અધિકારના, માનમોટપના, વિદ્યાના, ડહાપણના, એવા કંઈક જાતના છે. તે રાખશો તો આવા લાભમાં રહી જશો. આવા નૈમિષારણ્યમાં અને આવી દિવ્ય સભામાં મોક્ષનું દાન માંગવું. એ દાનનો વિધિ આવડે નહિ તો આ લોકમાં જ્યાં ત્યાં રખડે. ગઢડામાં સ્વામી હરિસ્વરૂપદાસજી કહેતા કે, ‘અમારા હાથ જુઓ.’ સ્વામિનારાયણને ઘેર અંધારું નથી. માટે સૌ નિયમ-ધર્મમાં ખબડદાર રહેજો ને મહારાજને રાજી કરજો.”
એમ કહીને પછી બોલ્યા જે, “ભગવાનના ખરેખરા ભક્ત તો એક ભગવાનને જ દેખે. તેને ખાવું, પીવું, સૂવું, બેસવું તેની પણ ખબર રહે નહિ. બહારવૃત્તિએ એવા ન ઓળખાય.”
તે ઉપર વાત કરી જે, “ગઢપુરમાં એક સમયને વિષે સભામાં શ્રીજીમહારાજે એમ કહ્યું જે, ‘એક સાધુ તો સૂઈ જ રહે છે.’ એ સાંભળી સર્વે સાધુએ પોતાનાં અને બીજાનાં આસને તપાસ કરી જે કોણ સૂઈ રહેતું હશે? પણ કોઈ જોવામાં આવ્યું નહિ તેથી સર્વેને આશ્ચર્ય જણાણું. પછી મહારાજે હરિસ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે, ‘તમે શું ક્રિયા કરો છો?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘પાંચ વખત કથા-વાર્તા કરું છું, ઘેલે તથા નારાયણ ઘાટે નાહવા જાઉં છું, ભંડારે ખાવા જાઉં છું એમ સર્વે ક્રિયા કરું છું, પણ મને સાત દિવસ થયા કાંઈ આ લોકની તથા ક્રિયાની સ્મૃતિ રહેતી નથી. જો રહેતી હોય તો પરમહંસના સમ છે.’ તે સાંભળીને સર્વે સભાને મહારાજે કહ્યું જે, ‘જુઓ! આ સૂઈ રહ્યા કહેવાય.’ એમ ભગવાનના ભક્ત ત્રણે અવસ્થામાં ભગવાનને દેખે છે, તેને ઊંઘી રહ્યા ન જાણવા; તે તો ભગવાનના સ્વરૂપમાં સદાય રહ્યા છે. એવી રીતે જે ભક્ત ભગવાનને વિષે જોડાણો છે તેના દેહની તથા વ્યવહારની સર્વે ખબર ભગવાનને રાખવી પડે છે.”
તે ઉપર ઝીણાભાઈની વાત કરી જે, “ઝીણાભાઈ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલ્યા જતા હતા તે દેહની સ્મૃતિ રહી નહિ. એમ ચાલતાં ચાલતાં જ્યારે કૂવાને કાંઠે આવ્યા ને જાણે હમણાં કૂવામાં પડશે, તે સમે મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા ત્યાં કમકમાટી આવી ને તરત ઝીણાભાઈને કૂવાને કાંઠેથી બાવડું ઝાલીને તાણી લીધા. તે સમે કોઈ હરિજને પૂછ્યું જે, ‘હે મહારાજ! તમે કમકમાટી કેમ ખાધી?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘ઝીણાભાઈ અમારી મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલ્યા આવતા હતા તે જો અમે તેમને બાવડે ઝાલીને તાણી લીધા ન હોત તો તે કૂવામાં પડી જાત. એવું જોઈને કમકમાટી આવી.’
“તેમ ભગવાનના ભક્ત ભગવાનને વિષે એકાગ્ર વૃત્તિએ કરીને દેહની ક્રિયા તથા વ્યવહારની ક્રિયા ભૂલી જાય ત્યારે ભગવાનને તેની ખબર રાખવી પડે છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હોય તેવા ભક્તને ખવરાવવું, પીવરાવવું વગેરેની જે ભક્ત ખબર રાખે છે તેના ઉપર મહારાજની બહુ પ્રસન્નતા થાય છે. કોઈ સાધન એને કરવું બાકી રહેતું નથી, એવું ફળ મોટાની સેવાનું છે.” ।।૫૨।।