(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૭) બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ભમરી મધ ભેળું કરે છે તેમાં થોરિયાનું લાવે, આંબાનું લાવે અને અભરી વસ્તુમાંથી પણ લાવે; એમ ભેગું કરીને પણ રસ મીઠો મેળવે છે. તેમ આપણે પણ સર્વમાંથી ગુણ લઈ લેવા. મૂર્તિરૂપ તથા મોટા અનાદિરૂપ નિશાન ઝાલી રાખવું. આહીં ગૌલોકના મુક્ત, તથા અક્ષરના મુક્ત છે અને પૃથ્વીના મુક્ત પણ છે. માટે અનાદિના ભેળા જવાનો છેલ્લો ઠરાવ રાખવો.”
“જેને મહારાજ સાથે એકતા થઈ હોય તેને તો જ્યાં મહારાજ હોય ત્યાં અનાદિમુક્ત હોય તેને જવા-આવવાનું નથી. અ.મુ. ગોપાળાનંદ સ્વામીને કોઈકે કહ્યું જે, ‘તમે ક્યાં છો?’ ત્યારે તે બોલ્યા જે, ‘મહારાજની સેવામાં.’ એવું છે. એવા મોટાની આગળ નિષ્કપટપણે ન વર્તે તો અંતરશત્રુ ઘા કરે જ. મોટાની પ્રસન્નતા વિના રાજ-અધિકારે કાંઈ નામ ન રહે. દાદા ખાચર અને પર્વતભાઈ જેવા મહારાજની સાથે રહ્યા તો તેમનાં નામ અખંડ છે. એવા શુદ્ધ પાત્ર થવું ને પોતાના દોષ ટાળવા.”
“જે નિષ્કપટપણે ગદ્ગદ્ કંઠ થઈને મોટા મુક્તને પ્રાર્થના કરે તેના દોષમાત્ર ટળી જાય, માટે દોષને તો સભામાં ફજેત કરીને પણ કાઢવા જેવા છે. તે જો ઝાઝા માણસમાં ફજેત થઈને જાય તો ફરીથી આવે નહિ. પોતાની ભૂલ ને દોષ ઓળખાય તે કાંઈ ઓછી વાત નથી, એ પ્રતાપ સ્વામિનારાયણનો છે. માટે ભૂલ જણાવે તો તે દંડવત કરવા યોગ્ય થાય. એ તો ભૂલો પડેલો ઘેર આવ્યો કહેવાય. માટે મહારાજ તથા મોટા મુક્તને રાજી કરી લેવા.”
“મોટા અનાદિને તો અવતારાદિક પણ વંદે છે. આ સંત બધા શ્રીજીમહારાજનાં સ્વરૂપ છે. જો મહારાજની મૂર્તિમાં રહે ને સમીપમાં રહે એટલે જુદાપણું ન મનાય તો દેહધારી આગળ આ વાતનું પ્રમાણ કેમ થાય? ‘એ તો દેહદર્શી દેખે પોતા જેવા સંસારી.’
“‘સૌના સન્મુખ શામળિયો’. એ મૂર્તિમાં વૃત્તિ રહે તેને તો અતિ હેત થાય. એવો દિવ્ય આકાર, દિવ્ય સ્વરૂપ, દિવ્ય મૂર્તિ, જેટલાં ભગવાનનાં અવયવ તેટલાં અનાદિમુક્તનાં અવયવ. તેજોમય મૂર્તિ ઝળક ઝળક ઝળકે છે તેમાં મુક્ત સર્વે રહ્યા છે. મહારાજનું સુખ જ્યાંથી લેવું હોય ત્યાંથી મળે છે. રોમરોમનાં નવાં નવાં જુદાં જુદાં સુખ ભોગવે છે. એ વસ્તુ એવી છે કે તે શાસ્ત્રથી કે કહ્યાથી ખબર પડે તેમ નથી. તે તો સુખમાં પહોંચશે એટલે જણાશે. મહારાજની મૂર્તિમાં અનેક જાતનાં સુખ રહેલાં છે. મુક્તને મહારાજનું સન્મુખપણું છે અને મહારાજને મુક્તનું સન્મુખપણું છે. મોટા અનાદિને તો રોમ રોમ પ્રત્યે રસબસ રહેવાપણું છે. એ સર્વે શ્રીજીમહારાજની મોટાઈ છે.”
“નરનારાયણ, રાધાકૃષ્ણ એ સર્વે મહારાજના સંકલ્પ છે અને ધ્યાન તો મૂળ મૂર્તિ જે હરિકૃષ્ણ મહારાજ તેનું જ થાય છે. માટે એ બધાંય સ્વરૂપનાં દર્શન કરતી વખતે શ્રીજીમહારાજની મૂર્તિ ધારીને કરવાં. સર્વેમાં શ્રીજીમહારાજનો ભાવ લાવવો. મહારાજ આંહીં સર્વે દિવ્ય સુખનો સમાજ લાવ્યા છે, પણ જીવ જેમ જેમ પાત્ર થતા જાય તેમ તેમ આ અલૌકિક વાત સમજાય છે અને સુખિયા થતા જાય છે.”
પછી એમ બોલ્યા જે, “જેને જેટલી સ્થિતિ થઈ હોય, મૂર્તિના સુખની પ્રાપ્તિ થઈ હોય, અનાદિમુક્તની ઓળખાણ થઈ હોય એટલા સુધીની જ બીજાને વાત કરવી, તો તેટલી સ્થિતિ બીજાને પમાય; પણ સ્થિતિ વિના વાત કરે તેનાથી બીજા જીવને સમાસ થાય જ નહિ. મોટાની પ્રાપ્તિનું પણ એમ જ સમજવું. અને કેટલાક તો પોતે પોતાની સ્થિતિથી ઉપર વાત કરે તે પોતાનેય સમજાય નહિ અને બીજાને લોચા વળાવે તેથી સમાસ થાય નહિ. માટે પોતાની સ્થિતિ સુધીની બીજાને વાત કરવી.”
“લાખ મણ લોઢાનો ગોળો ઘસાઈ જાય એટલું ધામ છેટે છે તે સાધનદશાવાળાની વાત છે. ‘આંહી’ અને ‘ત્યાં’ તે આ લોકનો શબ્દ છે. ‘ત્યાં’ એટલે દિવ્યભાવ અને ‘આંહી’ તે આ લોકનો ભાવ. બહારવૃત્તિવાળાને ‘આંહી’ ને ‘ત્યાં’ છે. અક્ષરધામમાં તો સર્વે મુક્ત સૌની સાથે સન્મુખ દેખાય છે. અનાદિમુક્ત તો રસબસ રહ્યા થકા મૂર્તિમાં કિલ્લોલ કરે છે. મહારાજ સહુને સર્વત્ર દેખાય, મંદમંદ હસતા હોય અને મંદમંદ બોલતા હોય. બધાય મુક્ત મૂર્તિનું સુખ લે છે.”
ત્યાર પછી પુરાણી ધર્મકિશોરદાસજીને વાતો કરવાની આજ્ઞા કરીને બાપાશ્રી નાહવા પધાર્યા. ।।૬૦।।