(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૨) બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે તો મૂર્તિના સુખમાં ઝીલવું, બીજું તાન ન રાખવું. આજ ભગવાન સોંઘા છે. મૂર્તિ ને મુક્ત તે વિના ક્યાંય અટકવું નહિ. આ લોકના ઠરાવ રાખનારને આવી વાતો મળે નહિ. આપણે તો આનંદમાં ને આનંદમાં રહેવું. એક મહારાજ ને તેમના અનાદિ તે વિના બીજે ક્યાંય ભાગ રાખવો નહિ. દેહ રહે ત્યાં સુધી આમ ને આમ વર્તવું. મહારાજને તથા અનાદિમુક્તને પળમાત્ર પણ મૂકવા નહિ. આમ સમજે નહિ તે ઇંદ્રિયોના દેવ વરુણ, ચંદ્ર, સૂર્ય આદિ જાણે પણ આપણને તો મહારાજ મળ્યા તે બીજા દેવ ઊઠી ગયા. તેથી આપણા આપણા દેવ મહારાજ થયા છે. તે આત્મામાં મૂર્તિ રહે ત્યારે મહારાજ નેત્રથી જુએ, કાને સાંભળે, મુખે બોલે એમ બધી ઇંદ્રિયોમાં મહારાજ રહે છે તોપણ ધામની અને મહારાજની વાટ જુએ, મુક્તની વાટ જુએ, જે ક્યાં હશે? પણ આત્મામાં છે તેને આકારે વૃત્તિ થતી નથી. જો એમાં વળગી રહે તો જેમ ફૂલની સુગંધી આવે છે તેમ મૂર્તિની અને મુક્તની ખુશબો આવે છે, પણ જીવનો સ્વભાવ ચટકાવાળો છે, તે ક્યારેક ચટકો લઈ લે.”
એમ કહીને બોલ્યા જે, “‘ગુરુ ગયા ગોકળ ને ચેલાને થઈ મોકળ’ એમ અહીં જોગમાં રહે ત્યારે ઠીક રહે અને છેટે જાય તો આજ્ઞા લોપી નાખે. માટે આવા કહેનારા છે, તે પછી ક્યાંથી મળે? આવા મોટા છે તે મહારાજના પડછંદા છે તે મહારાજની મરજી પ્રમાણે જ બોલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે તે સર્વે મહારાજની મરજી પ્રમાણે જ કરે છે. અહીં આદિમાં દેખાય છે, પણ અક્ષરધામમાં રહ્યા થકા જ દેખાય છે. માટે જોગ સારો છે, વખત સારો છે તે એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ. એમ આપણને મૂર્તિ અને મુક્તનાં મંડળ એવું દિવ્ય સુખ મળ્યું છે માટે દેહ છતે ભેગા અને દિવ્યભાવમાં પણ ભેગા જ છે; જરાય જુદાપણું નથી. અંત વખતે મહારાજ તથા મોટા લાખો પ્રદક્ષિણાઓ કરાવી, લાખો દંડવત કરાવીને મૂર્તિના સુખમાં લઈ જશે.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “દંડવત-પ્રદક્ષિણાઓ શી રીતે કરાવશે?”
ત્યારે બાપાશ્રી કહે કે, “એવું જ્ઞાન આપીને સંકલ્પે કરીને કરાવી દેશે. અને મૂર્તિમાં રસબસ કરી અનાદિમુક્તની પંક્તિમાં ભેળવી દેશે, માટે વિશ્વાસ દૃઢ રાખવો. મોટાનો જોગ સમાગમ કરવાથી મોટા મુક્ત જીવને પોતાના જેવા કરે છે. તે કેવી રીતે? તો મોટાની સાથે નિર્મળ મને જોડાવાથી મોટા અનાદિ આ જીવને દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ, દેવતા, એ સર્વેમાંથી મુકાવીને બ્રહ્મરૂપ કરી દે એટલે છતે દેહે જ બ્રહ્મરૂપ કહેવાય. આ તો કૃપાસાધ્ય પુરુષ મળી ગયા છે. આ સભા શ્રીપુરુષોત્તમ ભગવાનની છે. તેથી આ સહેજમાં મોક્ષ થાય છે, માટે આ લાભ લઈ લેજો.”
