(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૩) રાત્રે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ પૃથ્વી ઉપર ભગવાન રાજા રૂપે અને રાજાધિરાજ રૂપે તથા સદ્ગુરુ રૂપે અને સાધુ રૂપે વર્તતા હોય તે રીત જાણવી. તે જ્યારે રાજા રૂપે ભગવાન વર્તે ત્યારે કોઈ સાધારણ મનુષ્યને જોગ કરવો હોય તેને કઠણ પડે, અને રાજાધિરાજ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે અતિ મોટા પુરુષને પરાણે પરાણે જોગ થાય અને સદ્ગુરુ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે પણ મોટા મોટા હરિભક્તોની સભા બેઠી ને બેઠી હોય તે કોઈને કાંઈક પ્રશ્ન પૂછવો હોય તો તે પૂછતાં પૂછતાં કેટલોક વખત વીતી જાય, પણ પૂછવાનો મેળ મળે નહિ. તો બીજું તો ક્યાંથી પૂછાય! તેથી જોગ કરવો ઘણો કઠણ થઈ પડે. અને જ્યારે સાધુ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે તો તેમને ગમે તેમ પૂછો, ગમે તે આવો, ગમે તેમ બોલો, ચાલો, વાતો કરો, તેમાં જરાપણ કોઈને કઠણ પડે જ નહિ ને સર્વેને જેવું જોઈએ તેવું સુખ આવે ને કોઈ રીતે આમન્યા રહે નહિ. નાના-મોટા સૌને જોગ કરવાનો સમય મળે અને સૌને સખાભાવ રહે. તેથી આ સમયે શ્રીજીમહારાજ સૌ જીવને સુખિયા કરવા માટે સાધુ રૂપે વર્ત્યા.”
વળી વાત કરી જે, “આપણે ભગવાનના ભક્તને એમ વિચાર કરવો જે, ‘હું ભગવાનનો ભક્ત છું તે મારે જગતના જીવની પેઠે શી રીતે વર્તાય? આપણે તો ભગવાનને અને મોટા મુક્તને રાજી કરવા છે તથા અખંડ અલૌકિક સુખને પામવું છે, માટે જગતના જીવની સમજણ ક્યાં! અને આપણી સમજણ ક્યાં!’ એવો વિચાર રાખી જગતના જીવની ક્રિયાને વિષે હર્ષ-શોક ન કરવો. અને એમ વિચારવું જે, ‘જગતના જીવ ઘણા પ્રકારનાં સુખ-દુઃખને પામે છે, તોપણ પોતાના સ્વભાવને મૂકતા નથી; તો હું તો શ્રીજીમહારાજનો દાસ છું તો હું મારો સ્વભાવ જે શ્રીજીમહારાજની મૂર્તિનું જ સુખ ભોગવવું તેને કેમ મૂકું?’”
“જીવને માયામાંથી નીકળીને પુરુષોત્તમ ભગવાનને પામવા એ પોતા થકી કોઈ સાધને કરીને કે સમજણે કરીને પમાતું નથી. તે તો માછલાંને જેમ જળ જીવન છે તેમ જીવ જ્યારે અતિ મોટા પુરુષ જે અનાદિ મહામુક્ત તેમને વિષે પોતાના જીવને બાંધીને એવા મોટાને વિષે એકાત્મપણું કરે ત્યારે માયાને તરીને શ્રી પુરુષોત્તમરૂપ થઈને એ મૂર્તિના સુખમાં રમે તેમાં કાંઈપણ કઠણ પડતું નથી. તે વિના તો શ્રી પુરુષોત્તમની સન્મુખ ચાલવાની સામર્થી કોઈ જીવને થતી નથી. માયાના ભાવથી મુકાઈને શ્રી પુરુષોત્તમ સન્મુખ ચાલવું તે આવા મહામોટા સમર્થ અનાદિના જોગથી થાય.”
“જેમ ભૂચર અને ખેચર પંખી છે તેમાં ભૂચર પંખી ઊંચે બેઠું હોય અને ખેચર પંખીનું ઇંડું પૃથ્વી ઉપર પડ્યું હોય પછી તે ઇંડું સેવાય ને બચ્ચું થાય એટલે ઊડીને ઊંચું ચાલ્યું જાય; તેમ શ્રી પુરુષોત્તમની ઉપાસનાવાળા જે મહામુક્ત તેમના જે જોગવાળા છે તે પ્રકૃતિપુરુષ, બ્રહ્મ, અક્ષર આદિ સર્વથી પર શ્રી પુરુષોત્તમનારાયણ સહજાનંદ સ્વામી ભગવાન તેમને જ પામે છે; પણ વચમાં એ ક્યાંય અટકતા નથી. એવું તેમનું શ્રીજીમહારાજની મૂર્તિના બળે સામર્થ્ય છે.” ।।૯૬।।