(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૯) બપોરે આસને બાપાશ્રી પાસે સંતો તથા હરિભક્તો બેઠા હતા, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી વાતો કરતા હતા. તે વખતે કડીવાળા સોની દલસુખભાઈ તથા મોરવાડવાળા લક્ષ્મીચંદભાઈએ આવીને પ્રાર્થના કરી જે, “બાપા! અમારે ઘેર આપ દર્શન દેવા પધારો તો નાનાં-મોટાં બાળકો તથા વૃદ્ધ આદિ સૌને દર્શન થાય ને કેટલાક મુમુક્ષુ નજરે ચડે તે પણ મોક્ષભાગી થાય.”
પછી તેમણે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણ-દાસજી આદિ સંતોને પણ એ વાત કરી, જેથી બન્ને સદ્ગુરુઓએ કહ્યું જે, “બાપા! હેતવાળા હરિભક્તો છે તેમને રાજી કરવા જોઈએ.”
તે વખતે બાપાશ્રી કીર્તનની ટૂંક બોલ્યા જે, “‘સંત પરમ હિતકારી, જગતમેં સંત પરમ હિતકારી.’ આવા સંતને રાજી કરવા જવું જોઈશે.”
એમ કહી તે બન્નેને ઘેર તથા સદરમાં રહેતા હેતવાળા હરિભક્તોને ત્યાં દર્શન દઈ કેટલાક બાળકોને અને નવા મુમુક્ષુઓને વર્તમાન ધરાવી માર્ગમાં નજરે ચડતાં અનેક જીવોને દૃષ્ટિમાત્રે પાવન કરતાં આરતી સમયે બાપાશ્રી મંદિરમાં પધાર્યા.
ઠાકોરજીનાં દર્શન કરી મેડા ઉપર આસને આવ્યા ને એમ બોલ્યા જે, “સ્વામી! હવે દેહના ભાવ જણાય છે. જરાક હડદો થાય છે તોય ખમાતો નથી, થાકી જવાય છે. પણ તમો રાજી થાઓ એટલે શ્રીજીમહારાજ રાજી થાય એમ જાણી જઈએ છીએ. હરિભક્તોનાં હેતની વાત જ શી કહેવી! આજ દલસુખભાઈ તથા લક્ષ્મીચંદભાઈને ત્યાં જવા તમોએ કહેલ, પણ ત્યાં ગયા પછી બધાયને તાણ એવી ને એવી. શેરીમાં ચાલવાનો માગ ન મળે. નાનાં-મોટાં હાથ જોડી ઊભા રહે. ‘બાપા! મારું ઘર આ રહ્યું. મારું ઘર આ રહ્યું. એક દાદરો ચડવાનો છે. જરાય છેટું નથી. અમારે ત્યાં આમ છે, તેમ છે’ એમ કહે ને કરગરે તેથી ત્યાં જઈએ એટલે બધાયને રાજી કરવા પડે. મહારાજનો રાજીપો આવા વિશ્વાસી હરિભક્ત ઉપર બહુ. જેથી અમે સૌને રાજી કરીએ છીએ, પણ શરીરમાં અવસ્થાના ભાવ જણાય છે.”
એ વખતે અમીચંદભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! આપને સદરમાં હરિભક્તો તેડી ગયા હતા તેથી મોડું ઘણું થયું. મારે ઘેર આજ પધારશો એમ જાણી હું વાટ જોઈ રહ્યો હતો. સ્વામીશ્રીને સવારમાં પ્રાર્થના કરી હતી, પણ તમો થાક જણાવો છો એટલે મારાથી કહી શકાતું નથી. જો દયા કરીને આપ પધારો તો ભલે, પણ જો આપને થાક લાગ્યો હોય તો કાલે દર્શન દઈ જજો.” એમ કહ્યું.
તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “તમારા જેવા મહિમાવાળા ભગવાનના ભક્તને રાજી કરવા ખપે. તમારું ઘર ક્યાં છે?”
ત્યારે અમીચંદભાઈ કહે, “બાપા! આ સામે બારી દેખાય એ જ.”
તે વખતે અતિ પ્રસન્નતા જણાવી બાપાશ્રી થાકને ન ગણીને તેમને ઘેર પધાર્યા. ત્યાં તેમના ભાઈઓ, નાનાં-મોટાં બાળકો અને પાડોશમાં રહેનારા સર્વે દર્શનથી અતિશે આનંદ પામ્યા. ઘરનાં સૌ કુટુંબીજનોએ બાપાશ્રીની પ્રાર્થના કરી મૂર્તિના સુખમાં રહેવાના આશીર્વાદ લીધા.
તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “તમારા ભાઈ અમને માથક તેડી ગયા હતા ત્યારે સદ્ગુરુઓ પણ સાથે હતા. આખા ગામમાં અમને ને સંતોને ફેરવ્યા ને કહે જે, ‘આપ પધાર્યા તેથી સૌના મોક્ષ થશે’ એવો મહિમા.”
તે વખતે માથકથી અમીચંદભાઈ ઉપર તેમનો કાગળ આવેલ તે વંચાવ્યો. તેમાં લખેલ જે, “બાપાશ્રી આપણે ઘેર પધારે ત્યારે તમારે આટલી પ્રાર્થના મારી વતી કરવી જે, ‘બાપા! અમારા કુટુંબમાં સૌને આપને વિષે દિવ્યભાવ રહે, ક્યારેય મનુષ્યભાવ ન આવે તથા નવા જે જીવ જન્મે ને મરે તે સૌને શ્રીજીમહારાજ મૂર્તિના સુખમાં રાખે, કોઈ આસુરી જીવનો જન્મ અમારા કુટુંબમાં ન થાય ને કુટુંબમાંથી સત્સંગ ન જાય. વળી અમારે ત્યાં દીકરી જન્મેલ હોય તેને જ્યાં પરણાવીએ ત્યાં સત્સંગનું બળ ન હોય તોય તેને મહારાજ અને આપ મૂર્તિના સુખમાં પહોંચાડજો.’” આવો કાગળ વંચાવ્યો.
“વાહ રે વાહ! શું હરિભક્તોનાં હેત! મહિમાવાળા પણ એવા. કુટુંબમાં તથા ઘરમાં તેમના બીજા ભાઈઓ, નાના-મોટા દીકરા સૌ દંડવત કરી રાજી કરવા હાથ જોડતા હતા. આવા દેશમાં મહારાજે ઘણી દયા કરી છે. મહિમાની વાતો આવી છે. કેટલાક આવી વાત ન જાણનારાને મૂંઝવણ થતી હોય કે સંકલ્પ થતા હોય તો તે જાણે, પણ અમારે તો એક શ્રીજીમહારાજને રાજી કરવા છે; બીજું કાંઈ જોઈતું નથી.” એમ કહી સૌને રાજી કરી બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ।।૭૨।।