(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૯) સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે કારણ મૂર્તિ જે સ્વામિનારાયણ ભગવાન તેમને વળગવું ને મોટા મુક્તની વાત સાંભળીને તેનું મનન કરવું અને તેનો નિદિધ્યાસ કરવાથી સાક્ષાત્કાર થાય.”
એમ કહીને પોતાની વાત કરી જે, “સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો સાંભળીને હું અને કુંવરજી પટેલ રાત બધી મનન કરતા. શું તેમની વાતોની ઢબ! સભામાંથી કોઈ સંત-હરિભક્ત વાતો થતી હોય ત્યાં સુધી ઊઠી શકે જ નહિ. શ્રીજીમહારાજે સદ્. ગોપાળાનંદ સ્વામીને કહ્યું હતું જે, ‘તમે મારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો ત્યાં સુધી આ દેહમાં રાખીશ.’ એ આજ્ઞા આ સ્વામીશ્રીએ માથે ચડાવી હોય ને શું! તેમ શ્રીજીમહારાજના સર્વોપરીપણાની, અવતાર-અવતારીના ભેદની વાત સમજાવવાની તથા મહા સમર્થ મુક્તોના ઐશ્વર્ય-પ્રતાપની, દિવ્યભાવની, જેને જેને એ સર્વોપરી મૂર્તિનો સંબંધ થયો તેના અહોભાગ્યની વગેરે ઘણી વાતો કરતા.”
“સ્વામીની ત્યાગ-વૈરાગ્યની છટા પણ સર્વોત્તમ હતી કે જેથી ભેળા રહેનારા કોઈ પણ સંત તેમની મરજી લોપી શકતા નહિ, તેમ જ આજ્ઞા પાળવા-પળાવવામાં એવું જ તાન કે કોઈ પણ સંત રંચમાત્ર આજ્ઞા લોપી શકે નહિ. સભામાં કોઈ વેદ, વેદાંત આદિક શાસ્ત્ર જાણનાર વિદ્વાન આવતા તે પણ સ્વામીની વાતોની છટા તેમજ પ્રમાણભૂત વચનો સાંભળી દબાઈ જતા એવો તેમની વાતોનો પ્રભાવ હતો.”
“મહારાજને સર્વોપરી કહેવામાં સ્વામીને સત્સંગમાં કેટલીક ઉપાધિ થયેલી, પણ એ ગણતા જ નહિ ને એમ જાણતા જે, ‘બિચારા સમજતા નથી તેથી એમ બોલે છે. જ્યારે એ બોલનારા તેમજ ઉપાધિ કરનારા મહારાજને સર્વોપરી સમજશે ત્યારે તેમને આ વાતોનો ધોખો નહિ થાય.’ એમ કહેતા.
“એક વખત મહારાજના હજૂરી પાર્ષદ ભગુજીએ સભામાં કહ્યું હતું કે, ‘હું સ્વામીની વાતો સાંભળું છું ત્યારે મોટા સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી જેવા સમર્થ મુક્તોનો જેમ સભામાં દાબ પડતો તેમ આ સ્વામીશ્રીનો પણ એવો જ ભાર પડે છે.’”
“તેમણે વાતો ઘણી કરી છે, પણ તે વખતે કોઈએ એ લખી નહિ. મહારાજનાં લીલાચરિત્ર ને પરચાની કેટલીક વાતો લખી, પણ જો સ્વામી જેવી વાતો કરતા તેવી લખી હોત તો સત્સંગમાં મહારાજને સર્વોપરી સમજાવવાનું એક સર્વોત્તમ ચમત્કારી પુસ્તક થાત.”
“અમે તો એમની વાતો સાંભળી છે. શું એમની વાતો કરવાની છટા! સ્વામી ગામડાંમાં ફરવા નીકળે ત્યારે વીશ-પચીશ ને ક્યારેક તેથી પણ અધિક સંતો ભેળા હોય ને કથા-વાર્તાનો અખાડો સદાય ચાલુ જ હોય. સવારે ચાર વાગે નાહી પૂજાઓ કરી લે તે એક વખત ભંડારમાં હરે થાય એટલી પ્રવૃત્તિ જણાય. પછી તો રાત્રિના બાર વાગ્યા સુધી કથા-વાર્તા થયા જ કરે. તેમાં મુખ્યપણે સ્વામી જ વારંવાર વાતો કરતા, સર્વોપરી ગ્રંથ વંચાવતા. કોઈ સંત તેમજ હરિભક્ત ગ્રામ્ય વાત તો કરી જ ન શકે એવો એમનો દાબ. અમને બહુ હેત જણાવી મળતા ને અમે પણ એ સ્વામીનો બહુ મહિમા જાણતા. વાહ રે વાહ! સ્વામી નિર્ગુણદાસજી વાહ! આ બાવે (સ્વામી ઈશ્વરચરણદાસજીએ) એમનો ચીલો રાખ્યો છે.”
એમ કહી અતિ પ્રસન્નતા જણાવી.
પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, “મહારાજ તથા તેમના મોટા મુક્તનો મહિમા જાણવો ને એટલું તો દૃઢ કરી રાખવું જે મોટા અનાદિને વળગ્યા છીએ તે આપણને પાકા કરીને બ્રહ્મરસ જરૂર રેડશે જ, પણ ભૂલશે નહિ.”
ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ કહ્યું કે, “બાપા! અમે જેટલું પાત્ર થયા હોઈએ તેટલું તો અમને આપો.”
ત્યારે બાપાશ્રી કહે કે, “પુરુષોત્તમ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના અનાદિ મહામુક્ત એવા ચાળા-ચૂંથણા કરતા નથી.”
એમ કહીને બોલ્યા જે, “મોટા પાસે બહુ આગ્રહ કરીને ઐશ્વર્ય લે છે તે માગીને ઘરેણું પહેર્યા જેવું છે. તે જ્યારે તેનો ધણી ઘરેણું ઉતારી લે ત્યારે તે પહેરનાર લૂખો થઈ જાય. માટે જ્યારે ખપ પડે તે ટાણે આપે તે ઠીક છે. ભગવાન ને ભગવાનના મોટા મુક્તને અંતર્યામી જાણવા જોઈએ. શ્રીજીમહારાજને અંતર્યામી જાણે અને મોટા અનાદિને અંતર્યામી ન જાણે તો તે અડધો નાસ્તિક કહેવાય; કેમ જે મહારાજ અને મોટા મુક્ત સદા સાથે જ છે, ક્યારેય પણ જુદા નથી. એમ સમજવું.”
પછી કહ્યું જે, “ખોટા ખોટા સંકલ્પ અને મલિન ઘાટ થાય કે તરત તેના ઉપર ખોટા કરી નાખવાના વિચાર ઊપડે તો તે ક્યાં સુધી રહે! જેમ દુશ્મન માથું ઉપાડે કે તરત તેના ઉપર ઘણનો ઘા થાય તે કેટલું નભે! ન જ નભે, મરી જાય. તેમ તેવા ઘાટ-સંકલ્પ વિચારે કરીને ટાળી નાખવા.” ।।૭૧।।