“શ્રીજીમહારાજ સત્સંગમાં બિરાજે છે ને જુએ છે. આવા ભગવાન, આવા સંત, આવો ધર્મ ધુરંધર માર્ગ, અષ્ટસિદ્ધિ, નવનિધિ એ બધુંય છે, તો પણ જીવને ગમે તેમ વર્તવું અને મોટા પુરુષનાં વચન મનાય નહિ તથા મહારાજની આજ્ઞા પળે નહિ એટલું દુઃખ છે. આ સત્સંગમાં શા માટે ભેગા થયા છીએ? મોક્ષને માટે કે બીજાને માટે? શ્રીજીમહારાજના સિદ્ધાંત અને આજ્ઞા પ્રમાણે ગૃહસ્થને તથા ત્યાગીને વર્તવું; તો દુખિયા થવાય નહિ. સત્સંગમાં પડ્યા હોય ને ઇંદ્રિયોને લાડ લડાવ્યા કરતા હોય તે શોભે નહિ; કેમ કે ઇંદ્રિયો તૃપ્ત થાય એવી નથી. સુખમાં સુખ તો શ્રીજીમહારાજની મૂર્તિ છે, તે કારણ મૂર્તિને બાઝવું. તે થાય નહિ ને આ લોકનાં સાધન કરવા માંડે તેથી શું? તે તો દહાડા કાઢવા જેવું છે, સાધનથી કાંઈ નથી. ખરું સુખ તો મહારાજની મૂર્તિમાં છે, બીજે સુખ નથી.”
“આ જોગ ને આ વખત સારો છે. માટે નિયમ રાખી કથા-વાર્તા કરવી. સત્સંગમાં એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિમુક્ત પણ વિચરતા હોય; માટે તેમનો જોગ કરી દિવ્ય સુખ ભોગવવું. માનરૂપી રોગ, લોભરૂપી રોગ, કામરૂપી રોગ, એ સર્વે મૂકીને મહારાજના સ્વરૂપમાં જોડાઈ જવું; એ વસ્તુ સત્ય છે. મહારાજનું ધ્યાન કરવા બેસે ને મન તો ક્યાંય ફરતું હોય એવું ધ્યાન ન કરવું. મહારાજ કહે છે કે, ‘સત્સંગ દિવ્ય છે માટે સૌના ધર્મ સહુએ સંભાળવા. સત્સંગ સમુદ્ર જેવો છે તે આજ્ઞા પ્રમાણે ન વર્તે તો મડદું બહાર કાઢી નાખે.’ મોટા મોટા સંત જે રસ્તો બાંધી ગયા છે તે રસ્તે આપણે ચાલવું, નહિ તો મહારાજ છેટા થઈ જાય. શ્રીજીમહારાજની સન્મુખ દૃષ્ટિ રાખવી. મહારાજ દિવ્ય છે. ‘જરા પણ આજ્ઞા લોપીશ તો તે કુરાજી થશે’ એવું જાણપણું નિરંતર રાખવું. મૂર્તિમાં જોડાઈ જવાય એટલે દેહનું દુઃખ રહે નહિ.
“અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ બધી મૂર્તિઓ છે, એમ જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. મૂર્તિઓને ચિત્રામણની કે પાષાણાદિકની ક્યારેય જાણવી નહિ. સદાય દિવ્ય છે. પણ જીવનો સ્વભાવ એવો છે તે નવા નવા ઘાટ કરે છે. આપણે તો સદાય નૈમિષારણ્ય ક્ષેત્ર છે, કેમ કે મહારાજ તથા મોટા આ સત્સંગમાં વિચરે છે. ત્યાગીને તો મહારાજે ગામમાં વન કરી દીધાં છે. તોપણ કથા-વાર્તામાં રુચિ ન હોય તેમાં રૂડા ગુણ આવે નહિ એમ જાણવું. આપણે શ્રીજીમહારાજને પામવાનો વેપાર કરવા બેઠા છીએ તે રાતમાં ઊઠી ઊઠીને ધ્યાન કરવું.” ।।૮૮।।