(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૩) બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પંચ વર્તમાન દૃઢ કરીને પાળવાં. વર્તમાનમાં ફેર પડે તે કેવું અજ્ઞાન કહેવાય! મસ્તક પડી ગયું હોય (વર્તમાન લોપ્યું હોય) તેનો અવગુણ આવે. જીવમાં કુપાત્રપણું રાખે તે મહારાજથી પણ ન ખમાય. મહારાજે કહ્યું છે જે, ‘નિષ્કામી વર્તમાનમાં ફેર પડવા દેવો નહિ. કોઈ ફેર પાડે તો જેમ વાંઝિયાને ઘેર દીકરો આવીને મરે તેવું અમને વસમું લાગે છે.’ કળિયુગમાં કામનું જોર વધારે છે. મોટા મોટાની તથા બ્રહ્મા જેવાની પણ લાજો લીધી છે. આ વખત એથીયે જબરો છે. પણ આ ટાણે સાવચેત થાય તો આજ એને મારનારા ખરેખરા મળ્યા છે. વાદી સાણસો લઈને પકડવા ઊઠ્યો છે, પણ જીવ નાક મૂકીને ફરે તેનું કેમ કરવું? આવા દેશકાળમાં જેણે મસ્તક હાથ રાખ્યું તેનો ખરેખરો સત્સંગ કહેવાય. આપણે સૌને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે, તેથી કોઈ આઘુંપાછું વર્તવાનું કહે અને વચનમાં વર્તે નહિ તો તેનો વિશ્વાસ ન કરવો. જો આપણે કરવા માંડીએ તો મહારાજ અને મોટા સહાયમાં ભળે છે. જીવનો ઢાળ એવો છે કે ગોળ મૂકીને ખોળ ખાવા જાય, એમ ન કરવું . ભગવાનના ભક્તને તો ભગવાનનાં વચનમાં દૃઢપણે વર્તવું, એ વિના ચાલશે નહિ.”
પછી એમ બોલ્યા જે, “મહારાજના અનાદિમુક્તને તો મહારાજની હારે ગણવા જોઈએ, પણ સ્વામી-સેવકપણું રાખીને. મહારાજ સૌને સુખ આપે છે ને મુક્ત સુખ ભોગવે છે તોપણ તૃપ્ત થતા જ નથી. મૂર્તિમાં અપાર, અલૌકિક, અનહદ સુખ છે, તેને કઈ ઉપમા આપીએ? જેમ કોઈ મહાસુખિયો થયો હોય તેને દુઃખ નજરમાં જ ન આવે તેમ જેને મહારાજની મૂર્તિનો અલૌકિક આનંદ છે, તેને જગતનું કોઈ સુખ નજરમાં આવતું નથી. મૂર્તિનું સુખ અપાર છે. જેમ નદીયું હોકારા કરે, સમુદ્ર મર્યાદા મેલે, એમ તે છે. મહારાજે કહ્યું છે જે, ‘માતાના ઉદરમાં હતા ત્યારે પણ મૂર્તિને દેખતા અને આજે પણ દેખીએ છીએ.’ એમ મોટા અનાદિની મનુષ્યના જેવી ક્રિયા જણાય, પણ એમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. અનાદિમુક્ત અને શ્રીજીમહારાજની ક્રિયા અલૌકિક છે.”
“એવા અનાદિ ભેગા રહ્યા થકા ઓળખાય. તેમનું વૃત્તાંત જોવું, રુચિ જોવી, સિધ્ધાંત જોવો, અભિપ્રાય જાણવો, ક્રિયાઓ જોવી, તે સર્વે મહારાજની આજ્ઞા પ્રમાણે જ હોય, પણ આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કરે નહિ અને કરાવે નહિ. ચક્રવર્તી રાજાને પોતાનું રાજ્ય બીજાને દેવું હોય તો કેટલી વાર લાગે? તેમ મોટાને સુખ આપતાં એટલી વાર લાગે છે. માટે આવા મોટાને અતિ રાજી કરવા. મોટા મુક્ત તો આપણને કોઈ દિવસ વિસારે નહિ, પણ આપણને જો એમનો અભાવ આવે તો મોટા વિસારે છે. એમને વિષે હજારો માણસો ખેંચાય છે, તે મોટા કોઈને કહેવા જતા નથી કે દાખડો કરતા નથી, પણ જ્યાં એ છે ત્યાં મહારાજ અને અનંત કોટિ મુક્ત છે તેથી સર્વે ખેંચાય છે. આપણી વૃત્તિ મોટા મુક્ત સુધી પહોંચાડીએ તો મોટા મુક્ત ઠેઠ મહારાજ સુધી આપણી વૃત્તિને પહોંચાડે છે.”
“લખતરવાળા ગણપતરામભાઈએ અમને કહ્યું જે, ‘મને મહારાજ તેજના સમૂહમાં દર્શન દે છે અને મારા સામું જોઈને ક્યારેક મંદ મંદ હસે છે, પણ મારી સાથે બોલતા નથી, તે શું સમજવું?’ ત્યારે અમે કહ્યું જે, ‘એમને એમ મૂર્તિને સંભાર્યા કરજો, ધ્યાન કર્યા કરજો, પણ બોલવાનું કે બીજું કાંઈ ઇચ્છવું નહિ; કેમ કે ઇચ્છીએ ત્યારે એટલો સકામભાવ કહેવાય.’ પછી તો તે સમજી ગયા, અને મહારાજે પણ તેમના મનોરથ પૂરા કર્યા.”
“શ્રીજીમહારાજના મોટા મુક્તના સામર્થ્યની કે ગતિની જીવને ખબર પડે નહિ. કેમકે સ્વામી નિર્ગુણદાસજી પોતે વારે ઘડીએ એમ બોલતા જે, ‘માંહી બાવો બેઠો જ છે.’ એટલે આપણે તો એક મૂર્તિ જ માંહી બિરાજે છે, એમ સદાય સુરત રાખવી. મોટાના શબ્દ પણ ભગવાનની સ્મૃતિ કરાવે છે. એક સાધુએ અમને એક જોડ મહારાજનાં (પ્રસાદીનાં) ચરણારવિંદ આપવા માંડ્યાં અને કહ્યું જે, ‘તમે મારા ઉપર રાજી થાઓ’, ત્યારે અમે કહ્યું જે, ‘અમારે તો જીવમાં શ્રીજીમહારાજનાં ચરણારવિંદ છે, માટે તમે તમારી પાસે રાખો.’ એમ આપણે મૂર્તિ ભેગું સર્વે છે એમ જાણવું.” ।।૯૪।।